News of Friday, 14th August 2026
કુવાડવામાં જમીન મકાનના ધંધાર્થી ભરતભાઇ ગઢવીએ રૂપિયા ફસાઇ જતાં એસિડ પી લીધું
જમીન વેંચાણના પૈસા એક શખ્સ આપતો નથી અને કુટુંબીઓ ચેક રીટર્ન બાબતે અરજીઓ કરી હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૪: કુવાડવા ગામમાં રહેતાં ભરતભાઇ દુલાભાઇ ગઢવી (ઉ.વ.૩૫) નામના યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ ભરતભાઇએ ઘરે એસિડ પી લેતાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. ભરતભાઇ માતા-પિતાના એકના એક દિકરા છે અને સંતાનમાં ચાર વર્ષની દિકરી છે. તેણે જણાવ્યું હતું કે હું જમીન મકાન લે-વેંચનું કામ કરી ગુજરાન ચલાવુ છું. રાજકોટમાં એક પ્લોટ વેંચ્યો તેના પંદરેક લાખ રૂપિયા મારે જેની પાસેથી લેવાન છે તે મને આપતાં નથી. મારા રૂપિયા ફસાયા હોઇ તેનું ટેન્શન હતું. ત્યાં કુટુંબી સગાએ પણ ચેક રિટર્ન મામલે ખોટી અરજી કરી હેરાન કરતાં હોઇ કંટાળીને પગલુ ભર્યુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(11:42 AM IST)










