<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ઇમ્‍પેક્‍ટ ફી યોજના આજે પૂર્ણઃ મનપામાં ૧૫,૩૨૩ અરજીઓમાંથી ૫,૪૨૮ મંજૂર

ઓક્‍ટોબર-૨૦૨૨થી શરૂ થયેલી યોજનાની મુદત ૬ વખત વધારાઈઃ બિન-રહેણાંક મિલકતો માટેના ઊંચા ચાર્જને લઈને અરજદારોમાં અસંતોષ

રાજકોટ,તા.૧૬: મહાનગરપાલિકાની ઇમ્‍પેક્‍ટ ફી યોજના હેઠળ ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની પ્રક્રિયાની અંતિમ મુદત આજે પૂર્ણ થઈ રહી છે. ઓક્‍ટોબર-૨૦૨૨થી અમલમાં આવેલી આ યોજનાની મુદત દરમિયાન કુલ ૧૫,૩૨૩ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ૫,૪૨૮ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જ્‍યારે ૩,૩૫૬ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ વિવિધ તબક્કે પ્રક્રિયા હેઠળ હોવાનું જાણવા મળ્‍યું છે.

નોંધનીય છે કે અરજદારોને વધુ તક મળે તે માટે યોજનાની મુદત કુલ ૬ વખત લંબાવવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ અનેક મિલકતધારકો નિયમિતીકરણની પ્રક્રિયાથી વંચિત રહ્યા હોવાનું મનપાના સૂત્રોએ જણાવ્‍યું છે.

ઇમ્‍પેક્‍ટ ફી હેઠળ રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. ૫,૦૦૦થી રૂ. ૭,૫૦૦ સુધીના સ્‍લેબ મુજબ ચાર્જ નક્કી કરવામાં આવ્‍યા હતા. જ્‍યારે કોમર્શિયલ અને ઔદ્યોગિક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. ૧૦,૦૦૦થી રૂ. ૨૦,૦૦૦ સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે.

ખાસ કરીને બિન-રહેણાંક મિલકતો માટેના ઊંચા ચાર્જને લઈને અરજદારો અને વેપારીઓમાં અસંતોષ જોવા મળ્‍યો હતો. અનેક લોકોએ ચાર્જમાં રાહત આપવાની માંગણી પણ કરી હતી. હવે યોજનાની મુદત પૂર્ણ થતાં મનપા દ્વારા મળેલી અરજીઓના નિકાલની પ્રક્રિયા વધુ વેગવાન બનાવવામાં આવશે.

(3:33 PM IST)