<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

શ્રાવણમાં શિવમય બનશે શ્રી આપાગીગાનો ઓટલોઃ સવા લાખ બીલીપત્રનું ભવ્‍ય અનુષ્‍ઠાન

દર સોમવારે ફરાળી મહાપ્રસાદઃ ૪ સપ્‍ટેમ્‍બરે મધરાતે નંદોત્‍સવઃ પૂજ્‍ય નરેન્‍દ્રબાપુનું જાહેર આમંત્રણ

રાજકોટઃ પવિત્ર શ્રાવણ માસના તા. ૧૩ ઓગસ્‍ટ, ગુરુવારથી ચોટીલા નજીક મોલડી ગામ પાસે રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા શ્રી આપાગીગાના ઓટલા ખાતે શ્રી જીવનમુક્‍તેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવા લાખ એટલે કે ૧,૨૫,૦૦૦ બીલીપત્ર અર્પણનું વિશિષ્ટ અનુષ્ઠાન યોજાશે. મહાદેવજીના દિવ્‍ય દર્શન, ભવ્‍ય શણગાર, મંત્રોચ્‍ચાર, પૂજન, અર્ચન અને અભિષેક સાથે આખું ધર્મસ્‍થાન શિવભક્‍તિના રંગે રંગાશે. શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજબાપુએ ભાવિકોને પોતાના હાથે બીલીપત્ર, પુષ્‍પ અને જળાભિષેક દ્વારા પૂજન કરવાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્‍યું છે.

શ્રી આપાગીગાના ઓટલાની પ્રેસ યાદી મુજબ આશરે દોઢ દાયકાથી દિવસ-રાત ધમધમતા આ સેવાધામમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ અંદાજે ૫,૧૦૦ બીલીપત્રો ભગવાન સદાશિવને અર્પણ કરવામાં આવશે. ગાયના દૂધ અને પવિત્ર ગંગાજળ મિશ્રિત જળથી શ્રી જીવનમુક્‍તેશ્વર મહાદેવનો અભિષેક કરવામાં આવશે. અહીં આવનારા ભાવિકો અને યાત્રાળુઓને પણ પોતાના હાથે બીલીપત્ર, પુષ્‍પ અર્પણ તથા જળાભિષેક કરી પૂજન-અર્ચન કરવાનો અવસર મળશે.

મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજબાપુના જણાવ્‍યા મુજબ ભગવાન ભોળાનાથ નિઃસ્‍વાર્થ ભાવ અને હૃદયની પવિત્ર શ્રદ્ધાથી કરાયેલી પૂજાથી પ્રસન્ન થાય છે. શ્રાવણ માસ દરમિયાન સુશોભિત મંડપ, ઝળહળતી રોશની તથા ભગવાન સદાશિવનો મહિમા વર્ણવતા મંત્રોચ્‍ચારથી સમગ્ર પરિસર ભક્‍તિમય બનશે.

પરમ પૂજનીય સદગુરુદેવ, સતાધાર ધામના બ્રહ્મલીન મહંત અને શ્રી આપાગીગાના ઓટલાના નિર્માણના પ્રણેતા શ્રી જીવરાજબાપુ ગુરુ શ્રી શામજીબાપુ પવિત્ર શ્રાવણ માસને જપ, તપ, ભક્‍તિ અને સેવા માટે અત્‍યંત મહત્‍વનો માનતા હતા. તેમના દર્શાવેલા માર્ગે શિષ્‍ય સમુદાય અને સેવકો સેવા તથા ધર્મકાર્યો આગળ ધપાવી રહ્યા હોવાનું તેઓશ્રીની યાદીમાં જણાવાયું છે. તેમના સંસ્‍કાર અને સેવાભાવને કારણે શ્રી આપાગીગાનો ઓટલો સેવકો, ભક્‍તો અને ધર્માનુરાગીઓ માટે શ્રદ્ધાનું કેન્‍દ્ર બન્‍યો છે.

‘‘આપણું લક્ષ્ય કુરુક્ષેત્ર નહીં, પરંતુ વૃંદાવન છે'' એવા ભાવ સાથે શ્રીકૃષ્‍ણ જન્‍માષ્ટમી નિમિત્તે પણ વિશિષ્ટ ધાર્મિક આયોજન કરવામાં આવશે. તા. ૪ સપ્‍ટેમ્‍બરે જન્‍માષ્ટમીની મધરાતે નંદોત્‍સવ યોજાશે અને ભાવિકોને વિશેષ ફરાળી મહાપ્રસાદનો લાભ અપાશે.

મહંત શ્રી નરેન્‍દ્રબાપુ  શ્રી નરેન્‍દ્રભાઈ એમ. સોલંકીના જણાવ્‍યા મુજબ પરમાત્‍માનો વાસ સમગ્ર જીવસૃષ્ટિમાં છે અને પવિત્ર શ્રાવણ માસ સમગ્ર જીવને શિવ તરફ વાળવાનો પવિત્ર અવસર છે. ભક્‍ત પ્રહલાદની રક્ષા માટે નરસિહ સ્‍વરૂપે ભગવાનનું પ્રાગટ્‍ય, દ્રૌપદીના ચીરહરણ સમયે પરમાત્‍માની કૃપા અને સમુદ્રમંથનમાંથી નીકળેલા હળાહળ વિષનું પાન કરી ભગવાન શિવના નીલકંઠ બનવાના પ્રસંગો માનવજીવનને શ્રદ્ધા, સમર્પણ અને પરોપકારનો સંદેશ આપે છે. ધર્મધામો, સેવાધામો અને સંતો માનવીને પરમતત્ત્વની નજીક લઈ જવાનું કાર્ય કરતા હોવાનું તેમણે જણાવ્‍યું છે.

સવા લાખ બીલીપત્રનું અનુષ્ઠાનઃ ભાવિકો પોતાના હાથે કરી શકશે અભિષેક

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી જીવનમુક્‍તેશ્વર મહાદેવને સવા લાખ બીલીપત્રો અર્પણ કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે. દરરોજ અંદાજે ૫,૧૦૦ બીલીપત્રો, પુષ્‍પો તથા ગાયના દૂધ અને ગંગાજળ મિશ્રિત જળથી અભિષેક થશે. અહીં આવતા દરેક ભાવિકને પોતાના હાથે બીલીપત્ર અર્પણ, પુષ્‍પપૂજા અને જળાભિષેક દ્વારા શ્રી મહાદેવનું પૂજન-અર્ચન કરવાની તક આપવામાં આવશે.

શ્રાવણના સોમવાર, રક્ષાબંધન, જન્‍માષ્ટમી અને અમાસે વિશેષ ફરાળી મહાપ્રસાદ

શ્રી આપાગીગાના ઓટલા ખાતે રોજિદા ચા-પાણી, નાસ્‍તો અને ભોજન મહાપ્રસાદની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. શ્રાવણ માસના દર સોમવારે તેમજ રક્ષાબંધન, જન્‍માષ્ટમી અને અમાસના દિવસે વિશેષ ફરાળી મહાપ્રસાદ પીરસાશે. તેમાં શુદ્ધ ઘીનો રાજગરાના લોટનો શીરો, સામાની ખીર, સામાની ખીચડી, બટેટાની સૂકી ભાજી, બટેટાની વેફર, ફરાળી ચેવડો, મસાલાવાળા તળેલા શીંગદાણા અને ફળ સહિતની વાનગીઓનો સમાવેશ થશે. તા. ૪ સપ્‍ટેમ્‍બરની મધરાતે જન્‍માષ્ટમી નિમિત્તે નંદોત્‍સવ પણ ભાવભેર ઉજવાશે.

વર્ષના ૩૬૫ દિવસ, ચોવીસે કલાક નિઃશુલ્‍ક સેવાઃ જ્ઞાતિ-જાતિના કોઈ ભેદભાવ નહીં

શ્રી નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યું છે કે શ્રી આપાગીગાના ઓટલા ખાતે વર્ષના ૩૬૫ દિવસ અને ચોવીસે કલાક કોઈપણ પ્રકારના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના સેવકો, ભક્‍તો, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદો માટે રહેવા, જમવા તથા ચા-પાણીની સંપૂર્ણ નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. ‘‘આ સેવા કાર્યમાં અમે માત્ર નિમિત્ત છીએ; પરમ કૃપાળુ પરમાત્‍મા અને સદગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુ શ્રી શામજીબાપુની કૃપાથી સમાજોપયોગી અને લોકોપયોગી કાર્યો થઈ રહ્યા છે,'' તેમ નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યું છે.

પાવન શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવ અને પૂર્ણ પુરુષોત્તમની ભક્‍તિના રંગે રંગાવા તથા દર્શન, પૂજન, અર્ચન, અભિષેક અને મહાપ્રસાદનો લાભ લેવા શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજબાપુએ સમગ્ર સેવક સમુદાય, ભાઈઓ-બહેનો, માતાઓ, વડીલો, યુવાનો અને ભાવિક ભક્‍તોને હૈયાના હેતથી પધારવા આપાગીગાટલાના મહંત પૂજ્‍ય શ્રી નરેન્‍દ્ર બાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

સ્‍થળઃ શ્રી આપાગીગાનો ઓટલો, મોલડી ગામ નજીક, ચોટીલા-રાજકોટ માર્ગ, રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ. સંપર્કઃ ૯૮૨૪૨ ૧૦૫૨૮, ૯૯૭૮૪ ૦૭૫૧૯.

 

(11:36 AM IST)