News of Monday, 15th June 2026
પિતા-પુત્રના સંબંધોની કિંમત સમજાવતી ગુજરાતી ફિલ્મ ‘‘જિંદગી વન્સ મોર'
આગામી ફાધર્સ ડે-૧૯ જૂનના બીગ સ્ક્રીન પર રજુ થશે : કરણ જોહરનાં ‘‘ધર્મા પ્રોડક્શન''ની પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી * સિધ્ધાર્થ રાંદેરિયા, આરતી વ્યાસ પટેલ, દીપ ધોળકિયા અને જાホવી ધકાણ મુખ્ય ભુમિકામાં * પરિવાર સાથે થિયેટરમાં માણવા જેવું એક પરફેક્ટ સિનેમેટિક નજરાણું

‘‘જિંદગી વન્સ મોર'' ગુજરાતી ફિલ્મ આગામી તા.૧૯ને ફાધર્સ ડેના રોજ સિનેમાઘરોમાં રજુ થવા જઈ રહી છે ત્યારે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફિલ્મના કલાકારો સિધ્ધાર્થ રાંદેરિયા, આરતી વ્યાસ પટેલ, દિપ ધોળકીયા અને જાહન્વી ધકાણ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા.૧૫: ગુજરાતી સિનેમા અત્યારે તેના સુવર્ણકાળથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ગુજરાતી ફિલ્મો વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડી રહી છે ત્યારે બીજી તરફ હવે બોલીવુડનાં દિગ્ગજ પ્રોડક્શન હાઉસ પણ ગુજરાતી ફિલ્મો તરફ રસ લેતાં થયા છે. બોલીવુડનાં કિંગ મેકર ગણાતા કરણ જોહરનાં પ્રોડક્શન હાઉસ ‘‘ધર્મા પ્રોડક્શન''નાં બેનર હેઠળ ગુજરાતી સિનેમામાં પ્રથમવાર બનેલી ‘‘જિંદગી વન્સ મોર'' ફિલ્મ આગામી તા.૧૯ જૂનનાં રોજ સિનેમાંઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પિતા-પુત્રનાં સંબંધોની કિંમત સમજાવતી આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાનાં ધુરંધર અભિનેતા સિધ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત આરતી વ્યાસ પટેલ, દીપ ધોળકીયા અને જાホવી ધકાણ અભિનયનાં ઓજસ પાથરી રહ્યા છે ત્યારે તેઓ આજે ‘અકિલા''નાં આંગણે મહેમાન બન્યા હતા અને ફિલ્મ વિશે ચર્ચા કરી હતી.
સિધ્ધાર્થભાઈ રાંદેરિયાએ જણાવ્યું હતું કે આખી વાર્તા, ફિલ્મ, મારો કિરદાર બધું જ ‘જિંદગી વન્સ મોર'માં નવું છે. લોકોની મારા પ્રત્યે એક ઈમેજ બની ગઈ છે કે સિધ્ધાર્થભાઈ આવશે એટલે હસાવશે જે ખોટું પણ નથી. જ્યારે હવે હું સભાનતાથી એવા વિષયો પર પસંદગી કરૂ છું જેમાં કંઈક અલગ કરવાનું હોય અને મને પણ એક કલાકાર તરીકે મજા આવે. કોમેડી કરવી મને ખુબ જ ગમે છે પણ સાથે તેમાં હૃદયસ્પર્શી વાર્તાઓ હોય તો તેમાં અભિનય કરવાની મજા આવે. એના માટે મોટો પડદો સુંદર માધ્યમ છે. રંગમંચ પર લાગણીને વધારે ઉભારવા ટેકાની જરૂર પડે જ્યારે મોટા પડઘા પર આંખનો પલકારો પણ ઘણું બધુ કહી જાય એટલે ક્યારેક સંવાદ બોલવાની પણ જરૂર ન પડે એ આનંદની તક આ ફિલ્મમાં મને મળી છે. આ ફિલ્મમાં મારૂ એક જુદુ સ્વરૂપ જોવા મળશે. ફિલ્મની વાર્તા ખુબ જ અગત્યની છે. અમારે રીજીયોનલ ફિલ્મમાં પ્રવેશવું છે તો આનાથી અમે પદાર્પણ કરીએ.
લાલો ફિલ્મ પછી બોલીવુડને પણ ગુજરાતી ફિલ્મમાં આવવાનું મન થયું? સિધ્ધાર્થભાઈ કહે છે, એ સ્વિકારવુ જ રહ્યું. લાલો ફિલ્મે ૧૦૦ કરોડનો ફિગર વટાવ્યો. હવે જેટલા પણ મોટા પ્રોડક્શન હાઉસ છે તેને લાગે છે કે આપણે ત્યાં પ્રાદેશિક છે તે વધુ ગતિ પકડશે. હવે દરેક ભાષામાં તે ગ્રોથ દેખાશે.
ચાલ જીવી લઈએ પણ પિતાપુત્રની જ વાત હતી. સિધ્ધાર્થ રાંદેરિયાનું કહેવું છે, એ સંબંધ તો રહેવાનો જ છે આ ફિલ્મ તેની સિક્વલ નથી અલગ જ વાત છે. બાપ-દિકરાનાં સંબંધમાં ફેર પડે છે કારણ માનસિકતા બદલાય છે, પરિબળો બદલાય છે. તેમણે જણાવ્યું કે, રંગમંચ અને ફિલ્મો વચ્ચે તફાવત છે બંને માધ્યમ અલગ છે. સ્ક્રીનમાં ૭૦% મોટો ચહેરો દેખાવાનો છે. રંગમંચ પર જે કરતા હોય તેના કરતા ઘણું ઘટાડીને સ્ક્રીનમાં કરવાનું હોય છે મને રંગમંચ અને ફિલ્મો બંનેમાં કામ કરવાની મજા આવે છે. હા નેગેટીવ રોલની ચોક્કસ ઈચ્છા છે.
ક્યારેય નેગેટિવ રોલ કરવાની ઈચ્છા થઈ છે? રંગમંચ પર મને ૫૨ વર્ષ થયા. મેં નાટકમાં નેગેટિવ રોલ પણ કર્યા છે. ૧૩૦૦૦થી વધુ લાઈવ પર્ફોમન્સ કર્યા છે.
જ્યારે અભિનેત્રી આરતી વ્યાસ પટેલે ફિલ્મ ‘ જિંદગી વન્સ મોર' વિશે જણાવ્યું કે, શ્રવણને તેના પિતા સાથે સબંધો હતા જ્યારે ભગવાન રામને પણ દશરથજી સાથેનાં સંબંધો હતા પણ બંનેની વાત જુદી. જ્યારે પિતા-પુત્રના સબંધમાં માતા કોમન ફેક્ટરમાં રહી છે. જે બેલેન્સ કરે છે. પિતા-પુત્રને બંને વચ્ચે શાંતિ સુલેહ રાખવાનો એક માતાનો આ રોલ છે. જીંદગીની કિતાબ એક કોલમ પણ ભવિષ્યમાં લખવાની છું. હું માનું છું જે મારા ભાગે કામ આવે તે કરી લેવાનું કારણ સ્ત્રીઓ મલ્ટી ટાસ્કિંગ કામ કરી શકે છે.
અભિનેતા દિપ ધોળકીયાએ જણાવ્યું કે, જીંદગી વન્સ મોર ફિલ્મ સાથે ઘણા યાદગાર કિસ્સાઓ જોડાયેલા છે જ્યારે આરતીબેન સાથે એક સીન કર્યો જેમાં તેમને રોવાનું છે કેમેરા સામે તેઓ ખુબ જ રડે છે અને સીન કટ થતા તેઓ ખડખડાટ હસે છે. ત્યારે થયું ઘડીકમાં આ કઇ રીતે બદલાઈ શકે? જ્યારે સિધ્ધાર્થ સાહેબ પાસેથી પણ ઘણું શીખ્યા. એક લેખક તરીકે અને અભિનેતા તરીકે સ્ક્રિપ્ટને કઈ રીતે અપ્રોચ કરવો તે આ બંને પાસેથી શિખ્યો.
અભિનેત્રી જホાવી ધકાણે જણાવ્યું હતું કે, હું રિગ્રેટમાં જીવવાવાળી વ્યક્તિ હતી જો કે તેનાથી વર્તમાન ખરાબ થાય છે મને આ ફિલ્મથી શિખવા મળ્યું કે વર્તમાનમાં તમારી જીંદગી એવી બનાવો કે જેને તમે કહી શકો કે વન્સ મોર. દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાનો અનુભવ યાદગાર રહ્યો ફિલ્મના અમુક સિન એવા હતા કે જાણે લાગે જ નહિં કે આ ફિલ્મ બની રહી છે પણ તેઓ હકીકતમાં કરી રહ્યા હોય તેવો અનુભવ થયો.
આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તે એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. ફિલ્મના મુખ્ય આકર્ષણ અને ગુજરાતી મનોરંજન જગતના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા (Siddharth Randeria) આ વખતે દર્શકો સામે એક સાવ નવા જ અંદાજમાં, એક અનોખા અવાતારમાં જોવા મળશે. સામાન્ય રીતે સિદ્ધાર્થ રાંદેરિયાનું નામ સાંભળતાં જ લોકોના મનમાં પેટ પકડીને હસાવતી કોમેડીની છબી ઉપસી આવે છે. આ ફિલ્મમાં તેમની સિગ્નેચર કોમેડી અને વન-લાઇનર્સ તો અકબંધ છે જ, જે દર્શકોને ખડખડાટ હસાવશે, પરંતુ આ વખતે કોમેડીની સાથે સાથે તેમનો એક નવો અંદાજ પણ સામે આવશે.
ફિલ્મનો મુખ્ય વિષય અને હાર્દ પિતા-પુત્રના સંબંધ પર આધારિત છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ અવારનવાર બહારથી જેટલો કડક દેખાય છે, અંદરથી તે એટલો જ પ્રેમ અને કાળજીથી ભરેલો હોય છે. ફિલ્મ એ નાજુક અને માર્મિક સત્યને ઉજાગર કરે છે કે બાળકો મોટાભાગે એ વાતથી તદ્દન અજાણ હોય છે કે તેમના જન્મ પહેલાં તેમના પિતા વાસ્તવિક જીવનમાં કેવા વ્યક્તિ હતા, તેમનો ભૂતકાળ કેવો હતો અને તેમણે સંતાનો માટે કેટલી ખુશીઓ કુરબાન કરી છે. આ મનોરંજનથી ભરપૂર કથા દર્શકોને પોતાના પિતા પ્રત્યે આદર અને પ્રેમની એક નવી દ્રષ્ટિ આપશે, અને આ જ કારણ છે કે પિતાના આ અણમોલ સંબંધને સલામી આપવા માટે આ ફિલ્મને ખાસ ‘ફાધર્સ ડે' ના દિવસે, એટલે કે ૧૯મી જૂને જ રિલીઝ કરવાનો મોટો નિર્ણય લેવાયો છે.
લાગણીઓની સાથે સાથે આ ફિલ્મ યુવા પેઢીના રોજિદા જીવનના રસપ્રદ પાસાઓને પણ સુંદર રીતે વણી લે છે. ફિલ્મમાં યુવાનોની જિદગી સાથે જોડાયેલી નાની-નાની બાબતો જેવી કે ગલી ક્રિકેટની મોજ, રવિવારની સવાર, મિત્રો સાથેની સખ્ત મસ્તી-મજાક, કેન્ટીનની ગપસપ, લેટ નાઇટ મૂવીઝના પ્લાન્સ અને દોસ્તી માટે કંઈ પણ કરી છૂટવાની ભાવનાને ખૂબ જ જીવંત રીતે પડદા પર ઉતારવામાં આવી છે. આ નાની-નાની બાબતો ફિલ્મના વાતાવરણને એકદમ હળવું-ફૂલ અને વાસ્તવિક બનાવે છે, જેના લીધે આજનો યુવા વર્ગ પણ ફિલ્મ સાથે ખૂબ જ ઝડપથી કનેક્ટ થઈ શકશે. બોલિવૂડના આટલા મોટા પ્રોડક્શન હાઉસે જ્યારે આ પ્રાદેશિક વાર્તા પર પસંદગી ઉતારી છે, ત્યારે ચોક્કસપણે તેનું ટેકનિકલ સ્તર, સંગીત અને મેકિગ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું જોવા મળશે જે ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ ફિલ્મનું દિગ્દર્શન જયમીન દ્વારા કરવામાં આવ્યું છે અને વાસુ ધોળકિયા આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મની પટકથા અને સંવાદો દીપ ધોળકિયાએ લખ્યા છે. સાથે તેઓ આ ફિલ્મમાં અભિનય લેન કરી રહ્યા છે. તેમની સાથે આરતી વ્યાસ પટેલ અને જ્હાન્વી ધકાણ જેવા સક્ષમ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આખી ટીમે રાત-દિવસ એક કરીને એક એવું સિનેમેટિક નજરાણું તૈયાર કર્યું છે જે ગુજરાતી દર્શકો વર્ષો સુધી યાદ રાખશે.
માતૃભાષાની ફિલ્મ જોવી જ જોઈએઃ સિધ્ધાર્થ રાંદેરિયા
ગુજરાતી ફિલ્મ મેકર્સ પોતાની સમજ પ્રમાણે ફિલ્મ બનાવે છે પણ માતૃભાષાની ફિલ્મ પ્રત્યે જોવાની ભાવના ઓડિયન્સે પણ કેળવવી પડશે. સિધ્ધાર્થભાઈ કહે છે ફિલ્મ માતૃભાષાની છે તે મહત્વનું છે પણ આપણી દરેક ઘરમાં બોલાતી ગુજરાતી ભાષા, પહેલા નવલકથાઓનો જમાનો હતો સાથે એટલી વંચાતી પણ. જ્યારે આજે અંગ્રેજીનો પ્રભાવ વધી રહ્યો છે જેને રોકી નહીં શકો પણ મારું જે ગુજરાતીપણું છે તેના ભોગે જતું ન કરવું જોઈએ. આજે એઆઈના જમાનામાં અંગ્રેજી શિખવું જ જોઈએ પણ સાથે મારી ભાષામાં બનેલી ફિલ્મ જોવાની આદત પડે તેમાં ખોટું શું છે? ગુજરાતી ફિલ્મો જોવી જ જોઈએ યુવાઓએ આવી સમજ કેળવવાની જરૂર છે.
મારા પિતા અને મારા સંબંધો પરથી ફિલ્મની પ્રેરણા મળીઃ દિપ ધોળકિયા
જીંદગી વન્સ મોર ફિલ્મની પ્રેરણા કઈ રીતે મળી? અભિનેતા અને લેખક દિપ ધોળકીયા કહે છે, મારા પિતા સાથેના સંબંધને આ ફિલ્મમાં ઉતારવાની કોશિશ કરી છે આ મારો પહેલો લખવાનો અનુભવ હતો મારા પિતાના વિચારો આ ફિલ્મમાં રજુ કર્યા છે જે મારા અને મારા પપ્પા વિશે થયેલા છે. આ ફિલ્મનો વિચાર પણ અહિંથી જ આવ્યો. શું આપણે માતા-પિતાને સાચી રીતે ઓળખીએ છીએ? શું જીવનમાં બીજી તક મળી શકે? ‘જીંદગી વન્સ મોર' નો મુખ્ય સંદેશ એ છે કે સબંધોને સમજવા સમય આપવ જરૂરી છે.
પડદા પાછળની ટીમ
* દિગ્દર્શનઃ જયમીન
* નિર્માતાઃ વાસુ ધોળકિયા
* પટકથા, સંવાદ અને અભિનયઃ દીપ ધોળકિયા
* મુખ્ય કલાકારોઃ સિદ્ધાર્થ રાંદેરિયા, આરતી વ્યાસ પટેલ અને જ્હાન્વી ધકાણ
(3:26 PM IST)










