<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

લીમડા ચોકમાંથી ટેમ્‍પો લઇ રવાના થાય એ પહેલા મહેશભાઇ તેરૈયાનું હૃદય બેસી ગયું

નિવૃત એસટી કર્મચારી હાલ કુરીયરમાં ડ્રાઇવર તરીકે કામ કરતાં હતાં: મહિકાના પાટીયે રહેતાં હતાં: મોભીના મૃત્‍યુથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૫: હૃદય રોગના હુમલાથી વધુ એક પરિવારના મોભીનું મૃત્‍યુ થયું છે. આજીડેમ ચોકડીથી આગળ મહિકાના પાટીયા પાસેની સોસાયટીમાં રહેતાં મહેશભાઇ દયાશંકરભાઇ તેરૈયા (ઉ.વ.૫૮) રાતે સડા દસેક વાગ્‍યે લીમડા ચોકમાંથી કૂરિયર કંપનીના પાર્સલનો ટેમ્‍પો લઇ રવાના થાય એ પહેલા હૃદય બંધ પડી જતાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મહિકાના પાટીયા પાસે રહેતાં મહેશભાઇ તેરૈયાને રાતે લીમડા ચોકમાં આવેલી પવન કૂરિયરની ઓફિસ ખાતેથી પાર્સલનો ટેમ્‍પો લઇ સુરેન્‍દ્રનગર તરફ જવાનું હોઇ તેમના પુત્ર સમીરભાઇ તેમને અહિ મુકીને પરત ઘર તરફ જતાં હતાં. જો કે મહેશભાઇ ટેમ્‍પો લઇ રવાના થાય એ પહેલા લીમડા ચોક ઓફિસ પાસે જ એકાએક ઢળી પડયા હતાં. તેમને સારવાર માટે તુરત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર મહેશભાઇ અગાઉ સાવરકુંડલા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં હતાં. ગયા મે મહિનામાં જ નિવૃત થયા બાદ હાલ કૂરિયર કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતાં હતાં. તેઓ બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બેભાન હાલતમાં ૫૬ વર્ષિય રસિલાબેન રૂપારેલીયાનું મૃત્‍યુ

બીજા બનાવમાં કોઠારીયા રોડ તપસી હોટેલ નજીક તિરૂપતી બાલાજી સોસાયટી-૨માં રહેતાં રસિલાબેન મનસુખભાઇ રૂપારેલીયા (ઉ.વ.૫૬) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારના પતિ કારખાનેદાર છે. સંતાનમાં બે દિકરા છે. તેમને ડાયાબીટીશ સહિતની બિમારી હતી, હાલમાં તાવ પણ આવતો હતો. સાંજે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું.

(2:50 PM IST)