તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 18th August 2026
ગેરકાયદે હથિયાર ખરીદ-વેંચાણની એમ.પી.- સોૈરાષ્ટ્રની સપ્લાય ચેઇનની વધૂ એક કડી પાસેથી ૪ પીસ્તોલ- તમંચા કબ્જે
ડીસીબીના પી.આઇ. એ.એસ. ચાવડા, પી.એસ.આઇ. એ.એન. પરમારની ટુકડીએ ગણતરીના દિવસોમાં ૮ ફાયરઆમર્સ ઝડપી લીધાઃ સાયલાના ગરાંભડી ગામના ધીરા કુકડીયાની સઘન પૂછતાછ

રાજકોટ તા.૧૮: ગયા મહિનાની ૨૫ મી તારીખે ડીસીબીના પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા અને સબ ઇન્સપેકટર એ.એન. પરમારની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે કુવાડવા-વાંકાનેર રોડ પરથી દેશી બનાવટની પીસ્તોલ ૩ અને દેશી તમંચા ૧ સહિત ૪ હથિયારો સાથે છોટાઉદેપુરના રીપલા ઉર્ફે વિપુલ કાગડીયાભાઇ રાઠવા (ઉ.વ.૪૧ રે.ગામ ગાંઠીયા, તા.છોટા ઉદેપુર, જી.છોટા ઉદેપુર) અને સાયલાના ઢીંકવાડી ગામના વિજય મસરૂ બાવળીયા (ઉ.વ.૩૧)ને ઝડપી લીધા હતા. હથિયાર સપ્લાયર અને રીસીવરની આ કડીમાં આજે સાયલાના ગરાંભડી ગામના ધીરા મોહન કુકડીયા (ઉ.વ.૪૦)ને ઝડપી લઇ વધૂ બે પીસ્તોલ અને તમંચા સહિત ૪ હથિયારો ઝડપી લેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ગૃહઉદ્યોગની જેમ બનાવાતા રીવોલ્વર, પીસ્તોલ, તમંચા, કાર્ટીસ, બંદુક સહિતના ગેરકાયદે હથિયારો ગુજરાત-સોૈરાષ્ટ્રના વિસ્તારોમાં આસાનીથી ઘુસાડી અસામાજીક તત્વોને સપ્લાય કરવામાં આવતા હોવાની અનેક સીન્ડીકેટો કાર્યરત છે.
તે પૈકીની વધૂ એક સીન્ડીકેટ પાસેથી પી.એસ.આઇ. એ.એન. પરમાર, હેડ કોન્સટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ અને મોહિલરાજસિંહ ગોહિલ ઉપરાંત અર્જુન ડવ, ગોપાલભાઇ પાટીલ અને મયુરધ્વજસિંહ જાડેજાની ટીમે ગણતરીના દિવસોમાં ૮ હથિયાર ઝડપી લઇ સરાહનીય કામગીરી નોંધાવી છે. હજુ આ કડીમાં વધૂ હથિયાર વેંચાયા કે ખરીદાયા છે કે કેમ? તે અંગે ઝડપાયેલા ધીરા કુકડીયાની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
(2:54 PM IST)










