તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Monday, 15th June 2026
યાજ્ઞિક રોડના પીઝા પાર્લર પર આરોગ્ય વિભાગના દરોડોઃ વાસી બ્રેડ અને વંદા જોવા મળ્યા
આઈ લવ પાપા લુઈસ પીઝામાં તપાસ દરમિયાન અનહાઈજેનિક સ્થિતિ સામે આવી વાસી જથ્થો નાશ કરી નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ

રાજકોટઃ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભેળસેળ અને અનહાઈજેનિક ખાદ્યપદાર્થો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત યાજ્ઞિક રોડ ઉપર આવેલા ‘આઈ લવ પાપા લુઈસ પીઝા પાર્લર' ખાતે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન પીઝા બનાવવામાં ઉપયોગમાં લેવાતી વાસી બ્રેડ તેમજ સ્થળ પર વંદા જોવા મળતાં આરોગ્ય વિભાગની ટીમે ગંભીર નોંધ લીધી હતી.
અધિકારીઓએ સ્થળ પર જ ખાદ્યપદાર્થોના સ્ટોરેજ અને સ્વચ્છતાની સ્થિતિની તપાસ કરી હતી. તપાસ દરમિયાન મળી આવેલા વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોના ભંગ બદલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ મનપા દ્વારા શહેરભરમાં શરૂ કરાયેલી સઘન ચેકિગ ઝુંબેશ હેઠળ હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ સેન્ટર અને અન્ય ફૂડ બિઝનેસ એકમોની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં પણ અનહાઈજેનિક સ્થિતિ, વાસી ખાદ્યપદાર્થો અથવા નિયમોના ભંગની ફરિયાદો સામે આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
(3:37 PM IST)










