News of Wednesday, 12th August 2026
પીડીયુ સરકારી મેડીકલ કોલેજમાં મોકડ્રીલનું નાટક ભજવાયું:ગંભીર આક્ષેપો સાથે કલેકટરને રજૂઆતો
સરકારના પરીપત્રનો ડીન તથા જવાબદાર સ્ટાફ દ્વારા ઉલાળીયોઃ ડીન ઓફીસ બિલ્ડીંગમાં ફાયર NOC નથી!! : મેડીકલ કોલેજમાં ફાયરની તમામ સિસ્ટમો બંધ છેઃ પંપો બંધ-સ્મોક ડિટેકટર પણ બંધ હાલતમાં..

રાજકોટ, તા.૧૨: પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા કલેકટરને એક મહત્વનો પત્ર પાઠવી
સરકારના ૨૯/૧૧/૨૦૨૬ ના પરિપત્ર મુજબ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોએ દર મહિનાની ૬ તારીખે ફાયરનું મોકડ્રીલ કરવાનું હોય છે. રાજકોટની પી.ડી.યુ. સરકારી મેડિકલ કોલેજમા માત્ર મોકડ્રીલનું નાટક ભજવાયું જે અંગે તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આવેદનમાં જણાવેલ કે મોકડ્રીલમાં હોસ્પિટલ કે મેડિકલ કોલેજના નોડલ ઓફિસરો, ફાયરના સ્થાપક, ફાયર બ્રિગેડના સ્ટાફ મળી અને ફાયરની મોકડ્રીલ કરવાની થતી હોય છે ત્યારે રાજકોટની પી.ડી.યુ. સરકારી મેડિકલ કોલેજમાં મોકડ્રીલ માટેના જવાબદાર આ ઉપરોક્ત અધિકારીઓ દ્વારા કઈ રીતે સરકારી પરિપત્રનો ઉલાળીયો કરી તા. ૦૬/૦૮/૨૦૨૬ મોકડ્રીલના નામે નાટક કરવામા આવ્યું તે અંગેના મુદ્દાઓ આપના ધ્યાને મુકી આ કામના જવાબદાર અધિકારી / કર્મચારી અને એજન્સી સામે પગલાઓ ભરવા અમારી રજુઆત છે.(૧) મેડિકલ કોલેજ ખાતે ફાયર બોટલની જ મોકડ્રીલ કરી અને વાહ-વાહી કરવામાં આવી છે. (૨) મેડિકલ કોલેજમા ફાયરની સિસ્ટમ સ્વતંત્ર બંધ હાલતમાં છે તો હવે ફાયર બોટલ ચલાવીને મોકડ્રીલ કરી મેડિકલ કોલેજના ડીન અને જવાબદાર સ્ટાફ દ્વારા સરકારી પરિપત્રનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. (૩) કરોડોની સિસ્ટમ લાગેલી છે તેની જાળવણી કરવામાં ડીનને રસ નથી અને તેમને કોઈપણ જવાબદારી લેવામાંપણ રસ નથી. (૪) મેડિકલ કોલેજમા ફાયરની તમામ સિસ્ટમો બંધ છે, ફાયરના પંપો બંધ છે, સ્મોક ડિટેક્ટર સિસ્ટમ બંધ છે. અલાર્મ સિસ્ટમ બંધ છે તો તા. ૦૬/૦૮/૨૦૨૬ મોકડ્રીલ કઈ રીતે યોજવામાં આવી હતી તે તપાસનો વિષય અને યક્ષ પ્રશ્ન છે. (૫) ડીન ઓફિસ બિલ્ડીંગ જે મેડિકલ કોલેજ બિલ્ડીંગ કહેવાય છે તેમાં ફાયરની એન.ઓ.સી. જ નથી.
(3:19 PM IST)










