<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

રાતે પટમાં કેમ બેઠા છો? કહી માલવીયાનગર પોલીસના નામે ડરાવી રૂા. ૫૦ હજાર માંગ્‍યાઃ બે ગઠીયા પકડાયા

રૈયાધાર શાંતિનગરથી આગળ ક્રિકેટ મેદાનમાં બનાવઃ અનેકને ખંખેર્યાની શંકાએ તપાસ : કારખાનામાં કામ કરતાં મવડીના કિરીટભાઇ પીઠડીયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદઃ મવડીના આર્યન ફળદુ અને માધાપરના પરમરાજ માંજરીયાની ધરપકડઃ આર્યન ૧૧૨માં ભરતી માટે તૈયારી કરે છે, પરમરાજ હાલ બેકાર : કિરીટભાઇને બંનેએ પોલીસ કેસની ધમકી દઇ ભાગી ગયેલા મિત્રોને પાછા બોલાવવા ધમકાવ્‍યાઃ પાછા આવેલા એક મિત્રએ શંકા ઉપજતાં યુનિવર્સિટી પોલીસની હદમાં માલવીયાનગર પોલીસ શું કરે છે? તેવુ પુછી આઇ કાર્ડ માંગતા બંને ભાગી ગયાઃ પીએસઆઇ વી. જી. ડોડીયા, જગમાલભાઇ ખટાણા, પ્રતાપસિંહ મોયા અને ડી. સ્‍ટાફ ટીમે બંનેને સકંજામાં લીધા

રાજકોટ તા. ૧૫:  વધુ એક વખત નકલી પોલીસના નામે તોડ કરવાનો પ્રયાસ કરવાની ઘટના બની છે. જેમાં મવડી વિસ્‍તારના યુવાન રૈયાધાર શાંતિનગર ગેઇટ નજીક ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં રાતે મિત્રો સાથે બેઠો હતો ત્‍યારે બે શખ્‍સોએ ટુવ્‍હીલર પર આવી પોતે માલવીયાનગરના પોલીસ છે, અહિ કેમ રાતે બેઠા છો કહી ડરાવતાં યુવાનના મિત્રો ભાગી જતાં આ બંનેએ તેને પકડી લઇ તારે પોલીસ કેસ ન કરવો હોય તો પચાસ હજાર દેવા પડશે કહી ધમકાવતાં અને તેના મિત્રોને પાછા બોલાવવાનું કહેતાં પાછા આવેલા મિત્રોમાંથી એકને શંકા ઉપજતાં આ બંનેને યુનિવર્સિટી પોલીસની હદમાં માલવીયાનગર પોલીસ શું કરે છે? તેમ પુછી આઇકાર્ડ માંગતાં બંને ભાગી ગયા હતાં. પોલીસ સુધી ઘટના પહોંચતા બંનેને દબોચી લેવાયા છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મવડી પ્‍લોટ મધુરમ્‌ સોસાયટી-૨ શ્રીકૃષ્‍ણ સ્‍કૂલની સામેની શેરીમાં રહેતાં અને વાવડીમાં ઘરઘંટીના બોક્‍સ બનાવવાના કારખાનામાં મજૂરી કરતાં કિરીટભાઇ મનસુખભાઇ પીઠડીયા (ઉ.વ.૩૧) નામના યુવાનની ફરિયાદ પરથી આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા સામે ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

કિરીટભાઇ પીઠડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તે પરિવાર સાથે રહે છે અને કારખાનામાં મજૂરી કરે છે.  ગત તા. ૧૨/૬ના રોજ રાત્રિના આશરે અગિયારેક વાગ્‍યે તેઓ તેમના મિત્રો નરેશભાઈ પાંચાલ, રવિભાઈ ચાવડા અને ભાર્ગવભાઈ જોગર સાથે રૈયાધાર શાંતિનગર ગેટથી આગળ સોપાન લક્‍ઝરીયસની પાછળ આવેલા ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બેઠા હતા.તે દરમિયાન બ્‍લુ કલરની ઓલા  ઈલેક્‍ટ્રિક બેટરીવાળી મોટરસાયકલ પર બે અજાણ્‍યા શખ્‍સો ત્‍યાં આવ્‍યા હતા. જેમાં મોટરસાયકલ ચલાવનારશખ્‍સે પોલીસના લોગોવાળું જેકેટ પહેરેલું હતું. તેણે કીરીટભાઈ અને તેના મિત્રોને ધમકાવીને કહ્યું કે-અમે પોલીસ છીએ, તમે અહીં ખુલ્લા પટ્ટમાં કેમ બેઠા છો? પોલીસ જોઈને ડરી ગયેલા યુવાનો ત્‍યાંથી ભાગવા લાગ્‍યા હતા, પરંતુ આ શખ્‍સોએ કીરીટભાઈને પકડી લીધા હતા.

બાદમાં પોલીસના લોગોવાળુ જેકેટ પહેરેલા શખ્‍સે કિરીટભાઇને કહેલું કેહું માલવીયા પોલીસ સ્‍ટેશનમાંથી આવું છું. તારા મિત્રોને પાછા બોલાવ, નહિતર તમારી બંને મોટરસાયકલ ડિટેઈન કરી લઈશ અને તને પોલીસ સ્‍ટેશન લઈ જઈશ. જો તારે પોલીસ સ્‍ટેશન ન આવવું હોય અને માર ન ખાવો હોય તો રૂા. ૫૦,૦૦૦ આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી. ડરી ગયેલા કીરીટભાઈએ તરત જ તેના મિત્ર નરેશભાઈને ફોન કરીને પરત બોલાવ્‍યા હતા. થોડી જ વારમાં તેના ત્રણેય મિત્રો ત્‍યાં આવી પહોંચ્‍યા હતા. જોકે, નરેશભાઈને આ બંને શખ્‍સોની હિલચાલ પર શંકા ગઈ હતી. તેમણે બંનેના નામ પુછતાં બાઈક ચાલકે પોતાનું નામ આર્યન ફળદુ અને તેની સાથેના ઇસમે પોતાનું નામ પરમરાજ માંજરીયા જણાવ્‍યું હતું.

નરેશભાઇને શંકા ઉપજતાં તેણે આ શખ્‍સોની વધુ પુછતાછ કરી હતી કે-યુનિવર્સિટી રોડ વિસ્‍તારના ગ્રાઉન્‍ડમાં માલવીયા નગર પોલીસ શું કરે છે? આ સવાલ પુછી તેની પાસે પોલીસના આઇકાર્ડ પણ માંગતા આ બંને નાશી ગયા હતાં. રાતનો સમય હોઇ કિરીટભાઇ અને તેના મિત્રો પણ ઘરે જતાં રહ્યા હતાં. બાદમાં બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સી. એન. દવે સમક્ષ ઘટના વર્ણવતા તેમની સુચનાથી પીએસઆઇ વી. જી. ડોડીયાએ ગુનો નોંધ્‍યો હતો. ડી. સ્‍ટાફ ટીમે બંને આરોપી આર્યન ધીરજલાલ ફળદુ (રહે. મવડી પ્‍લોટ જલજીત સોસાયટી) અને પરમરાજ દિલીપભાઇ માંજરીયા (રહે. માધાપર પોસ્‍ટ ઓફિસ પાસે)ને સકંજામાં લઇ ધરપકડ કરી છે.

પ્રાથમિક પુછતાછમાં આર્યન ફળદુએ કહ્યું હતું કે તે ગાંધીનગર ખાતે જનરક્ષક સેવા-૧૧૨માં ડ્રાઇવર તરીકે ભરતી થવા પરિક્ષા આપવાની તૈયારી કરી રહ્યો છે. જ્‍યારે પરમરાજ અગાઉ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો, હાલ કંઇ કામ કરતો નથી. આ બંનેએ પોલીસના નામે બીજા કોઇને ડરાવી ધમકાવી પૈસા પડાવ્‍યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. જો આવા કોઇ ભોગ બનનાર હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ વી. જી. ડોડીયા,  એએસઆઇ સુભાષભાઇ કુગશીયા, જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ સુખદેવસિંહ, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્‍યરાજસિંહ ટેમભા, પ્રાદિત્‍યસિંહ ઝાલા, અક્ષયભાઇ ભાખર સહિતનો સ્‍ટાફ વધુ તપાસ કરે છે. 

 

(3:08 PM IST)