<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

દેશની આઝાદી કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદવીરો - ક્રાંતિવીરોને શત શત નમન

આઝાદીના આ અમૃતકાળમાં આપણે સૌ એક દિવ્ય ભારત, ભવ્ય ભારતના નિર્માણમાં સહભાગી થઈએઃ ઉદય કાનગડ

રાજકોટઃ વિધાનસભા૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ શહેરીજનોને ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાને આઝાદીના આ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ હતું કે ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭નો દિવસ એટલે ભારતનો સ્વાતંત્રય દિવસ, આશરે ૨૫૦ વર્ષની ગુલામીની બેડીમાંથી મુકિત. દેશને આઝાદી મેળવવામાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં

દર વર્ષે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ ધ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશો આપે છે.વડાપ્રધાનશ્રી આઝાદીની ચળવળના નેતાઓને, દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદોને તેમજ દેશની રક્ષા કાજે શહીદ થતા જવાનોને શ્રધ્ધાંજાલિ આપે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશે કરેલ પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર્ તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.

ત્યારે ૧૫મી ઓગસ્ટે આપણે સ્વાતંત્રય સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ, બહાદુર શહીદોને નમન કરીએ છીએ, સ્વતંત્રતા પર્વ આપણા દેશનો ગૌરવમય તહેવાર છે. સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન, ત્યાગ અને અખંડ દેશપ્રેમના કારણે જ આજે આપણે સ્વતંત્ર હવામાં શ્વાસ લઈ શકીએ છીએ. આ સર્વે મહાનુભાવોને શત શત નમન છે.

સ્વાતંત્રય સેનાનીઓએ જે ભારતનું સ્વપ્ન જોયું હતું તે ભારતને વધુ શકિતશાળી, આત્મનિર્ભર, સમૃધ્ધ અને વિકસિત બનાવવાની જવાબદારી આજની પેઢીની છે. દેશની એકતા અને અખંડિતતા જાળવવી, બંધારણીય મૂલ્યોનું સન્માન કરવું, ફરજ પ્રત્યે નિષ્ઠાવાન રહેવું અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવું એ જ સાચા અર્થમાં શહીદોને શ્રધ્ધાંજલી છે. તેમ યાદીના અંતમાં ઉદયભાઈ કાનગડએ જણાવ્યું છે

(3:36 PM IST)