News of Tuesday, 4th August 2026
મોટા મવા ફલેટમાંથી મહિલા સ્કોચ-વ્હીસ્કીની બોટલો સાથે, શીવનગરમાં જમીન મકાનનો ધંધાર્થી ‘ચપલા' સાથે ઝડપાયો
ડીસીબીના મયુરધ્વજસિંહ, કૃષ્ણસિંહ, હરપાલસિંહ, અનિલભાઇ સોનારા, કનકસિંહ સોલંકી સહિતની ટીમોના બે દરોડાઃ પંશીલાબેન મારકણા અને વિનય મહેતાની ધરપકડઃ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં કાર્યવાહી

રાજકોટ તા. ૩: ડીસીબીની ટીમે બે અલગ અલગ દરોડામાં વિદેશી દારૂ સાથે એક મહિલા અને એક જમીન મકાનના ધંધાર્થીને પકડી લીધા હતાં. મોટા મવામાં ફલેટમાં રહેતી મહિલાને સ્કોચ-વ્હીસ્કીની ૨૪ બોટલો સાથે અને પીડીએમ પાછળ શીવનગરમાં એક ઓફિસમાં દરોડો પાડી જમીન મકાનના ધંધાર્થીને વ્હીસ્કીના ૬૫ ચપલા સાથે પકડયો હતો.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ. શીલ્પાબેન સહિતને બાતમી મળી હતી કે મોટા મવાગામ ખાતે આવેલ શ્રીઆશુતોષ રેસીડેન્સીના ફ્લેટ નં. એ/૧૦૨માં રહેતી મહિલા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. બાતમીના આધાર ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. ફ્લેટની તલાશી લેતાં હોલમાંથી વિમલ અને મીણિયાની થેલીઓમાંથી ભારતીય બનાવાટની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૨૪ બોટલ કિંમત રૂ. ૬૫,૯૪૦ની મળી આવી હતી. પુછતાછમાં મહિલાએ પોતાનું નામ પંશીલાબેન મહેશભાઇ મારકણા (ઉ.વ.૪૦) જણાવતાં તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
ઘરમાંથી બેલેન્ટાઇન સ્કોચની રૂા. ૧૨૩૬૦ની ૪ બોટલ, બ્લેક ડોગની રૂા. ૩૩૦૦૦ની ૧૧ બોટલ, બ્લેક એન્ડ વ્હાઇટની રૂા. ૬૮૦૦ની બે બોટલ તથા બો-હો બ્રાન્ડની ૨૪૦૦ની ૩ બોટલો અને એબ્સ્યુલેટ રાસબરી ફલેવરની વોડકાની રૂા. ૬૧૮૦ની બે બોટલો તેમજ હન્ડ્રેડ પાઇપર્સની રૂા. ૫૨૦૦ની બે બોટલો મળી આવી હતી. પોલીસના કહેવા મુજબ મહિલાના પતિ બહારગામ રહે છે, તેણી દારૂ ક્યાંથી લાવતી હતી તેની તપાસ ચાલુ છે.
બીજા દરોડામાં હરપાલસિંહ જાડેજા, કનકસિંહ સોલંકી, અનિલભાઇ સોનારા, રાજશેભાઇ ચાવડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પી.ડી. માલવીયા કોલેજ પાછળ માલવીયાનગર મેઇન રોડ, શીવનગર શેરી નં. ૩માં સુરભી સુપર સ્ટોરની સામે આવેલી આઇ મોગલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં એક શખ્સ દારૂ રાખીને બેઠો છે. તેના આધારે દરોડો પાડતાં અંદ ખુરશી પર એક શખ્સ બેઠેલો જોવા મળ્યો હતો. તેણે પોતાનું નામ વિનય રમેશભાઈ મહેતા (ઉ.વ.૪૯, રહે. આકાશગંગા એપાર્ટમેન્ટ, ત્રીજો માળ, ફલેટ નં. ૨૦૩, ગુરૂપ્રસાદ ચોક) જણાવ્યું હતું અને આ ઓફિસમાં બેસી પોતે જમીન-મકાન લે-વેંચનો ધંધો કરતો હોવાનું પણ કહ્યુ઼ હતું.
પોલીસે ઓફિસમાં તપાસ કરતાં થેલો જોવા મળ્યો હતો. તેમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કી અને મેકડોવેલ્સ નંબર-૧ વ્હીસ્કીની કુલ રૂા. ૧૯૫૭૫ના ૧૮૦ એમએલના ચપલા મળી આવ્યા હતાં. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી. પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં આ બંને કામગીરી થઇ હતી
(2:26 PM IST)










