News of Wednesday, 12th August 2026
શાપરમાં ૪૦ વર્ષિય બ્રિજવિહારીસિંગને સાઢુ અમરેન્દ્રસિંગે અગાસીએથી ફેંકી પતાવી દીધો
રાતે ૮ વર્ષના દિકરાને મારકુટ કરતાં તે નજીકમાં રહેતાં માસા-માસીને ત્યાં જતો રહેતાં અમરેન્દ્રસિંગે ઉશ્કેરાઇને પાછળ આવી સાઢુ-સાળીને તમે કેમ મારા દિકરાને રાખ્યો છે? કહી મારામારી કરી : સાળીને પણ ધાબા ઉપર પછાડી દેતાં માથુ ફુટી ગયું: મુળ યુપીના બ્રિજવિહારીસિંગનું સવારે રાજકોટમાં સારવારમાં મોતઃ બે દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ શાપર પોલીસે મૃતકના પત્નિ સંજુબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી : ગયા અઠવાડીએ આરોપી અમરેન્દ્રસિંગે દારૂ પી મારકુટ કરતાં પત્નિ બિહાર જતી રહી હતીઃ ત્રણ બાળકો તેની પાસે જ હતાં: આરોપી કરિયાણાની દુકાન ચલાવે છે

સાઢુ અમરેન્દ્રસિંગના હાથે હત્યાનો ભોગ બનનાર બ્રિજવિહારીસિંગનો નિષ્પ્રાણ દેહ અને બનેવીના હુમલામાં ઘાયલ તેની પત્નિ સંજુબેન સિંગ (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૨: શાપર વેરાવળમાં રહી ફેબ્રીકેશનના કારખાનામા઼ મજૂરી કરતાં અને ત્યાં જ બાજુમાં આવેલી રૂમમાં અગાસી પર પત્નિ, બે બાળકો સાથે રહેતાં મુળ ઉત્તરપ્રદેશના યુવાન અને તેના પત્નિ પર રાતે નજીકમાં જ રહેતાં સાઢુભાઇએ આવી હુમલો કરી મારામારી કરી સાળીને ધાબા પર ધક્કો દઇ પછાડી માથામાં ઇજા પહોંચાડી તેમજ સાઢુને મારકુટ કરી અગાસીએથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ છે. આરોપી તેના આઠ વર્ષના દિકરાને મારકુટ કરતો હોઇ દિકરો રડતો રડતો માસા-માસીની રૂમે આવી જતાં આરોપીએ પાછળ પાછળ આવી તમે કેમ મારા દિકરાને રાખ્યો છે? કહી માથાકુટ કરી હતી. જેમાં તેના હાથે સાઢુની હત્યા થઇ ગઇ હતી.
આ બનાવમાં શાપર પોલીસે હત્યાનો ભોગ બનનાર બ્રીજવિહારીસિંગ ધ્રુપનારાયણસિંગ (ઉ.વ.૪૦)ના પત્નિ સંજુબેન સિંગ (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી તેણીના બનેવી શાપર રંગાણી કારખાના પાસે રહેતાં અમરેન્દ્રસિંગ મહેન્દ્રસિંગ વિરૂધધ હત્યાનો કોશિષનો ગુનો આજે વહેલી સવારે દાખલ કર્યો હતો. સારવાર દરમિયાન બ્રીજવિહારીસિંગનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે.
સંજુબેન સિંગે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પતિ બ્રિજવિહારીસિંગ સાથે શાપર વેરાવળ ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રંગાણી કારખાના સામે હિરેનભાઇના કારખાનાની ઓરડીમાં રહુ છે અને અમે મુળ ઉત્તરપ્રદેશ કુશીનરગ ઠેરવા ચોૈરાના કરખના બેલવા ગામના વતની છીએ. મારે સંતાનમાં ૧૧ ર્ષ્વાનો દિકરો અતુલસિંગ અને ૧૦ વર્ષનો દિકરો અભિષેકસિંગ છે. અમે કારખાનાની છત પર રહીએ છીએ. મંગળવારે તા. ૧૧ના રાત્રીના આશરે સાડા દસેક વાગ્યે હું તથા મારા પતિ બ્રિજવિહારીસિંગ તથા અમારા બાળકો એમ અમો બધા અમારી ઓરડીએ હતાં એ દરમ્યાન મારી બહેન શિતલનો દિકરો હિતેશસિંગ (ઉ.વ.૮) અમારી ઓરડીએ આવેલ હતો અને મને કહેલ કે મને મારા પિતાજી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ખીજાયેલ છે. આ વાત મારો ભાણેજ હિતેશસિંગ મને કરી રહ્યો હતો.
ત્યાં જ તેની પાછળ પાછળ તેના પિતા એટલે કે મારા બનેવી અમરેન્દ્રસિંહ અમારી ઓરડીએ આવેલ અને મારા છોકરાને અહી કેમ તમે રાખ્યો છે? કહી મારી તથા મારા પતિ સાથે બોલાચાલી તથા ઝગડો કરવા લાગેલ. જેથી મારા પતિ બ્રિજવિહારીસિંગે ઝગડો કરવાની ના પાડતા મારા બનેવી અમરેન્દ્રસિંહ ખુબ જ ઉશ્કેરાઈ ગયેલ અને મારા કે પતિને ઢીકા પાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી હું છોડાવવા વચ્ચે પડતાં મને બનેવીઅ જોરથી ધક્કો મારી ત્યાં ઘાબા પર પછાડી દીધી હતી. બાદમાં મારા પતિને પણ તે માર મારવા માંડયો હતો. તે મારતો મારતો તેમને છતની દિવાલ પાસે લઇ ગયેલ અને છતની ઉપરથી ધાબા પરથી નીચે જમીન પર ફેંકી દીધા હતાં.
બાદમાં મારા બનેવી ભાગી ગયેલ. હુ તથા મારા બાળકો કરવા રાડારાડ કરવા લાગેલ જેથી ત્યા ઘણા માણસો ભેગા થઈ ગયા હતાં. અમે નીચે જઈને જોતા મારા પતિ બેભાન હાલતમાં પડેલ હતા અને તેને માથામાં તથા કપાળના ભાગે લોહી નિકળતું હતું. મને પણ ધક્કો મારી પછાડી હોઇ માથામાં લોહી નીકળતું હોઇ અમને બંનેને પતિના મિત્ર રવિકુમાર શ્રી હંસરાજ પ્રસાદ સારવાર માટે શાપર સરકારી હોસ્પીટલે લઈ ગયેલ અને ત્યાંના ડોક્ટરે માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાનું જણાવી રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવાનું જણાવતાં અમને બંનેને ૧૦૮ મારફત રાજકોટ લાવવાવમાં આવ્યા હતાં.
અહિ મને પ્રાથમિક સારવાર કરી પાટો બાંધી દેવાયો હતો. મારા પતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોઇ ઇમર્જન્સી વોર્ડમાં બેભાન હાલતમાં દાખલ કરાયા હતાં. સંજુબેનની ઉપરોક્ત કેફીયતને આધારે એએસઆઇ એમ. વી. ચોૈહાણે આરોપી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રહે. હાલ શાપર વેરાવળ, રંગાણી કારખાના પાસે મુળ રહે. દિધવા પટ્ટા, ગુરવલીયા ગામ જી. કુશીનગર, ઉતરપ્રદેશ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. જો કે ટુંકી સારવાર બાદ સવારે બ્રિજવિહારીસિંગનું મૃત્યુ થતાં હત્યાની કલમનો ઉમેરો કરી ભાગી ગયેલા આરોપીને શોધી કાઢવા કાર્યવાહી કરી છે.
હત્યાનો ભોગ બનનાર બ્રિજવિહારીસિંગ ઉર્ફે પિન્ટુસિંગ એક વર્ષથી અહિ રહી મજૂરી કરતો હતો. તેના પત્નિ સંજુબેને કહ્યું હતું કે-મારી બહેન શિતલના લગ્ન અમરેન્દ્રસિંગ સાથે તેર વર્ષ પહેલા થયા છે. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અમરેન્દ્રસિંગ શાપરમાં કરીયાણાની દુકાન ચલાવે છે. ગયા અઠવાડીએ તેણે દારૂ મારી મારી બહેન શિતલને મારકુટ કરી કાઢી મુકતાં તે વતન બિહાર જતી રહી હતી. ત્રણેય બાળકો મારા બનેવી અમરેન્દ્રસિંગ પાસે જ છે. ગઇકાલે રાતે તેણે તેના પુત્ર હિતેશસિંગને પણ મારકુટ કરતાં તે રડતો રડતો અમારી રૂમે આવતાં અને પપ્પાએ માર માર્યો છે તેમ કહેતાં એ દરમિયાન પાછળ પાછળ મારા બનેવી અમરેન્દ્રસિંગ પણ આવેલ અને મારા દિકરાને તમે શું કામ રાખો છો? કહી ઝઘડો કરી અમારા બંને પતિ-પત્નિ સાથે મારામારી કરી મારા પતિને અગાસીએથી નીચે ફેંકી હત્યા કરી નાંખી હતી.
(2:39 PM IST)










