News of Thursday, 6th August 2026
પતિ સાગરને ભંગાર દેવા સાથે આવવાનું કહેતાં ઝાપટો મારી દીધીઃ અલ્પાબેન ફિનાઇલ પી ગઇ
કોઠારીયા સોલવન્ટ દોલતપરાનો બનાવઃ આજીડેમ પોલીસે પતિ સામે ગુનો નોંધ્યોઃ પતિને બીજી સાથે લફરૂ હોઇ તેના લીધે વારંવાર મારકુટ થતી હોવાનો પણ અલ્પાબેનનો આક્ષેપ

રાજકોટ તા. ૬: કોઠારીયા સોલવન્ટ નજીક હાઇવે પર શીવ હોટલ પાછળ દોલતપરા-૧માં રહેતી અને ભંગાર-કચરો વીણી ગુજરાન ચલાવતી અલ્પાબેન સાગર સાડમીયા (ઉ.વ.૨૭) નામની પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પતિ વારંવાર મારકુટ કરી ઝઘડા કરતો હોઇ કંટાળીને તેણીએ આ પગલુ ભર્યુ હતું. પતિને પાંચ સંતાનની મા એવી અન્ય મહિલા સાથે લફરૂ હોવાનો આક્ષેપ પણ તેણીએ કર્યો હતો.
અલ્પાબેને ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્૭ેશનના હેડકોન્સ. એસ. ડી. મુંધવાએ હોસ્પિટલે પહોંચી તેણીની ફરિયાદ પરથી તેના પતિ સાગર હંસરાજભાઇ સાડમીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અલ્પાબેનના લગ્ન છ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં બે દિકરા છે.
તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે સાંજે હું ઘરે હતી ત્યારે મેં ભેગો કરેલો ભંગાર રિક્ષામાં ભરી મુકવા જવા માટે સાથે આવવાનું કહેતાં પતિએ મારે સાથે નથી આવવું તેમ કહી ઝઘડો કરી બોલાચાલી કરી મને ગાળો દીધી હતી. મેં તેને ગાળો દેવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ બે ઝાપટ મારી દીધી હતી. આ રીતે છેલ્લા એકાદ વર્ષથી તે વારંવાર નાની નાની વાતે ઝઘડા કરી મારકુટ કરી લેતો હોઇ આ વખતે પણ માર મારતાં કંટાળી જઇ મેં આ પગલુ ભર્યુ હતું. તેમ વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું.
જો કે હોસ્પિટલના બિછાનેથી તેણીએ આક્ષેપ કર્યો હતો કે મારા પતિને બીજી બાઇ સાથે લફરૂ છે. આથી તે વારંવાર એવુ કહે છે કે તને મારીને મારે બીજીને ઘરમાં બેસાડવી છે. ગઇકાલે પણ તેણે આવી વાત કરી મારકુટ કરતાં હું ફિનાઇલ પી ગઇ હતી. જો કે એફઆઇઆરમાં આ વિગતો તેણીએ જણાવી ન હોઇ ખરેખર શું કારણ છે? તેની તપાસ પોલીસ હવે પછી કરશે
(2:37 PM IST)










