News of Tuesday, 4th August 2026
શહેર પોલીસમાં વધુ એકવાર ૩૨ એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની આંતરિક બદલી : જુઓ સંપૂર્ણ યાદી
પોલીસ કમિશનર બ્રજેશુકમાર ઝાએ અગાઉ ૮૮ની બદલીનો આદેશ કર્યો હતોઃ ટુંકા દિવસોમાં નવો ઘાણવો

રાજકોટ તા. ૪: શહેર પોલીસ તંત્રમાં વહીવટી સરળતા, સુચારૂ કામગીરી અને પારદર્શિતા લાવવાના ભાગરૂપે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા વધુ એક વખતે આંતરિક બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. તાજેતરમાં ૮૮ પોલીસ કર્મચારીઓની બદલી થયા બાદ વધુ એક વખત ૩૨ કર્મચારીઓની બદલીનો હુકમ કરાયો છે.
શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં એક જ સ્થળે સતત ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓની બદલી કરવાની નીતિ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર યાદી તૈયાર કર્યા બાદ આંતરિક બદલીનો નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ બદલીઓના લિસ્ટમાં એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સામેલ છે. જેમાં ં ટ્રાફિક શાખા, આજીડેમ, ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી પોલીસ), કુવાડવારોડ, પ્રધ્યુમનનગર, માલવીયાનગર, થોરાળા, એરપોર્ટ, ભક્તિનગર, એ અને બી-ડીવીઝન સહિતના પોલીસ સ્ટેશનો તથા હેડક્વાર્ટરના કર્મચારીઓની આંતરિક અદલાબદલી કરવામાં આવી છે. આ યાદીમાં મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાજકોટ પોલીસ બેડામાં મોટા પાયે બદલીઓનો દૌર જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં ૪૯ કર્મચારીઓની એકસાથે હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. ત્યારબાદ ૮૮ પોલીસ કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી હતી, અને હવે તેના અનુસંધાને વધુ ૩૨ કર્મચારીઓની આંતરિક બદલીનો આ હુકમ કરાયો છે. પોલીસ કમિશનર દ્વારા બદલી પામેલા તમામને તાત્કાલિક અસરથી છુટા કરી દેવાનો આદેશ થયો છે.

(2:54 PM IST)










