News of Wednesday, 5th August 2026
પાર્થએ ચિઠ્ઠીમાં લખેલું-જાનકીને હું બહુ લવ કરુ છું, હવે એણેય કહી દીધું કે મરવું હોય તો મરી જા, મારું નામ લખતો જાજે!
મવડી પટેલનગરમાં બાંધકામના ધંધાર્થી ૨૯ વર્ષિય યુવાનની ઘરમાં લટકતી કોહવાયેલી લાશ મળ્યાના બનાવમાં તેને મરવા મજબૂર કરાયાનું ખુલ્યું: તાલુકા પોલીસે મૃતકના વાંકાનેર રહેતાં બહેનની ફરિયાદ પરથી પત્નિ-સાસુ-સસરા-સાળી-સાઢુ સહિત ૬ સામે ગુનો નોંધ્યો : જાનકીને મને ખોટા કેસમાં પણ ફસાવી દીધો, બધુ મારા ફોનમાં છેઃ એસપી, પીઆઇ સર આ લોકોએ બધે મારી આબરૂ કાઢી નાંખી છે, આઇ હવે સીન જસ્ટીસઃ હું જીવવા માંગતો જ હતો, પણ આ પાંચેય લોકોએ મને જીવવવા જેવો રહેવા જ ન દીધોઃ તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એચ. મહારાજે તપાસ હાથ ધરી : પાર્થએ ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું-મારો કેસ કોઇ પાછો ખેંચી જે કોઇ સમાધાન કરશે એને હું નડીશઃ ભાઇઓને સંબોધીને લખ્યું-તમારી સોથી દુર ગયો છું, બાકી યાદ કરશો એટલે હું આવી જઇશ!

રાજકોટ તા. ૫: મવડી વિસ્તારના ઓમનગર નજીક પટેલનગર મુરલીધર શેરી નં. ૧માં એક ઘરમાંથી ગત ૨૦મીએ ૨૯ વર્ષના પાર્થ ભગવાનભાઇ પિત્રોડા-લુહારની લટકતી હાલતમાં અને કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેના આપઘાત પાછળ તેની રીસામણે ગયેલી પત્નિ, સાસુ, સસરા, સાળી, સાઢુ અને પત્નિને કોન્ફરન્સમાં લઇ છુટાછેડા માટે પાર્થને ધમકી આપનાર શખ્સ કારણભુત હોવાની ફરિયાદ નોંધાઇ છે. પાર્થએ લખેલી સ્યુસાઇડ નોટ પરિવારને મળતાં તે પોલીસને અપાઇ છે. જેમાં તેણે લખ્યું હતું કે-જાનકીને બહુ જ લવ કરતો હતો પણ છેલ્લે એણે ય કહી દીધુ હતું કે તું મરી જા મારું નામ લખતો જાજે. તેના અનહદ લફડા હતાં છતાં હું તેના પ્રેમમાં તેની પાછળ જ રહેતો હતો. મારે જીવવું હતું પણ આ પાંચ લોકોએ જીવવા જેવો રહેવા જ ન દીધો!
બનાવને દિવસે તાલુકા પોલીસ સ્ટેશનના કીશનભાઇ અજાગીયા સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પાર્થ પિત્રોડા ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને બાંધકામનો વ્યવસાય કરતો હતો. તેના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. પત્નિ જાનકીબેન હાલ રિસામણે હોઇ પોતે ઘર પરિવાર છોડી એકલો રહેતો હતો. તેની લાશ જ્યાંથી મળી તે મકાન દિવ્યેશભાઇ ગોંડલયાનું છે, જે તેણે ભાડે રાખ્યું હતું.
આ બનાવમાં તાલુકા પોલીસે વાંકાનેરના પ્રતાપપરા શેરી નં. ૨ દરગાહ પાસે રહેતાં આપઘાત કરનાર પાર્થના બહેન શીતલબેન અજયભાઇ રાઠોડ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી રાજકોટ રહેતાં પાર્થના પત્નિ જાનકીબેન, સસરા બીપીનભાઇ અમૃતલાલ કારેલીયા, સાસુ કપીલાબેન બીપીભાઇ કારેલીયા, સાળી જીલ દિવ્યેશભાઇ પિત્રોડા, સાઢુ દિવ્યેશભાઇ નીતિનભાઇ પિત્રોડા અને ફોનમાં ધમકી આપનાર યોગેશ સોલંકી વિરૂધ્ધ પાર્થને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે. શિતલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા નાના ભાઈ પાર્થના લગ્ન વર્ષ ૨૦૧૮માં રાજકોટના બિપીનભાઇ કારેલીયાની દિકરી જાનકીબેન સાથે થયા હતા.
લગ્નના બે વર્ષ બાદ જાનકીબેને પતિ પાર્થ ઉપર અવારનવાર શંકાઓ કરી ઝઘડા કરવાનું શરૂ કર્યા હતાં. તેને પત્નિ ક્યાંય બહાર આવવા-જવા દેતી નહિ હોવાની જાણ તેણે ફોન કરીને બહેન શિતલબેનને કરી હતી. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૪થી જાનકી પોતાના પિયર રિસામણે જતી રહી હતી અને જુલાઈ ૨૦૨૫માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો. કોર્ટની મુદતો દરમિયાન પણ જાનકી પતિ પાર્થ પર છૂટાછેડા આપી દેવા માટે સતત દબાણ કરતી હતી.
દરમિયાન ગત તારીખ ૧૭/૦૭/૨૦૨૬ના રોજ સાંજના સમયે શિતલબેન વાંકાનેર હતાં ત્યારે ભાઇ તેણે બીજા બહેન વર્ષાબેનને પાર્થે ફોન કરીને જણાવ્યું હતું કે-મને ભાણેજ ધનનું મોઢું બતાવી દો, મારે તમારા બધાના મોઢા જોઈને સ્યુસાઇડ કરી લેવું છે. ત્યારબાદ તારીખ ૧૮/૦૭/૨૦૨૬ના રોજ સવારે પાર્થે ફોન ન ઉપાડાતા શિતલબેના પતિએ રાજકોટ આવી તપાસ કરી હતી. પરંતુ પાર્થ ન મળતાં તે ગૂમ થયાની જાણ માલવીયાનગર પોલીસમાં કરી હતી. પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણ કરી હતી. દરબાર દરમિયાન તારીખ ૨૦/૦૭/૨૦૨૬ના રોજ માહિતી મળી હતી કે પાર્થે રાજકોટ ઓમનગર પાસે મુરલીધર સોસાયટીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
ત્યારબાદ રાજકોટ પોસ્ટમોર્ટમ વખતે ડોક્ટરને તેની ડેડબોડી પરથી એક અંગ્રેજી અને ગુજરાતી લખાણવાળી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પાર્થે પોતાની આપવીતી વર્ણવતા લખ્યું હતું કે હું પાર્થ બી. પિત્રોડા... મને સુસાઇડ કરવા માટે મજબૂર કરે છે અને મારી વાઇફ જાનકી, માય ફાધર ઇન લો બીપીનભાઈ, માય મધર ઇન લો કપિલાબેન, માય સાળી જીલ અને તેમનો હસબન્ડ દિવ્યેશ આ ચાર પર્સન ભેગા મળી મને હેરાન કરે છે.ૅ
સુસાઇડ નોટમાં વધુમાં પાર્થએ લખ્યું હતું કે-મારા મેરેજને ૭ વર્ષ થયા છે, મારે અને જાનકીને કંઇપણ થયું હોઇ મારા સસરા આવીને તેણીને તેડી જાય, ૮ યરમાં ૬ વાર તેડી ગયા છે, અને હવે મારા સસરા બધા માથાભારે માણસો પાસે ફોન કરાવે. હું જાનકીને બવ જ લવ કરતો હતો એટલે હું એને ભુલ નહોતો શકતો. જાનકી છેલ્લા બે યર્સમાં બહુ જ લફડા હતાં. છેલ્લે યોગેશ સોલંકીએ મને કોન્ફરન્સમાં લઇ કહેલું કે તું ડિવોર્સ આપ બાબી તને મારી નાંખીશ. મેં બવ બધી ટ્રાય કરી કે જાનકી જ હોય એ, પણ તું આવી જા. પણ મારા સાળાએ મને બવ જ હેરાન કરવો તો, છેલ્લે જાનકી'ય બોલી તું મરી જા મારું નામ લખતો જાજે, મને કાંઇ જ નહિ થાય. મારા સસરા પણ સાથે હતાં, એ પણ બોલ્યા કે-તું મરી જા અમને કાંઇ જ નહિ થાય.
ચિઠ્ઠીમાં પાર્થએ આગળ લખ્યું હતું કે-જાનકીને અનહદ લફડા હતાં તો પણ હું મારા પ્રેમને લીધે એની પાછળ જ રહેતો, બધા રેકોર્ડિંગ મારા ફોનમાં છે. એસપી, પીઆઇ સર, આઇ રીક્વેસ્ટ ફોર યુ, આઇ હેવ સીન જસ્ટીસ સર. હું જીવવા માંગતો હતો પણ આ લોકોએ મને જીવવા દેવો જ ના રહેવા દીધો. આ પાંચ લોકોએ મારા સમાજમાં મારા બિઝનેસમાં એમ સર બધી જગ્યાએ મારી આબરૂ કાઢી નાંખી છે. સો સર આઇ હવે હાર્ટલી રિક્વેસ્ટેડ ફોર યુ. આગળ લખ્યું હતું કે યશુદાદા મને ન્યાય અપાવજે, માય બ્રધર તુષાર એન્ડ પ્રશાંત આઇ પૂટ યોર લેગ, હું નહોતો મરતો ભાઇ. ડોન્ટ વરી હું તમારી સાથે છું, ખાલી સામેથી ગયો છું. બાકી તમે યાદ કરશો ત્યારે આવી જઇશ! મારો કેસ કોઇ પાછો ખેંચીને સમાધાન કરી નાંખો હેવુ ન કરતાં. નહિતર હું એને નડીશ. તેમ વધુમાં સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું.
આ ચિઠ્ઠીને આધારે પાર્થના વાંકાનેર રહેતાં બહેને તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એચ. મહરાજે મૃતકના પત્નિ જાનકી, સસરા બિપીનભાઇ, સાસુ કપિલાબેન, સાળી જીલ, સાઢુ દિવ્યેશભાઇ તેમજ જાનકીને કોન્ફરન્સમાં લઇ છુટાછેડાની ધમકી આપનાર યોગેશ સોલંકી સામે પાર્થને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:51 PM IST)










