<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

બે સપ્‍તાહમાં એકશન ટેકન રિપોર્ટ આપોઃ માનવ અધિકાર આયોગનો મ્‍યુ. કમિશનરને આદેશ

રંગોલી પાર્ક પાસે અકસ્‍માત ઝોન- રસ્‍તાની સુરક્ષા મુદે લાલ આંખ : સત્‍વરે તપાસ કરવા, ફૂટપાથ- ઝીબ્રા ક્રોસીંગ બનાવવા તથા બેદરકાર અધિકારીઓ સામે જવાબદારી નકકી કરવા નિર્દેશ

રાજકોટઃ શહેરના  કાલાવડ રોડ પર આવેલી રંગોલી પાર્ક સોસાયટી (મુખ્‍યમંત્રી ગળહ યોજના) ના ગેટ પાસે ડાયવર્ઝન રોડ પર યોગ્‍ય સુરક્ષા વ્‍યવસ્‍થાના અભાવે અવારનવાર થતા ગંભીર અકસ્‍માતો અને રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર અણઘડતા સામે રાષ્‍ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્‍હીએ ભારે લાલ આંખ કરી છે. આ મામલે આયોગના ડેપ્‍યુટી રજિસ્‍ટ્રાર (લો) દ્વારા રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનરને સ્‍પષ્ટ નિર્દેશ આપીને આ મુદ્દે તાત્‍કાલિક તપાસ કરી ૨ અઠવાડિયાની અંદર Action Taken Report (ATR) રજૂ કરવા આદેશ કરાયો છે.

રંગોલી પાર્ક સોસાયટીના રહીશ અને સામાજિક કાર્યકર શ્રી ભીખાલાલ વ્રજલાલ સહાયતા દ્વારા રાષ્‍ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, સોસાયટીના મુખ્‍ય ગેટ પાસેના ડાયવર્ઝન રોડ પર ફુટપાથ, ઝેબ્રા ક્રોસિંગ, ડીવાઈડર, સાઈન બોર્ડ કે યોગ્‍ય ફૂટપાથ જેવી પ્રાથમિક રોડ સેફ્‌ટી સુવિધાઓ ઉપલબ્‍ધ નથી.દિવસેને દિવસે વધતા જતા ટ્રાફિક વચ્‍ચે તા. ૧૨ ઓકટોબર ના રોજ કાર અને ટૂ-વ્‍હીલર વચ્‍ચે એક ગંભીર અકસ્‍માત પણ સર્જાયો હતો. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા, ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર અને ગુજરાતના ચીફ સેક્રેટરી સુધી વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્‍યા ન હતા.

અરજદારે આયોગ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જાહેર સત્તામંડળોની આ ગંભીર બેદરકારીના કારણે નાગરિકોના જીવનું જોખમ ઊભું થયું છે, જે બંધારણના આર્ટિકલ ૧૪, ૧૯ અને ૨૧ હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું સ્‍પષ્ટ ઉલ્લંઘન છે.

આ બાબતને અત્‍યંત ગંભીરતાથી લેતા રાષ્‍ટ્રીય માનવ અધિકાર આયોગે નોંધ્‍યું છે કે જો આ આક્ષેપો સાચા હોય તો તે માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આથી, આયોગે મ્‍યુનિસિપલ કમિશનર, રાજકોટને આદેશ કર્યો છે કે,  આ મામલે સત્‍વરે યોગ્‍ય તપાસ હાથ ધરવામાં આવે. ફુટપાથ, ઝીબ્રા ક્રોસિંગ તાત્‍કાલિક સ્‍થાપિત કરી અકસ્‍માતો અટકાવવામાં આવે. બેદરકાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવામાં આવે. પત્ર મળ્‍યાના ૨ અઠવાડિયાની અંદર જ આયોગને અમલીકરણ અહેવાલ (Action Taken Report) સોંપવામાં આવે.

આયોગના આ કડક આદેશ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રંગોલી પાર્ક સોસાયટી પાસેના આ અકસ્‍માત ઝોન પર તાત્‍કાલિક ધોરણે રોડ સેફ્‌ટીના પગલાં લેવાય છે કે કેમ તેના પર સ્‍થાનિક રહીશોની નજર છે.

(3:36 PM IST)