News of Friday, 7th August 2026
A+4 સાઈઝના કાગળ સંબંધે વકિલોને પડતી મુશ્કેલી નિવારવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજને બાર એસો.નો પત્ર

રાજકોટ, તા.૭: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સકર્યુલર નં.સી-૨૦૦૨/૨૦૨૬ (તારીખ ૧૫/૦૪/૨૦૨૬)ની તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૬થી અમલવારી શરૂ કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર ગુજરાતના વકીલોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. નવા નિયમ અનુસાર કોર્ટમાં રજૂ થતી તમામ અરજીઓ A-4 સાઈઝના કાગળ પર આગળ-પાછળ પ્રિન્ટ કરીને તથા ચોક્કસ કમ્પ્યુટરાઈઝડ ફોન્ટ્સમાં જ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પરિપત્રથી વકીલોને પડતી વ્યવહારુ મુશ્કેલીઓ અંગે રાજકોટ બાર એસોસિએશન દ્વારા તારીખ ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ નામદાર ચીફ જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલ તથા યુનિટ જજશ્રી ઇલેશ વોરાને સંબોધીને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ મારફત એક મહત્વપૂર્ણ રજૂઆત પત્ર પાઠવવામાં આવ્યો છે.
રાજકોટ બાર એસોસિએશનના ઇનચાર્જ પ્રમુખ સિદ્ધરાજસિંહ કે. જાડેજા અને સેક્રેટરી નીલેશ જી. પટેલ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, કોર્ટમાં રોજીંદા કામકાજ દરમિયાન રજૂ થતી સામાન્ય અરજીઓ જેવી કે આરોપીની ગેરહાજરી કે મુદત અરજીઓ પણ તત્કાલ કમ્પ્યુટર પર ટાઈપ કરીને જ આપવા માટે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ઘણીવાર વકીલોને કોર્ટમાં હાજર થયા બાદ જ અસીલની ગેરહાજરીની જાણ થતી હોય છે, તેવા સમયે સ્થળ પર જ તાત્કાલિક અરજી ટાઈપ કરીને રજૂ કરવી સિનિયર તેમજ જુનિયર વકીલો માટે અત્યંત અશકય બની જાય છે. પરિપત્ર પહેલાં વકીલો પ્રિન્ટેડ અરજીઓમાં કોર્ટનું નામ, કેસ નંબર અને કારણો હાથથી ભરીને રજૂ કરતા હતા, જેથી કોર્ટ કામકાજમાં સરળતા રહેતી હતી.
આ ઉપરાંત, હાઈકોર્ટના સકર્યુલરમાં લોહિત ગુજરાતી, નોટો સન્સ અને નોટો સેરીફ જેવા મર્યાદિત ફોન્ટ્સ જ ફરજિયાત કરાયા છે, જેના બદલે સ્થાનિક બારમાં ચાલતા પ્રચલિત ફોન્ટ્સના ઉપયોગની પણ મંજૂરી આપવી જોઈએ. વકીલ આલમની આ તમામ વ્યવહારુ મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે આ સકર્યુલરનો અમલ મોકૂફ રાખવા અથવા રદ કરવા અને પ્રિન્ટેડ અરજીઓ સ્વીકારવાની પરવાનગી આપવા બાર એસોસિએશન દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે. આ બાબતે જરૂરી કાર્યવાહી અર્થે પત્રની સાદર નકલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમદાવાદને પણ રવાના કરવામાં આવી છે.
(3:30 PM IST)










