<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

આકૃતિ આર્ટ ગૃપ દ્વારા શુક્રવારથી શ્‍યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં ‘‘મનમોહના'' થીમ પર ચિત્ર પ્રદર્શન

બાળકૃષ્‍ણથી લઇ રાધાકૃષ્‍ણનું જીવનદર્શન કરાવતી ર૪૦ કૃતિઓ નિહાળવા મળશે : શનિવારે ‘‘રાધા-કૃષ્‍ણ'' ફેન્‍સી ડ્રેસ કોમ્‍પિટીશન : પ્રવેશ નિઃશુલ્‍ક : મુલાકાતિઓને વિનામૂલ્‍યે રોપા વિતરણ

રાજકોટ, તા. ૧ર : આકૃતિ આર્ટ ગૃપ દ્વારા ૧૯મું વાર્ષિક કલા પ્રદર્શન ‘મનમોહના' તા. ૧૪, ૧પ, ૧૬ એમ ત્રણ દિવસ માટે ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે આયોજીત કરાયું છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયું હતું કે, આ ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શનમાં રાજયભરના કલાકારો દ્વારા તૈયાર કરાયેલ ર૪૦ થી વધુ કૃતિઓ પ્રદર્શન અર્થે મૂકાશે. જેમાં પેન્‍સીલ સ્‍કેચ, રિયલાસ્‍ટિક આર્ટ, ચારકોલ, વોટરકલર, એક્રેલિક, મીનીએચર, પરંપરાગત અને આધુનિક કલાશૈલી સહિતની કલા રજૂ થશે.

ખાસ કરીને બાળકૃષ્‍ણથી લઇને રાધાકૃષ્‍ણના પ્રેમને ચિત્રોના માધ્‍યમથી વ્‍યક્‍ત કરાશે. કલા પ્રેમીઓને તા. ૧૪ થી ૧૬ સુધી સવારે ૯ થી રાત્રે ૯ સુધી પ્રદર્શન નિહાળવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. પ્રવેશ નિઃશુલ્‍ક છે.

 આ ચિત્ર પ્રદર્શન દરમિયાન તા. ૧પના સાંજે પ થી ૭ બાળકો માટે ‘‘રાધાકૃષ્‍ણ'' ફેન્‍સી ડ્રેસ કોમ્‍પીટીશનનું પણ આયોજન કરાયું છે. જેમાં ૧૪ વર્ષની વય સુધીના બાળકો ભાગ લઇ શકશે. આ કોમ્‍પીટીશનમાં ભાગ લેવા મો. ૯૬૬ર૩૭૭૦૩૦ ઉપર રજીસ્‍ટ્રેશન કરાવવા જણાવાયું છે.

પ્રદર્શન નિહાળવા આવનાર તમામ મુલાકાતીઓને મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ રોપાઓનું વિનામૂલ્‍યે વિતરણ કરાશે. સેતુર, જાંબૂ, કડવો લીમડો, કરંજ, સીતાફળ, કરેણ, પેલટોફેરમ જેવા છોડનું નિઃશુલ્‍ક વિતરણ કરાશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આકૃતિ આર્ટ ગૃપ (મો. ૭૪૦પપ૭૭૦૩૦)ના આરતી બાવીશી, અંજલી કાલરીયા, કૃપાલી જેઠવા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:34 PM IST)