News of Friday, 14th August 2026
તસ્કરો પીજીવીસીએલના ત્રણ ટીસીમાંથી રૂા. ૭૫ હજારનો કોપર વાયર ચોરી ગયા
બીલેશ્વર જંકશન નજીક હડમતીયા-રાજગઢ ગામના રોડ પર બનાવઃ આસપાસના ગામમાં વિજપુરવઠો ખોરવાતાં ચોરીની જાણ થઇઃ નાયબ ઇજનેરની ફરિયાદ

રાજકોટ તા. ૧૪: શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા હડમતીયા ગામ નજીકથી વીજ કંપનીના ત્રણ ટ્રાન્સફોર્મર-ટીસીમાંથી રૂ. ૭૫,૦૦૦ની કિંમતના તાંબાના વાયર અને કોર (જેના પર કોપરનો વાયર વીંટેલો હોય છે)ની ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે કુવાડવા વિભાગનાી પીજીવીસીએલની પેટા વિભાગ કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ચિરાગસિંહ નરશીભાઈ કાપડીયા દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે તા. ૧૨/૦૮ના રોજ રાત્રિના એકાદ વાગ્યાના સુમારે હડમતીયા ગામ પાસે વીજ પુરવઠો ખોરવાયો હતો.લાઇનમેન દ્વારા સ્થળ પર તપાસ કરતા માલુમ પડ્યું હતું કે અજાણ્યા શખ્સો દ્વારા વીજ પોલ પરથી ટીસી ખોલીને ચોરી કરવામાં આવી છે. આ બનાવ બીલેશ્વર જંકશન નજીક હડમતીયા રાજગઢ રોડ પર બન્યો હતો. કુલ ત્રણ અલગ અલગ થાંભલાઓના ટીસીમાંથી કોપરનો વાયર અને કોર ચોરી જવાયાનું તપાસમાં માલુમ પડયું હતું.
તસ્કરો પાંચ કેવી ટીસીની બોડીમાંથી કોપર વાયર અને અને કોર ચોરી ગયા તેની કિંમત ૭૫,૦૦૦ થાય છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. અજાગ્યાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:46 PM IST)










