News of Tuesday, 16th June 2026
રતનપર અને માંડાડુંગરના બે બૂટલેગરને પાસામાં તળે અમદાવાદ જેલમાં ધકેલાયા
ક્રાઇમ બ્રાંચના એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, ભરતભાઇ વનાણી સહિતે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૬: વધુ બે બૂટલેગરોને પોલીસ કમિશનરે પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. મોરબી રોડ પરના રતનપરમાં રહેતાં મુળ સુરેન્દ્રનગર પંથકના શખ્સ અને આજીડેમ પાસે માંડા ડુંગર પાસે રહેતાં શખ્સને અમદાવાદ જેલમાં મોકલી દેવાયા છે.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પરના રતનપરમાં રામ મંદિર સામે રામધામ સોસાયટી-૩૫માં રહેતાં મુળ લખતરના ઢાંકી તાબેના લક્કીરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ.૨૮) તથા આજીડેમ ચોકડી માધવ વાટીકા શેરી-૧માં રહેતાં રોહિત ઉર્ફે રાહુલ ભરતભાઇ ભેસજાળીયા (ઉ.વ.૨૩)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત ક્રાઇમ બ્રાંચે જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં તૈયાર કરી મંજુરી માટે મોકલતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ દરખાસ્ત મંજુર કરી હતી.
પોલીસના કહેવા મુજબ લક્કીરાજસિંહ ઝાલા અને રોહિત ઉર્ફે રાહુલ બંને ગુનાહિત ઇતિહાઇ ધરાવે છે. લક્કીરાજસિંહ વિરૂધ્ધ ડીસીબી, સિધ્ધપુર પાટણ, યુનિવર્સિટી, એ-ડિવીઝન, ભક્તિનગર, પ્ર.નગર પોલીસમાં ૮ ગુના નોંધાયા છે. જ્યારે રોહિત ઉર્ફે રાહુલ સામે આજીડેમ, ડીસીબી, એરપોર્ટ પોલીસમાં દારૂના ગુના અગાઉ નોંધાયા હતાં. બંનેને અમદાવાદ જેલહવાલે કરાયા છે. પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, ડી. પી. ઝાલા, એએસઆઇ ભરતભાઇ વનાણી, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, દીપકભાઇ ડાંગર, કોન્સ. અશ્વિનભાઇ આહિરે વોરન્ટ બજવણી કરી હતી.
(2:03 PM IST)










