News of Friday, 21st August 2026
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટના અંગે રાજ્ય સરકાર લાલઘૂમ : આરોપી સિનિયર તબીબ સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ફોન પર વાત કરી સંપૂર્ણ સુરક્ષા અને ન્યાયની ખાતરી આપી : સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓનું સન્માન અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું સ્પષ્ટ કર્યું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા, સન્માન અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ બનાવના સંદર્ભમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગને તાત્કાલિક અસરથી કાયદેસરના પગલાં લેવા માટે કડક આદેશો જારી કર્યા છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની હિંમત વધારી હતી અને ન્યાય સહિત સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. કાર્યસ્થળે અયોગ્ય વર્તન કે ગેરવર્તણૂકને રાજ્ય સરકાર સહેજ પણ સહન કરશે નહીં.
વધુમાં ઉમેરતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, મહિલા તબીબો સમાજને નિષ્ઠાપૂર્વક આરોગ્ય સેવા પૂરી પાડે છે. તેથી તેમની સાથે સન્માનપૂર્ણ અને સુરક્ષિત કાર્યકારી વાતાવરણ જળવાઈ રહે તે બાબત સરકાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઘટનામાં સંડોવાયેલા સિનિયર તબીબ સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણપણે પારદર્શક રીતે પૂરી કરવામાં આવશે.
આરોગ્ય મંત્રીની સ્પષ્ટ સૂચના બાદ આરોગ્ય વિભાગે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ જાળવી રાખવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે. મહિલા કર્મચારીઓના ગૌરવ સાથે ખીલવાડ કરનાર કોઈપણ દોષિત સામે કડકમાં કડક પગલાં લેવાની દિશામાં વહીવટીતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે.
(12:26 PM IST)










