<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રૈયા હિલ ગોવર્ધન હાઇટ્‍સમાં રહેતાં ત્રણ બહેનના એકના એક ભાઇનો એડીબી હોટેલ નજીક આપઘાત

૪૪ વર્ષિય ચેતનભાઇ રાવરાણી ફૂડ ડિલીવરીનું કામ કરતાં હતાં: બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્‍યું : ઘરેથી નીકળી સ્‍કૂટર રૈયા ચોકડીએ રાખી દીધુ હતું: પરિવારજનો શોધવા નીકળ્‍યા ત્‍યારે ઝેર પીધેલા બેભાન મળ્‍યાઃ ૧૦૮ બોલાવાઇ પણ ત્‍યારે જીવ બચ્‍યો નહોતોઃ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૧૧: અલગ અલગ કારણોસર આત્‍મહત્‍યા કરી લેવાની ઘટનાઓ વચ્‍ચે વધુ એક પરિવારના મોભી અને ત્રણ બહેનના એકના એક ભાઇએ ઘરેથી નીકળ્‍યા બાદ માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્‍ચે એડીબી હોટેલ નજીક જઇ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ રૈયા હિલ બંસી પાર્ક નજીક ગોવર્ધન હાઇટ્‍સમાં રહેતાં ચેતનભાઇ વલ્લભભાઇ રાવરાણી (ઉ.વ.૪૪)  નામના આધેડ ગત બપોરે ઘરેથી નીકળ્‍યા બાદ મોડી રાતે સવા ત્રણેક વાગ્‍યે માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્‍ચે અતિથી દેવો ભવ હોટેલ નજીક ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં બેભાન મળ્‍યા હતાં. આ બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં તેના તબિબ ડો. ઝુબેરભાઇએ તેમને મૃત જાહેર કર્યા હતાં.

 બીજી તરફ  ઘરેથી હમણા આવું, એક કામ માટે જાઉ છું તેમ કહીને સ્‍કૂટર લઇને તેઓ નીકળ્‍યા હોઇ લાંબો સમય સુધી પરત ન આવતાં પરિવારજનો રાતે શોધખોળ કરવા નીકળ્‍યા હતાં. આ દરમિયાન તેમનું સ્‍કૂટર રૈયા ચોકડીએ મળી આવ્‍યું હતું. આસપાસમાં તપાસ કર્યા બાદ પરિવારજનો અલગ અલગ રસ્‍તાઓ પર તપાસમાં નીકળ્‍યા હતાં. એ દરમિયાન માધાપર ચોકડીથી આગળ તપાસ કરતાં પહોંચતા ત્‍યાં ૧૦૮ આવી હોઇ અને ટોળુ એકઠુ થયું હોઇ તપાસ કરવા જતાં ચેતનભાઇ રાવરાણી ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં બેભાન મળ્‍યા હતાં. તેમને ૧૦૮ના તબિબ ઝુબેરભાઇએ નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

આ બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. મયુરસિંહ જાડેજા સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો અને પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરિવારજનો આપઘાતનું કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે હાજર સગા-મિત્રોના કહેવા મુજબ આત્‍મહત્‍યા કરી લેનારા ચેતનભાઇ રાવરાણી ઘરેથી ફૂડ ડિલીવરીનું કામ કરતાં હતાં. તેઓ ત્રણ બહેનના એકના એક નાના ભાઇ અને પરિવારનો આધાર હતાં. તેમના પત્‍નિનું નામ ભાવીશાબેન છે. તેમને સંતાનમાં બે દિકરા છે. જેમાં એક દસમુ ધોરણ અને બીજો કોલેજમાં  અભ્‍યાસ કરે છે. બંને સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમા વ્‍યાપી ગઇ છે.

 

(2:44 PM IST)