News of Wednesday, 19th August 2026
સદર બજારના હુશેન ભારમલ સહિત ત્રણ વ્હોરા મિત્રો સાથે રૂા. ૪૦ લાખની છેતરપીંડી
ભગવતીપરામાં રહેતાં મિત્ર જુજર મારફત સોનાના દાગીના દાઉદી વ્હોરા સમાજની સંસ્થામાં જમા કરાવી વ્યાજ વગરની લોન લેવાની હતીઃ પણ જુજરે પિતા, સસરા, બનેવી સહિતની સાથે મળી સમાજના માલ સાહેબ મારફત બારોબાર વ્યાજે રૂપિયા લઇ લીધાના આક્ષેપોઃ પોલીસ કમિશરને લેખિત ફરિયાદ કરવામાં આવી

રાજકોટ તા. ૧૯: શહેરના સદર બજારમાં રહેતાં અને પેપર સ્ક્રેપનું કામ કરતાં દાઉદી વ્હોરા યુવાન અને તેના અન્ય બે મિત્રોએ વેપાર ધંધા માટે પોતાના સમાજમાંથી મળતી વ્યાજ વગરની લોન લેવા ભગવતીપરામાં રહેતાં એક મિત્રનો સંપર્ક કરી તેના મારફત આશરે ૪૦ લાખનું સોનુ વ્હોરા સમાજની સંસ્થામાં જમા કરાવી લોન કરાવવાનું કહેતાં આ શખ્સે સંસ્થામાંથી લોન ન થતાં સંસ્થાના જનાબ પાસેથી બારોબાર વ્યાજે લોન લઇ રૂપિયા ખાઇ જતાં અને સોનાના દાગીના ત્રણ મિત્રોને પરત ન આપતાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
આ બારામાં સદર બજાર પોલીસ ચોકી પાસે ઓરબીટ કોમ્પલેક્ષમાં રહેતાં હુશેન જૈનુદીનભાઇ ભારમલે (ઉ.વ.૨૧) નામના દાઉદી વ્હોરા યુવાનેં પોલીસ કમિશનરને લેખીતમાં ફરિયાદ કરી છે. (આ ફરિયાદ તા. ૧૧/૭/૨૬ના રોજ બપોરે ૧:૩૩ કલાકે સરલ અરજી શાખામાં ઇન્વર્ડ થઇ છે) જેમાં સામેવાળા તરીકે ભગવતીપરા સમન્વય હાઇટ્સમાં રહેતાં જુજર શકીલભાઇ દલાલ, શકીલભાઇ દલાલ, બેડીપરા સૈફી કોલોની કુત્બી મસ્જીદ સામે મુસાફીરખાનામાં રહેતાં જનાબ અમીલસાહેબ-શેખ હુશેન શેખ સજાઉદ્દીન સાઇવાલા, દુધની ડેરી પાસે ર હેતાં શૈફુદીનભાઇ લોટીયા અને ગોંડલ વ્હોરાવાડમાં રહેતાં મુર્તુજા પટેલના નામો લખેલા છે. આ તમામે પુર્વયોજીત કાવત્રુ રચી સોનુ ઓળવી જઇ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાનો આરોપ લેખિત ફરિયાદમાં મુકાયો છે.
હુશેન ભારમલે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે મેં તથા મારા મિત્ર અબ્દેઅલી મુર્તુજાભાઇ બારભાયા, નજમુદ્દિન શબ્બીરભાઇ હડીયાણાવાલા અને ચોથા સામેવાળા જુજર દલાલ એમ ચારેયએ મળી ઘરેથી સોનુ લાવી સમાજમાંથી અમારા સમાજની સંસ્થા નુર કરજન હસ્નામાંથી વગર વ્યાજની ોલન મળતી હોઇ લોન લઇ સાથે વેપાર કવરાના હેતુ થી ૩૪૧-૦૭૦ ગ્રામ સોનુ ભેગુ કરી જુજર દલાલને આપ્યું હતું. તેણે અમને વિશ્વાસ આપેલો કે સંસ્થામાંથી આપણે સોનુ આપીને લોન મેળવી બીઝનેસ કરીશું. અમે મિત્રાચારીમાં વિશ્વાસમાં આવી જુજરને સોનુ આપતાં પહેલા બધાએ સાથે જઇ વેલ્યુએશન કરાવ્યું હતું. જેનો રિપોર્ટ આવતાં નુર કરજન હસના સંસ્થામાં આ સોના પર લોન લેવા જુજરને કામ સોંપ્યું હતું. પણ બાદમાં અમને ખબર પડી હતી કે આ લોન થઇ નથી અને સંસ્થામાં સોનુ પણ થાલ-ગીરવે લેવાયું નથી.
આ પછી ખબર પડી હતી કે જુજર સાથે તેના પિતા શકીલભાઇ દલાલ પણ મળેલા હતાં. શરૂથી લઇ અંત સુધી તેમને ખ્યાલ હતો કે સોનુ ઘરેથી આવ્યું છે અને તેના પર લોન લેવાની છે પરંતુ લોન થયેલી નથી. આ ઉપરાંત નુર કરનજ હસના સંસ્થામાંથી લોન નથી થઇ તેની જાણ અમીલસાહેબને પણ હતી. તેમણે પર્સનલમાં સોનુ ગીરવે રાખી વ્યાજની લાલચમાં રકમ ધીરધાર કરેલ છે. ખરેખર વ્યાજ અમો દાઉદી વ્હોરા સમાજમાં લઇ શકાતું નથી. આમ છતાં અમીલ સાહેબે કોઇ મર્યાદા રાખી નહોતી અને ગેરકાયદેસર રીતે વ્યક્તિગત સોનુ ગીરવે રાખી નાણા ધીરધાર કર્યા છે. આવો આરોપ લેખીત ફરિયાદ-અરજીમાં મુકાયો છે.
આ ફરિયાદમાં આગળ જણાવાયું છે કે સૈફુદીન લોટીયા જે જુજર દલાલના સસરા થાય છે તે અને મુર્તુઝા પટેલ જે જુજરના બનેવી થાય છે તે પણ આ કેસમાં સંડોવાયા છે તેવો આક્ષેપ કરાયો છે. આ બધાએ સાથે મળી જુજરને ફરાર કરાવી દીધો હતો. તેને શોધવા છતાં તે મળી આવ્યો નહોતો. જો કે અરજી બાદ તે પરત આવી ગયો હતો. પણ તેની સામે હજુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી. અમે ફરિયાદી અને અમારા મિત્રોને બાદમાં ખ્યાલ આવેલ છે કે આ બધાએ કાવત્રુ ઘડી મીલાપીપણું કરી છેતરીપીંડીથી અમારુ સોનુ ઓળવી લીધુ છે. આગળ લેખિત ફરિયાદમાં જણાવાયું છે કે શેખ હુશેન શેખ સજાઉદ્દીન સાઇવાલા પાસે અમારુ સોનુ છે, તેનું અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ પણ છે અને ઓડિયો રેકોર્ડિંગ પણ છે. જે અમે તપાસમાં રજુ રાખશું.
આગળ જણાવાયું છે કે હુશેન ભારમલનું જે સોનુ ગયું છે તેમાં ૧૩ ગ્રામ સોસનાની ગીની, સોનાનો ડબલ સરનો મોટો ચેઇન, સોનાનો મોટો હાર, સોનાની બે વીંટી, બે બુટી અને અબ્દે અલીની ૨૩ ગ્રામની ગીની, ૪ બંગડી, ૭ વીંટી, ૭ બુટી, ૧ ચેઇન, ૭ પેન્ડલ, ૧ પતલો ચેઇન, સોનાનો હાર અને નઝમુદ્દીનની ૨ સોનાની ગીની સામેલ છે. આ બધુ મળી કુલ ૩૯૫.૭૦૦ મીલીગ્રામ સોનુ થાય છે. આમ કુલ ૪૦ લાખથી વધુ રકમની હેરફેર-છેતરપીંડી થઇ હોઇ તપાસ કરી એફઆઇઆર દાખલ કરી અમને ન્યાય અપાવવા અમારી માંગણી છે. તેમ વધુમાં લેખિત ફરિયાદમાં જણાવાયું છે. ભોગ બનનારે જણાવ્યું છે કે અમારી અરજી મામલે આર્થિક ગુના નિવારણ સેલ (ઇઓડબલ્યુ) દ્વારા તપાસ શરૂ કરી અમને નિવેદન માટે બોલાવાયા હતાં. જેથી અમે નિવેદન આપી દીધુ છે. હવે આગળ એફઆઇઆર દાખલ કરાવી અમારુ કાયદેસરનું સોનુ અમને પરત મળે તેવી અમારી માંગણી છે.
(3:52 PM IST)










