News of Saturday, 8th August 2026
મૈત્રીકરાર કરીને રહેતાં કલ્પેશને વડાળી પાસે યુવતિના ભાઇ સહિતે ધોકાવી ધમકી દીધી
જેની સાથે કરાર કર્યા છે તે કાજલ તેની નાની બહેન સાથે મંદિરે જતાં કલ્પેશે આ બાબતે ઠપકો દેતાં માથાકુટઃ આજીડેમ પોલીસે મનિષ સહિતે બે સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૮: નવાગામમાં યુવતિ સાથે મૈત્રીકરારથી રહેતાં યુવાનને આ યુવતિના ભાઇ સહિત બે જણાએ વડાળી ચોકડી પાસે ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. યુવતિ પોતાની નાની બહેન સાથે મંદિરે ગઇ હોઇ યુવાને તેને આ બાબતે ઠપકો આપતાં નાની બહેને ફોન કરી પોતાના ભાઇને બોલાવ્યા બાદ મારામારી થઇ હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે નવાગામ મફતીયાપરામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં કલ્પેશ સુરેશભાઇ ઝાપડીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી મનિષ અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
કલ્પેશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું, આજથી એક વર્ષ પહેલા પોપટપરા સંતોષીનગરની કાજલ જેન્તીભાઇ અગેચણીયા (ઉ.વ.૩૦) સાથે મૈત્રી કરાર કર્યા હતાં. હાલ અમે બંને કરારથી સાથે રહીએ છીએ. તા. ૪ના બપોરે ત્રણેક વાગ્યે હું ઘરે હતો ત્યારે કાજલનો ફોન આવ્યો હતો અને કહેલું કે હું ખોખડદળ બંધવાળી મેલડીમાતાના મંદિરે મારી નાની બહેન મીના સાથે દર્શન કરવા જાઉ છું. બાદમાં મેં ફોન કાપી નાંખ્યોહ તો. સાંજે પાંચેક વાગ્યે હું મારુ બાઇક જીજે૦૩પીક્યુ-૩૭૩૮ લઇને મેલડી માતાના મંદિરે જવા નીકળ્યો હતો. દરમિયાન સાંજના સાતેક વાગ્યા આસપાસ કાજલ તેની નાની બહેન મીના સાથે મને વડાળી ચોકડીએ ભેગી થઇ ગઇ હતી.
આ વખતે મેં કાજલને કહેલું કે તને ના પાડી છે છતાં તું કેમ તારી નાની બહેનની સાથે ગઇ હતી. આ સાંભળી તેની નાની બહેન મીનાએ ફોન કરી તેના ભાઇ મનિષને બોલાવી લીધો હતો. આ દરમિયાન મનિષ અને અજાણ્યા શખ્સે આવી મને ગાળો દઇ મારી સાથે ઝપાઝપી કરી હતી તેમજ મનિષ અને અજાણ્યા શખ્સે બેફામ ઢીકાપાટુનો માર મારી હવે પછી આ બાજુ દેખાતો નહિ, બાકી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં હું અને કાજલ પોલીસ સ્ટેશને ગયા હતાં અને અરજી આપી હતી. હવે તેના આધારે ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં કલ્પેશે જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. કે. કુરીયાએ તપાસ હાથ ધરી છે.
(3:06 PM IST)










