તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Monday, 10th August 2026
શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત રાજકોટમાં બેઠક : શાળાઓના પડતર પ્રશ્નો અંગે ઘનિષ્ઠ ચર્ચા

રાજકોટ તા. ૧૦ : ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર/જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ - રાજકોટ આયોજિત સંગઠન પર્વ - ૨૦૨૬ની બેઠક આજે તા. ૧૦ ઓગસ્ટના સોમવારે બપોરે ૨ કલાકથી સૌરાષ્ટ્ર હાઈરસ્કૂલ, રાજકોટ ખાતે યોજવામાં આવી છે.
બેઠક પૂર્વે સમિતિના આગેવાનોએ ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે આ બેઠકમાં સંચાલક મંડળ, આચાર્ય સંઘ, ઉચ્ચતર શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, વહીવદી સંઘ વિગેરેના સૌરાષ્ટ્ર અને ગુજરાતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહી સંગઠન મજબૂત કરવા અને શાળાઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે ચર્ચા વિચારણા કરશે.
ખાસ કરીને ધોરણ - ૧માં પ્રવેશ મેળવતું બાળક ધોરણ - ૧૨ સુધીમાં પહોંચતા સુધીમાં ૫ લાખ બાળકો અભ્યાસ છોડી દેતા હોય, આમ રાજયમાં ડ્રોપ આઉટ રેશિયો ઊંચો હોય, માટે શાળામાં વર્ગ દીઠ વિદ્યાર્થી સંખ્યા ૬૦ને બદલે ૪૫ રાખવી, આથી ગામડા અને શહેરની બંધ થતી મફત શિક્ષણ આપતી શાળાઓ જીવંત રહે.
વર્ગ વિદ્યાર્થી સંખ્યા આધારે પટ્ટાવાળા મળતા હોય, હાલના નિયમ મુજબ વિદ્યાર્થી સંખ્યામાં ઘટાડો કરી શાળાઓને સફાઈ માટે બે પટ્ટાવાળા મળી રહે તે મુજબ જૂના મહેકમ મુજબ અમલ કરવા અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલ, પ્રાયોગિક શિક્ષકો, ઉદ્યોગ શિક્ષકો વિગેરે કર્મચારીઓની ભરતી કરવા, શાળાને મળવાપાત્ર અનુદાનની રકમમાં વ્યાજબી વધારો કરવા, સ્વનિર્ભર શાળાઓને લઘુતમ ફી રાખવાની એફઆરસીની હાલની જોગવાઈમાં પુનઃ સમીક્ષા કરવા, ગ્રાન્ટેડ શાળાના શિક્ષક કે આચાર્યને અરસપરસ બદલી કરવી હોય તો પ્રક્રિયા સરળ કરી આપવા સહીતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ બેઠકમાં સંચાલક મંડળમાંથી રાજ્યના પ્રમુખ ડો. શંકરસિંહ રાણા, કનુભાઈ સોરઠિયા, ધીરેન વ્યાસ, સંજય રાવલ, અશોક રામ, ડો. એ. પી. મહેતા, ઘનશ્યામસિંહ ઝાલા, આચાર્ય સંઘના ભાનુભાઈ પટેલ અને ભરતભાઈ ચૌધરી, માધ્યમિક શિક્ષક સંઘના બાબુભાઈ પટેલ, વહીવટી સંઘના મિતેશભાઈ મોદી વિગરે ઉપસ્થિત રહેલ.
તેમજ શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સભ્ય ડો. નિદત બારોટ અને રાજકોટ કેળવણી મંડળ - રાજકોટના નવીનભાઈ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં આ સંગઠન પર્વની ઉજવણી કરવા માટે રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ ડો. પ્રિયવદન કોરાટ અને સંકલનના દિનેશ ભુવા, એન ડી. જાડેજા, દર્શિત જાની, શૈલેષ સોજીત્રા, વી. ડી. નૈયા, ડો. લીલાભાઈ કડછા, ભરતસિંહ પરમાર, નારણભાઈ વીરડા, કાંતિભાઈ ઝાપડા, જયેશ દુધાત્રા, પ્રદીપસિંહ જાડેજા, ડો.તુષારભાઈ પંડયા, નિલેષભાઈ તન્ના, અલ્પેશભાઇ ભાલોડિયા, રામભાઈ લાવડીયા, શૈલેષ વોરા, સુનિલ બરોચિયા, સંજયભાઈ પંડયા, સરોજબેન પટેલ, જાગળતિબેન ભટ્ટ, ગજેન્દ્રપુરી ગોસ્વામિ વિગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:15 PM IST)










