<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ભેળસેળખોરો સાવધાનઃ દંડથી લઈને સીલ સુધીના કડક પગલા લેવાશે

લોકોના આરોગ્‍ય સાથે ખીલવાડ કોઇપણ સંજોગોમાં ચલાવી નહી લેવાયઃ કોર્પોરેશન હવે આકરા પાણીએશહેરભરમાં સઘન ચેકિંગ ઝુંબેશઃ હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ડેરી, બેકરી અને હોકર્સ સહિત તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો રડારમાં: મેયર નેહલ શુક્‍લ, મ્‍યુનિ.કમિશનર તુષાર સુમેરાની સતાવાર જાહેરાત

મેગા એકશન પ્‍લાનઃમહાનગરપાલિકા દ્વારા નગરજનોને ભેળસેળવાળા ખોરાકમાંથી મુક્‍તિ અપાવવા, ભેળસેળ વિરુધ્‍ધ આગામી એક વર્ષ સુધી સતત સઘન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, તેમ માન. મેયરશ્રી ડો. નેહલ શુક્‍લ અને માન. મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા દ્વારા આજે તા. ૧૫ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે યોજવામાં આવેલી પ્રેસમીટમાં જાહેર કરવામાં આવ્‍યું હતું. તેઓએ શહેરના વેપારીઓને ભેળસેળથી દૂર રહેવા ચેતવણી આપતા એમ કહ્યું હતું કે, ભેળસેળ કરતાં પકડાશે તે ધંધાર્થી સામે સ્‍થળ પર જ દંડની વસૂલાત, વ્‍યવસાયિક એકમ સીલિંગ સહિતના આકરા કાયદાકીય પગલાં લેવાશે. આ પ્રેસમીટમા ડેપ્‍યુટી મેયર  દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતાશ્રી ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક શ્રી સંજયસિંહ રાણા તેમજ આરોગ્‍ય અધિકારીડો. જયેશ વકાણી, ફૂડ વિભાગના અધિકારી ડો. હાર્દિક મેતા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) (૩.૧૬)

રાજકોટ, તા.૧૫: શહેરના નાગરિકોને ભેળસેળયુક્‍ત અને અશુદ્ધ ખાદ્યપદાર્થોથી મુક્‍તિ અપાવવા રાજકોટ મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્‍યું છે. મેયર ડાઙ્ઘ. નેહલ શુક્‍લ અને મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જાહેરાત કરી છે કે શહેરમાં આગામી એક વર્ષ સુધી સતત સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. ભેળસેળ, વાસી અથવા અખાદ્ય ખોરાક વેચતા વેપારીઓ સામે સ્‍થળ પર જ દંડ વસૂલવા, નોટિસ ફટકારવા અને જરૂરી જણાય તો વ્‍યવસાયિક એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમ આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર નેહલ શુકલ, મ્‍યુનિ.કમિશનર તુષાર સુમેરા સહિતના પદાધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્‍યુ હતું.

આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં મેયર નેહલ શુકલ અને મ્‍યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્‍યુ હતું કે, મનપાની પાંચ વિશેષ ટીમો શહેરના તમામ ઝોનમાં હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ડેરી, સુપરમાર્કેટ, ફરસાણ, બેકરી, કોલ્‍ડ સ્‍ટોરેજ તેમજ હોકર્સ સહિતના એકમોની તપાસ કરશે. ચેકિંગ દરમિયાન હાઈજિન, ફૂડ સ્‍ટોરેજ, ફૂડ લાયસન્‍સ અને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. શંકાસ્‍પદ ખાદ્યચીજોના નમૂનાઓ લેવામાં આવશે અને અખાદ્ય જથ્‍થાનો સ્‍થળ પર જ નાશ કરવામાં આવશે.

મેયરે વેપારીઓને ચેતવણી આપતાં જણાવ્‍યું કે નાનકડા નફા માટે લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. બીજી તરફ કમિશનરે જણાવ્‍યું કે રાજકોટને ભેળસેળમુક્‍ત શહેર બનાવવા માટે આ અભિયાન ઝુંબેશ સ્‍વરૂપે સતત ચાલુ રહેશે અને ભવિષ્‍યમાં મનપાની પોતાની ફૂડ ટેસ્‍ટિંગ લેબોરેટરી શરૂ કરવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પ્રસંગે મેયર નેહલ શુકલએ જણાવ્‍યું હતું કે, ખોરાકનો મુદ્દો સૌને સ્‍પર્શે છે, રાજ્‍યના માન. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, માન. નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી અને માન. આરોગ્‍ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ સમગ્ર રાજ્‍યમાં લોકોને ભેળસેળ વગરના ખાદ્યપદાર્થો મળી રહે તેનો આગ્રહ રાખે છે. મહાનગરપાલિકા પણ આ મુદ્દો ગંભીરતાથી લઈ રહી છે. લોકોને ભેળસેળવાળા ખોરાકમાંથી મુક્‍તિ અપાવવાના સંકલ્‍પ સાથે આ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાદ્યપદાર્થોના વ્‍યાપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ પોતાના નાનકડા નફા માટે નાગરિકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ગંભીર ચેડા કરવાથી અને ભેળસેળ કરવાથી દૂર રહે તે માટે ચેતવણી સાથે વિનંતી કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ત્રણ કેટેગરીમાં એટલે કે, ૧) નાનામાં નાના ધંધાર્થીઓ (હોકર્સ ઝોન, રેંકડી ધારકો અને હરતા ફરતા ધંધાર્થીઓ), ૨) લોકલ રેસ્‍ટોરન્‍ટ અને ૩) નામાંકિત મોટી હોટલો - રેસ્‍ટોરન્‍ટ, એમ તમામ ધંધાર્થીઓને આ ચેકિંગ ઝુંબેશમાં આવરી લેવામાં આવશે.

આ અવસરે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, તમામ ખાદ્યપદાર્થના ધંધાર્થીઓને ભેળસેળથી દૂર રહેવા રાજકોટ મહાનગરપાલિકા અપીલ કરે છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના તમામ ઝોનમાં સઘન સર્વેલન્‍સ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા પોતાની ફૂડ ટેસ્‍ટિંગ લેબોરેટરી શરૂ કરવા માટે પ્રયાસ કરી રહી છે.

આ ઝુંબેશમાં પાંચ ટીમ દ્વારા તમામ પ્રકારના ફૂડ બિઝનેસ ઓપરેટરો જેવા કે હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ડેરી એકમો, સુપર માર્કેટ, ઉત્‍પાદન કરતાં એકમો, સ્‍ટોરેજ-કોલ્‍ડ સ્‍ટોરેજ, ફરસાણ, બેકરી પ્રોડક્‍ટસ, હોકર્સ વગેરે એકમોની તપાસ હાથ ધરવામાં આવશે. જેમાં પેઢીની હાઈજેનિક કન્‍ડિશન, ઉપયોગમાં લેવાતી કે સ્‍થળ પર ઉત્‍પાદન કરાતી ખાદ્યચીજોનું સ્‍ટોરેજ, ફૂડ લાઇસન્‍સ તપાસવામાં આવશે તેમજ જરૂર પડયેથી ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ દ્વારા સ્‍થળ પર જ ખાદ્યચીજોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવશે.ફૂડ સેફ્‌ટી & સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ અન્‍વયે ફૂડ બિઝનેસ ઓપરેટરો પાસેથી ચેકિંગ દરમિયાન સ્‍થળ પર શંકાસ્‍પદ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવશે તેમજ અખાદ્ય કે વાસી ખોરાકનો જથ્‍થો નાશ કરવાની કામગીરી કરવામાં આવશે તેમજ પેઢીને નોટિસ આપી ફૂડ બિઝનેસ ઓપરેટર પાસેથી સ્‍થળ પર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે તેમજ જનઆરોગ્‍યને હાનિકારક તથા અનહાઈજેનિક કન્‍ડિશન ધરાવતા એકમોને સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ફૂડ વિભાગ દ્વારા આ કામગીરી ઝુંબેશ સ્‍વરૂપે સતત ચાલુ રહેશે, તેમ અંતમાં જાણવામાં આવેલ.(

(3:32 PM IST)