News of Tuesday, 18th August 2026
શહેરમાં ગેરકાયદે બાંધકામ- ટ્રાફિક ટ્રાન્સપોર્ટ- ફુડ સહિતના પ્રશ્નોનો ધોધ
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં મનપામાં સંકલન બેઠક યોજાઈ ધારાસભ્યોની રજૂઆતોનો સત્વરે ઉકેલ લાવવા મ્યુ. કમિશનર તુષાર સુમેરાની અધિકારીઓને સુચના

રાજકોટ, તા. ૧૮: શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી વિવિધ ફરિયાદો, પ્રશ્નો અને રજૂઆતોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં તેમના દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો અને ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવા કમિશનરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તા. ૧૭ ઓગસ્ટના રોજ યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ પ્રશ્નોની વિભાગવાર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત શાખાના અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.
MP-MLA માટે
મનપાનું ‘ઇ-સંકલન' પોર્ટલ
ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતોના ઝડપી નિકાલ અને તેની કામગીરીમાં પારદર્શિતા લાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેક્રોલોજીના ઉપયોગ સાથે ખાસ ઓનલાઈન પોર્ટલ/ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પોર્ટલ મારફત MP-MLA કોઈપણ સ્થળેથી રાજકોટ મહાનગરપાલિકાને લગતી ફરિયાદ, પ્રશ્ન કે રજૂઆત ઓનલાઈન કરી શકશે. રજૂઆત સાથે સંબંધિત ફોટોગ્રાફ પણ અપલોડ કરી શકાશે. રજૂઆત મળ્યા બાદ મનપા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિગતવાર અહેવાલ અને જરૂરી ફોટોગ્રાફ પણ પોર્ટલ પર મૂકવામાં આવશે.
‘ઇ-સંકલન' પોર્ટલની ખાસિયત એ છે કે MP-MLA દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવે કે તરત જ સંબંધિત શાખાના અધિકારીને મેસેજ મારફત તેની જાણ થાય છે. ત્યારબાદ અધિકારી દ્વારા પ્રશ્ન કે રજૂઆતનો જવાબ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે કે તરત જ સંબંધિત MP-MLAને પણ મેસેજથી જાણકારી મળી શકે છે. પરિણામે રજૂઆત કયા તબક્કે છે અને તેના નિરાકરણની સ્થિતિ શું છે તેનું ઓનલાઈન મોનિટરિંગ કરી શકાશે.
બાંધકામથી દબાણ સુધીના ધારાસભ્યોના પ્રશ્નો
બેઠક દરમિયાન ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા બાંધકામ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ, લાઇબ્રેરી તથા દબાણ હટાવ શાખાને લગતા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓ દ્વારા આ રજૂઆતોના જવાબ તાત્કાલિક પોર્ટલમાં સબમિટ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા પ્રાણી રંજાડ, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, બાંધકામ તેમજ ફૂડ શાખાને લગતા પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રશ્નોના જવાબ પણ સંબંધિત અધિકારીઓ દ્વારા પોર્ટલમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બંને ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અને રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગોને સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા સૂચના આપી હતી. બેઠકમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ઉપરાંત નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ અને સમીર ધડુક સહિત મહાનગરપાલિકાની વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(3:26 PM IST)










