News of Friday, 21st August 2026
રંગ છે મેઘાણી... ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે ર૮મીએ સિનેમેટિક મેગા નાટક : ૭ર કલાકારો
સૌરાષ્ટ્રની અમરગાથાઓ પણ રજૂ થશે, ૭ વાદકોનું સન્માનઃ લોકકલા ફાઉન્ડેશનનું આયોજન

રાજકોટ : ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતી નિમિત્તે આગામી તા.ર૮ના શુક્રવારે રાત્રે ૯ વાગે પ્રમુખ સ્વામી હોલ, રૈયા રોડ ખાતે જાણીતા લોક ગાયક માલદે આહિર પ્રસ્તુત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને લોક કલા ફાઉન્ડેશન ઉપલેટાના સંયુકત ઉપક્રમે રાજકોટને આગણે પ્રથમ વખત મેઘાણી જીવન કવન સાથે સૌરાષ્ટ્રની અમર ગાથાઓના ભવ્ય નાટયાંશોનું સિનેમેટિક મહાનાટક રજૂઆત પામશે.
મેઘાણીના જન્મથી આખર સુધીની પ્રજામાં જેની કાયમ મુખ નોંધ છે, એ ભાવભીની સંસાર ગાથાઓ, જે સૌરાષ્ટ્રની ગૌરવવંતી વારસાગત વિધ્યા છે. તેની સંવેદનાઓ લોકગીત, દુહા, છંદ, રાસ રાસડા, વિવાહના ગીત, લોકકથા સ્વરૂપે સચવાયા એ જીણી જીણી જીવન વિગતોને વીણી વીણી લોક સંસ્કૃતિનો અમુલખ ખજાનો અઢી દાયકા સુધી ખેતથી ખંડેલા શબ્દ સુરના સીમાડાની ઉપજ છે. જેને ગુજરાતની પ્રજાએ વહાલભેર વધાવી છે. અને હૈયે લગાડી છે, એવા મેઘાણીએ સુખ દુઃખને સાથી બનાવી મહા મહેનત અને અથાક પરિશ્રમી સાહિત્યને સતત ખેવના ભેર ગુજરાતની ગૌરવશાળી મહાન લોક સંસ્કૃતિને કોડીએ દિવ્ય દિવેલ પૂર્યા છે તેના અનેક ગીતો આજે પણ અજર અમર છે અને ડાયરાના માધ્યમથી લોક સમુહ વર્ષોથી માણી રહ્યો છે એ મહામાનવ મેઘાણીજીની જન્મ જયંતી નિમિતે તેની જીવન જમરને માનવ સમુહ માણે એ માટે સંકલન,લેખન અને ગાયન સ્વરૂપે ગરવા ગાયક માલદે આહિરે સોરઠની સરળ બળુકી બોલીમાં સીનેમેટિક મેગા નાટક સ્વરૂપે કંડાયું છે સાથે સાથે સૌરાષ્ટ્રની અમર ગાથા વીર માંગડાવાળો, રાંકનું રતન, પંચાલની ધરતીની તરણેતરના મેળાની અમર પ્રેમ ગાથા જોડીઓ પાવો અદભૂત ગુથી છે. એથી વિશેષ ગુજરાતના છત્રીસ લોક વાદ્યોમાંથી બચેલા દુર્લભ લોક વાદકોનું પ્રોત્સાહિત સન્માન પણ રખાયું છે. જેમાં જોડીઓ પાવો, સુરંદો, રાવણ હથો વિગેરે આ નાટકનું દિગ્દર્શન જાણીતા ડાયરેકટર આસિફ અજમેરીએ કર્યું છે અને કોરિયોગ્રાફી મેઘા વિઠલાણીએ કરી છે.
આ નાટકમા વોઇસ ઓવર પ્રોફેસર રૂપલ ઓજા, પ્રોફેસર સંજય કામદાર, હસન મલેક, બસી મોદી, ચાર્મી, હેમાંગી પઢિયાર, સંકર જમાદાર જેવા પ્રસિદ્ધ અનેક કલાકારોએ આપી છે અને નાટકમા કુલ સિતેરથી વધુ કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ નાટકમા રાજકોટ સાંસદ પુરુષોતમભાઇ રૂપાલા, મુળુભાઈ બેરા, ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા હાજર રહેનાર છે.
આપણા ગુજરાતના ગૌરવવંતા રાષ્ટ્રીય શાયર મહામાનવ ઝવેરચદ મેઘાણીના જીવન કવનને લોક સમૂહ ભરપૂર માણે એ માટે સાહિત્ય અકાદમી ગાંધીનગર મહામાત્રા જયેન્દ્રસિહ જાદવ તથા ઝવેરચદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના નિયામક જે. એમ. ચંદ્રવાડિયા અને લોક કલા ફાઉન્ડેશનના મુખ્ય માલમ અને નાટકના મુખ્ય સૂત્રધાર માલદે આહીર તરફથી આમંત્રણ અપાયું છે.
કાર્યક્રમ નિઃશુલ્ક હોય વ્યવસ્થાના ભાગ રૂપે રજિસ્ટ્રેશન માટે વોટ્સએપ નંબર ઉપરથી રજીસ્ટર કરવા માટે લિન્ક મળી શકશે ૭૨૨૬૦ ૬૫૧૦૦.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લોક સાહિત્યકાર માલદે આહીર તથા સાહિત્ય પ્રેમી ભરત રાણપરીયા, જયેન્દ્રભાઇ જાદવ, અમૃતભાઇ ગઢીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:46 PM IST)










