News of Wednesday, 12th August 2026
શહેરમાં વિકાસ કામગીરી ઝડપી બનશેઃ મનપાને ૨૩૨ કરોડ ફાળવાયા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇના હસ્તે ચેક સ્વીકારતા પદાધિકારીઓઃ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો

રાજકોટ, તા.૧૨: ગુજરાત સરકાર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૂ.૩૮૫૦/- કરોડના ચેક અર્પણ કાર્યક્રમ તા.૧૧ના રોજ ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ.
જેમાં રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.૨૩૨/-કરોડની ફાળવણી કરવામાં આવેલ.
શહેરી વિકાસના કામો માટેના ચેક અર્પણ કરવાના ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહમાં મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલ અને સિટી એન્જી. પરેશ અઢિયાએ ઉપસ્થિત રહી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેકનો સ્વીકાર કર્યો હતો.
‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અંતર્ગત ૧૭ મહાનગરપાલિકાઓને કુલ રૂ.૨૯૯૨ કરોડ અને ૧૫૨ નગરપાલિકાઓને કુલ રૂ.૮૫૮ કરોડની રકમ વિકાસ કામો માટે આપવામાં આવી હતી.
રાજ્ય સરકારશ્રી દ્વારા ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે કુલ રૂ.૨૩૨ કરોડની રકમની ફાળવણી કરવામાં આવેલ છે. જેને લીધે શહેરમાં કાર્યરત તેમજ નવા પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપભેર આગળ ધપશે તેવું જણાવી રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયરદક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળની રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ છે.
(2:58 PM IST)










