<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રૂદ્રાક્ષનું મહત્‍વ અને તેના લાભ ધારણ કરવાની વિધિ

શિવપ્રિય રૂદ્રાક્ષનો પ્રયોગ અનેક રીતે થાય છે રૂદ્રાક્ષનો અર્થ થાય રૂદ્ર એટલે શિવ અક્ષ એટલે આંસુ, શિવના આંસુ એક વખતે પરમપિતા મહાદેવજી એ જગતના કલ્‍યાણ માટે હજારો વર્ષ તપ કર્યુ એક વખતે તેમનું મન દુઃખ થયું અને આંખો ખોલી તેમાંથી આંસુની બૂંદ નીકળી જમીન પર પડી આમાંથી એક વૃક્ષની ઉત્‍પત્તી થઈ તે વૃક્ષ હતું રૂદ્રાક્ષનું રૂદ્રાક્ષનાં ઉપયોગ અનેક પ્રકારે થાય છે.

ખાસ કરીને જીવનની વ્‍યાધિ ઉપાધી દુર કરવા અને પ્રગતિ મેળવા સારું આરોગ્‍ય પ્રાપ્ત કરવા રૂદ્રાક્ષનો ઉપયોગ થાય છે. રૂદ્રાક્ષ ધારણ કરનારના અનેક પ્રકારના ફાયદા છે. આમ જોઈએ તો મહાદેવજીનું તપરૂપી વરદાન એટલે રૂદ્રાક્ષ બધા જ મનુષ્‍યએ રૂદ્રાક્ષ ધારણ કરી તેનો ફાયદો ઉઠાવવો જોઈએ.

રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમઃ માસ મચ્‍છીનો ત્‍યાગ કરવો, વ્‍યસન દારૂ નો ત્‍યાગ કરવો જરૂરી છે. સત્‍યનું આચરણ કરવું ખોટી સોબતથી બચવું જેટલા બની શકે તેટલા વધારે નિયમોનું પાલન કરવું.

રૂદ્રાક્ષ ખરીદતા પહેલા આટલી બાબતોનું ધ્‍યાન રાખવું સાચો રૂદ્રાક્ષ છે તે પાણીમાં ડૂબી જાય છે તે ઉપરાંત બે તાંબાના પૈસા વચ્‍ચે રૂદ્રાક્ષ રાખી અને દબાવી તો તે જમ્‍પે કરે છે આમ બે માંથી એક પરિક્ષણ કરી અને રૂદ્રાક્ષની ખરીદી કરવી.રૂદ્રાક્ષને નીચે જમીન પર કદી પણ ન મૂકવો, અપવિત્ર જગ્‍યાએ ન મૂકવો.

(૧)એક મુખી રૂદ્રાક્ષઃ એક મુખી રૂદ્રાક્ષ પરમપિતા મહાદેવજીનું જ સ્‍વરૂપ છે. જીવનના સર્વ ઉપદ્રવના સમન માટે એક મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો ઉત્તમ ગણાય છે.

(૨) દ્વિમુખી રૂદ્રાક્ષઃ બે મુખવાળો રૂદ્રાક્ષ શિવશક્‍તિનું સ્‍વરૂપ છે. બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી માનસીક શાંતિની પ્રાપ્તિ થાય છે. મસ્‍તક પીડા દુર થાય છે.

(૩) ત્રિમુખી રૂદ્રાક્ષઃ ત્રણ મુખવાળો રૂદ્રાક્ષ અગ્નિનું સ્‍વરૂપ છે. જે શારીરિક પીડા દુર કરે છે પેટની બિમારી દુર કરે છે.

(૪) ચતુર્મુખી રૂદ્રાક્ષ : ચાર મુખવાળો રૂદ્રાક્ષ બ્રહ્મા કહેવાય છે ધન સંપત્તિ આપનાર તથા વિદ્યા અભ્‍યાસમાં ઉપયોગી છે.

(૫) પંચમુખી રૂદ્રાક્ષ : પાંચ મુખવાળો રૂદ્રાક્ષને શિવ કહે છે શિવનું સ્‍વરૂપ છે. શત્રુ બળ દુર કરવા આ રૂદ્રાક્ષ ધારણ કરવો ઉપયોગી છે. તથા મહારૂદ્રજીની ઉપાસના કરવા માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો ઉત્તમ છે.

(૬) છ મુખી રૂદ્રાક્ષઃ આ રૂદ્રાક્ષ કાર્તિકેયનું સ્‍વરૂપ છે. ગણપતિ ઉપાસના તથા આરોગ્‍યમાં લાભ આપનાર છે. વ્‍યાપારમાં વૃદ્ધિ માટે આ રૂદ્રાક્ષ ઉપયોગી છે.

(૭)સપ્તમુખી રૂદ્રાક્ષઃ આ રૂદ્રાક્ષ આ લક્ષ્મી સ્‍વરૂપ છે. સિધ્‍ધિ પ્રાપ્ત કરવા તથા ધન અને લાભ મેળવવા માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો.

(૮) અષ્ટમુખી રૂદ્રાક્ષઃ આ રૂદ્રાક્ષ ગણપતિ દાદાનું સ્‍વરૂપ છે. સિધ્‍ધિ નિધ્‍ધિ પ્રાપ્ત કરવા આ રૂદ્રાક્ષ ધારણ કરવો. બ્‍લડ પ્રેશરમાં તથા લકવાના રોગમાં આ રૂદ્રાક્ષ ફાયદા કારક છે.

(૯) નવમુખી રૂદ્રાક્ષઃ આ રૂદ્રાક્ષ નવદુર્ગાનું સ્‍વરૂપ માનવામાં આવે છે. સંતાન સુખ મેળવવા કુટુંબીક સુખ મેળવા હૃદય રોગ તથા ભૂત, પ્રેત, દોષના નાશ માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો.

(૧૦) દશમુખી રૂદ્રાક્ષઃ દશમુખી રૂદ્રાક્ષ ભગવાન વિષ્‍ણુનું સ્‍વરૂપ છે. સાહસ અને હિમ્‍મત મેળવવા માટે તથા  રોગો દુર કરવા તથા મનોકામના સિધ્‍ધિ માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો.

(૧૧) એકાદશમુખી રૂદ્રાક્ષ : અગિયાર મુખી રૂદ્રાક્ષ ભગવાન રૂદ્રનું સ્‍વરૂપ છે. આ રૂદ્રાક્ષ સૌભાગ્‍ય વર્ધક છે. વાક્‍ચાર્તુર્ય મેળવવા માટે આ ધારણ કરવો ઉપયોગી છે.

(૧૨) દ્વાદશમુખી રૂદ્રાક્ષઃ બારમુખી રૂદ્રાક્ષ સૂર્યનું સ્‍વરૂપ છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી અગ્નિ અને ઝેરનો ભય દુર થાય છે. રાજનીતિમાં સફળતા મેળવવા માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો.

(૧૩) ત્રયોદશ મુખી રૂદ્રાક્ષઃ તેર મુખી રૂદ્રાક્ષ કામદેવનું સ્‍વરૂપ છે. પિતૃદોષના સમન માટે આંખ તથા ચામડીના રોગો દુર કરવા તથા વિજયદોષ પ્રાપ્ત કરવા આ રૂદ્રાક્ષ ધારણ કરવો.

(૧૪) ચૌદમુખી રૂદ્રાક્ષઃ ચૌદમુખી રૂદ્રાક્ષને હનુમાનજીનું સ્‍વરૂપ માનવામાં આવે છે. સંકટ દુર કરવા સંજીવન ઉપાસના માં સિધ્‍ધિ મેળવવા તથા ભુત, પ્રેત દોષ રક્ષણ મેળવવા આ રૂદ્રાક્ષ ધારણ કરવો શુભ છે.

રૂદ્રાક્ષ શ્રાવણ મહિનાના સોમવારે અથવા પુનમ શિવરાત્રી ગુરૂપુષ્‍ય નક્ષત્ર અથવા અમૃત સિદ્ધિ યોગ ના દિવસે ધારણ કરવો, શુભ છે.

કાળા અથવા લાલ ઘેરામાં રૂદ્રાક્ષ ધારણ કરવો શૌચ તથા રતિક્રિયા સમયે રૂદ્રાક્ષ ઉતારી નાખવો. સૌ પ્રથમ ગાયના દુધમાં રૂદ્રાક્ષ થોડી વાર બોળી રાખી ત્‍યારબાદ સાફ કરી ચંદન ચોખા કરી અથવા તો યોગ્‍ય ભુદેવ પાસે અભિષેક કરાવી રૂદ્રાક્ષને ધારણ કરવો. રૂદ્રાક્ષને ધારણ કરતાં પહેલા ઓમ નમઃ શિવાયની પાંચ માળા જરૂર કરવી.

જન્‍મકુંડળીમાં સૂર્ય નબળો હોય તો ૧ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો, ચંદ્ર નબળો હોય તો ૨ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો., મંગળ નબળો હોય તો ૩ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો, બુધ નબળો હોય તો ૪ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો., ગુરૂ નબળો હોય તો ૫ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો., શુક્ર નબળો હોય તો ૬ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો., શની નબળો હોય તો ૭ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો.,

રાહૂ નબળો હોય તો ૫ અથવા ૮ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો., કેતુ નબળો હોય તો ૯ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો શુભ છે., જ્‍યોતિષ શાષાી રાજદીપ જોશી વેદાંત રત્‍ન (મો. ૯૯૨૫૬ ૧૧૯૭૭)

(2:49 PM IST)