News of Friday, 14th August 2026
આગામી રપ મીએ જીલ્લા સ્વાગતઃ કલેકટર સમક્ષ અધધધ ૧૦૦ થી વધુ પ્રશ્નોઃ તંત્ર પણ ચોંકી ઉઠયું
આ વખતે મેરેથોન મીટીંગ ચાલશેઃ પ્રાથમિક પ્રશ્નોનો મારો સજાર્યો..

રાજકોટઃ તા.૧૪, રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આગામી ૨૫મી તારીખના રોજ 'જિલ્લા સ્વાગત બેઠક'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે રાજકોટ શહેર અને જિલ્લાના ૧૦૦થી પણ વધુ પ્રશ્નો અને ફરિયાદોનો ઢગલો થયો હોવાનું સામે આવ્યું છે.
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, આ વખતની જિલ્લા સ્વાગત બેઠકમાં લોકો દ્વારા પ્રશ્નોનો મારો ચલાવવામાં આવ્યો છે. રાજકોટ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કલેકટર તંત્રને ૧૦૦થી પણ વધુ અરજીઓ મળી ચૂકી છે. લોકો પોતાની સમસ્યાઓના ઝડપી નિકાલ માટે મોટી સંખ્યામાં સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે સ્વાગત કાર્યક્રમમાં સૌથી વધુ ફરિયાદો ચોમાસાને લગતી સમસ્યાઓ વિશે આવી છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે રાજકોટ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાઓના બિસ્માર હાલત અને ગટર ઉભરાવાની સમસ્યાઓ વકરી છે. જેને પગલે તૂટેલા રોડ-રસ્તા, ગટર અને ચોમાસામાં પડતી અન્ય હાલાકીઓને લગતા પ્રશ્નો મુખ્યત્વે આ બેઠકમાં રજૂ થયા છે.
આગામી ૨૫ તારીખે યોજાનારી આ બેઠકમાં કલેકટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને હાજર રાખીને આ તમામ ૧૦૦થી વધુ પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે. મીટીંગ બપોર બાદ છે. પરંતુ મેરેથોન ચાલશે તેમ અધીકારીઓ માની રહયા છે.
(3:37 PM IST)










