News of Thursday, 20th August 2026
રેલનગરમાં રાજેન્દ્રસિંહ જાડેજાનું મંદિરમાં ઢળી પડયા બાદ મૃત્યુ
ઘર નજીક મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે બનાવઃ મુળ ખાખરાના વતનીઃ પરિવારજનો, પડોશીઓમાં શોક

રાજકોટ તા. ૨૦: હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના રેલનગમાં રહતાં ક્ષત્રિય પરિવારના મોભી ઘર નજીક મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ત્યાં એકાએક ઢળી પડયા બાદ મૃત્યુ થતાં પરિવારમાં, સગાસંબંધીઓમાં અને પડોશીઓમાં ગમગીની વ્યાપી ગઇ છે. જાણવા મળ્યા મુજબ રેલનગર-૨ શેરી નં. ૧માં બ્લોક નં. ૧૭ ખાતે રહેતાં રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા (ઉ.વ.૫૭) ગઇકાલે ઘર નજીક આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ત્યાં એકાએક બેભાન થઇ ઢળી પડતાં બીજા દર્શનાર્થીઓ હાજર હોઇ એકઠા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવી તેમના પરિવારજનોને પણ જાણ કરી હતી.
બેભાન હાલતમાં રાજેન્દ્રસિંહ જાડેજાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃત્યુ પામનાર રાજેન્દ્રસિંહ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેઓ મુળ ખાખરાના વતની હતાં અને ખેતીનો વ્યવસાય ધરાવતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાની શક્યતા સગાએ જણાવી હતી. તેઓ નિયમીત મહાદેવના મંદિરે દર્શન કરવા જતાં હતાં. ગઇકાલે પણ મંદિરે ગયા ત્યારે આ બનાવ બન્યો હતો.
(11:54 AM IST)










