તા. ૨૬ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
ઝનાના હોસ્પિટલમાં ચાંદિપુરા વાયરસથી પીડિત ૩ મહિનાની બાળકીને ૧૭ દિવસની સારવાર બાદ નવી જિંદગી મળી
બાળકીની સ્થિતિ અત્યંત ક્રિટિકલ હતીઃ લોહીનું પરિભ્રમણ બંધ થતાં ત્રણ દિવસ કોમામાં જતી રહી હતી બેભાન અને કોમામાં રહેલી માસુમ બાળકી તબિબોની સઘન સારવાર અને નર્સીંગ સ્ટાફની સંભાળથી કીલકીલાટ કરતી થઇઃ પરિવારમાં ખુશીનો માહોલ અધિક્ષક ડો.મોનાલી માકડીયા,પીડિયાટ્રિક વડા ડો.પંકજ બુચના માર્ગદર્શન અને એસો. પ્રો. ડો. પલક હાપાણી, ડો. આરતી મકવાણાના ઓબ્ઝર્વેશનમાં ડો. મોનાલી વીરપરાીયા, ડો. મોૈલિક કણસાગરા, ડો. કુલદીપ દેત્રોજા, ડો. જૈનિલ પટેલ, ડોક. કેવીન ઘાટોડીયા, ડો. ચેતન ભલગામડીયાની ટીમની મહેનત સફળ થઇ

રાજકોટ તા. ૫: રાજ્યમાં ૧૫ વર્ષથી નાના બાળકોમાં ફેલાયેલા ઘાતક ચાંદિપુરા વાયરસ સામે રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગે મોટી સફળતા મેળવી છે. ગોંડલના પાંચિયાવદર ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારની ૩ મહિનાની દીકરીને ૧૭ દિવસની અથાક મહેનત બાદ તબીબોએ મોતના મુખમાંથી બહાર લાવી નવજીવન આપ્યું છે.
ગોંડલના પાંચિયાવદર ગામના વાડી વિસ્તારમાં માટીના ઘરમાં રહેતા શ્રમિક પરિવારની આ બાળકીને ગત તા. ૧૮ જુલાઈના રોજ આંચકી આવ્યા બાદ ઝાડા થઈ ગયા હતા. ગોંડલ સરકારી હોસ્પિટલમાં -ાથમિક સારવાર બાદ ચાંદિપુરાના લક્ષણો દેખાતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી.
આ બાળકીને તા. ૧૯ જુલાઈના રોજ જ્યારે ે આઈસીયુમાં લાવવામાં આવી ત્યારે તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી. બાળકી સંપુર્ણપણે બેભાન અને કોમાની સ્થિતિમાં હતી. ધબકારા તપાસતા લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું હોવાનું જણાયું હતું. આથી તબીબોએ તુરંત જ બાળકીને વેન્ટિલેટર પર રાખી હાઈડોઝ દવાઓ અને ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું.
સતત સારવાર બાદ બાળકીના ધબકારા શરૂ થયા હતા અને ત્રણ દિવસ પછી તે કોમામાંથી બહાર આવી હતી. ગાંધીનગર લેબમાંથી આવેલો રિપોર્ટ ચાંદિપુરા પોઝિટિવ આવ્યા બાદ તે મુજબની ચોક્કસ સારવાર ચાલુ રખાઈ હતી. સતત ૮ દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ અને કુલ ૧૭ દિવસની સઘન માવજત પછી બાળકી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે.એક સમયે બાળકીને જોઈ હિંમત હારી ગયેલા માતા-પિતા પોતાની બાળકીને સ્વસ્થ જોઈ અત્યંત ભાવુક બન્યા હતા. બાળકીને ડિસ્ચાર્જ કરતી વખતે પીડિયાટ્રિક વિભાગના તબીબોએ પણ પોતાની સફળ સારવારનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
નવજાત બાળકીને નવજીવન આપવા તબિબી અધિક્ષક ડો.મોનાલી માકડીયાનો સહયોગ સાંપડયો હતો. પીડિયાટ્રિક વિભાગના વડા ડો.પંકજ બુચના માર્ગદર્શન, અને એસો.પ્રોફેસર ડો.પલક હાપાણી, ડો.આરતી મકવાણાના ઓબ્ઝર્વેશન હેઠળ ડો.મનાલી વીરપરિયા, ડો.મૌલિક કણસાગરા, ડો. કુલદીપ દેત્રોજા, ડો.જૈનિલ પટેલ, ડો.કેવિન ઘાટોડીયા, ડો,ચેતન ભલગામડિયાની ટીમે સઘન સારવાર આપી હતી તેમજ નર્સીંગ વિભાગના ઇન્ચાર્જ કીર્તિબેન યાદવ, તળપ્તિબેન પટેલની દેખરેખ હેઠળ નર્સીંગ કર્મી પ્રવિણાબેન વાછાણી, ભારતીબેન ધ્રાંગા, કોમલ ઘેડીયા, દાનિશ ગોહેલ અને ક્લાસ-૪ના અમળતાબેન ઉભડીયા, લલીતાબેન રેસિયાએ બાળકીની સતત સંભાળ રાખી હતી.
પીડીયાટ્રીક વિભાગના વડા ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે હાલમાં બે બાળકો પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે, જેમાં એક બાળક જૂનાગઢનું અને એક રાજકોટ જિલ્લાનું છે, બંને બાળકોના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બાળકોની સ્થિતિમાં એક બાળક વેન્ટી ઉપર છે.
જયારે અન્ય એક બાળક ભયમુક્ત છે. પીડિયાટ્રિક વિભાગમાં ૨૫ બેડ સાથેનો આઇસીયુ વિભાગ તૈયાર છે, જેમાં વેન્ટીલેટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને માત્ર બે બેડ ઉપર એક નર્સીંગ સ્ટાફને મુકવામાં આવ્યા છે જેના કારણે સારવારની સાથે સારામાં સારી સંભાળ પણ રાખી શકાય.
(3:31 PM IST)










