<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

૯૨ વર્ષની ઉંમરે પણ વૈજયંતીમાલા છે ફિટ અને સ્ફૂર્તિથી ભરપૂર

જાણો તેમની ‘ટાઇમલેસ બ્યૂટી’ અને અદભુત ફિટનેસનું રહસ્યઃ * નિયમિત ચાલવું, યોગ-ધ્યાન અને સાદો શાકાહારી આહાર તેમની નિયમીત જીવનશૈલીનો હિસ્સો *ભરતનાટ્યમ સાથે આજે પણ યુવા કલાકારોને તાલીમ આપે છે *નિયમિત કસરત, સાદો આહાર, માનસિક શાંતિ અને પોતાની પસંદગીના કામ સાથે સતત જોડાયેલા રહેવું તેમની 'ટાઇમલેસ' સ્ફૂર્તિ પાછળના મહત્વના પાસાં

રાજકોટઃ ભારતીય સિનેમાની દિગ્ગજ અભિનેત્રી અને ભરતનાટ્યમ નૃત્યાંગના વૈજયંતીમાલા બાલી ૯૨ વર્ષની ઉંમરે પણ પોતાની સ્ફૂર્તિ અને શિસ્તબદ્ધ જીવનશૈલીથી લોકોને પ્રેરણા આપી રહ્યા છે. ભારતીય સિનેમાની 'ટ્વિંકલ ટોઝ' તરીકે ઓળખાતી આ દિગ્ગજ અભિનેત્રી અને નૃત્યાંગના આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવે છે. ફિલ્મી પડદાથી લઈને શાસ્ત્રીય નૃત્યના મંચ સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર વૈજયંતીમાલા આજે પણ કલા સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં તેમણે બેઠા રહીને આપેલી ભરતનાટ્યમની રજૂઆતથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમની આ ફિટનેસનું રહસ્ય શું છે? નિયમિત જીવનશૈલી, સાત્વિક આહાર અને ભરતનાટ્યમ પ્રત્યેની સાધના જ છે એમની સદાબહાર સુંદરતાનો આધાર.

જ્યારે ઉંમર ૯૦નો આંકડો વટાવી જાય ત્યારે સામાન્ય રીતે લોકો શારીરિક રીતે અશકત થવા લાગે છે અથવા શાંત નિવૃત્ત જીવન પસંદ કરે છે. પરંતુ ભારતીય સિનેમાની પ્રથમ ફીમેલ સુપરસ્ટાર અને 'પદ્મવિભૂષણ'થી સન્માનિત દિગ્ગજ અભિનેત્રી વૈજયંતીમાલા બાલિ આજે ૯૨ વર્ષની વયે પણ એટલા જ સ્ફૂર્તિલા, સુંદર અને ઊર્જાવાન છે. 'સંગમ', 'મધુરમતિ', 'દેવદાસ' અને 'સાધના' જેવી યાદગાર ફિલ્મોથી દેશભરના દર્શકોના દિલ પર રાજ કરનાર આ નૃત્યાંગના આજે પણ પોતાના લાવણ્ય અને ગ્રેસથી સૌને મંત્રમુગ્ધ કરી દે છે. આજે જ્યારે આધુનિક પેઢી ફિટનેસ માટે અનેક પ્રકારના પ્રયોગો અને જિમ વર્કઆઉટ કરે છે ત્યારે ૯૨ વર્ષની વયે પણ વૈજયંતીમાલાજીની આ 'ટાઇમલેસ બ્યૂટી' અને અદ્બુત સ્વાસ્થ્ય પાછળ કયા રહસ્યો છુપાયેલા છે? આવો જાણીએ તેમની રોજિદી દિનચર્યા અને જીવનશૈલીનો ફિટનેસ મંત્ર.

વૈજયંતીમાલાજી માટે નૃત્ય એ માત્ર એક કળા નથી પરંતુ એક સાધના અને ઈશ્વરીય પૂજા છે. બાળપણથી જ ભરતનાટ્યમ સાથે જોડાયેલા હોવાને કારણે તેમની કાયા હંમેશાં લવચીક અને સક્રિય રહી છે. આજે પણ તેઓ નૃત્ય સાથે સતત જોડાયેલા છે. ભલે તેઓ રોજ કલાકો સુધી રિયાઝ ન કરતા હોય પરંતુ યુવાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને નૃત્ય વિષયક સંશોધનમાં સમય વિતાવે છે. તાજેતરમાં પણ એક કાર્યક્રમમાં તેમણે બેઠા બેઠા માત્ર ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાઓથી જ આખું વાતાવરણ મંત્રમુગ્ધ કરી દીધું હતું.

તેમની સવારની શરૂઆત વોકિગ, યોગ અને ધ્યાનથી થાય છે. વૈજયંતીમાલાના કહેવા મુજબ શરીરને સક્રિય રાખવા માટે સતત ગતિશીલ રહેવું જરૂરી છે. તેઓ દરરોજ સવારે નિયમિતપણે વોકિગ કરે છે જેનાથી શરીરનો રકતસંચાર સુધરે છે. આ ઉપરાંત માનસિક શાંતિ અને શારીરિક લવચીકતા માટે તેઓ દરરોજ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન અચૂક કરે છે. આ અભ્યાસ તેમને માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તણાવમુકત અને ઊર્જાવાન રાખે છે. જ્યારે આહારની વાત કરીએતો વૈજયંતીમાલાજીની ત્વચાના કુદરતી ચમકારા અને ઉત્કૃષ્ટ ફિટનેસનું મોટું રહસ્ય તેમનો સાદો, શિસ્તબદ્ધ અને શાકાહારી આહાર છે. સવારના નાસ્તામાં તેઓ સાઉથ ઈન્ડિયન પરંપરાગત નાસ્તો જેમ કે ઢોંસા, ઉત્તપમ અથવા ઉપમા સાથે તાજા ફળોનો રસ લે છે. જ્યારે બપોરના ભોજનમાં હળવો અને પૌષ્ટિક ખોરાક જેમાં ભાત, રસમ, દાળ અને લીલા શાકભાજી સામેલ હોય છે. એજ રીતે  સાંજના સમયે તાજો ફ્રૂટ જ્યૂસ અથવા થોડા ડ્રાય ફ્રૂટ્સ (સૂકો મેવો) લે છે. રાત્રિના ભોજનમાં ખૂબ જ હળવો ખોરાક જેમ કે રોટલી, દાળ-શાક અથવા દાળ-ભાત અને લે છે અને ખાસ તો સમયસર સૂઈ જવાની તેમની ટેવ તેમને સ્વસ્થ રાખે છે. તેઓ કોઈ અનહેલ્ધી કે ઓઈલી ફૂડ ખાવાનું ટાળે છે અને દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લઈને શરીરને હાઈડ્રેટેડ રાખે છે.

વૈજયંતીમાલાજીનું માનવું છે કે ચહેરા પરનું સુંદરત્વ એ આંતરિક શાંતિનું પ્રતિબિબ છે. તેઓ બાળપણથી જ ભકિતમય વાતાવરણમાં ઉછરેલા હોવાથી આધ્યાત્મિકતા સાથે ઊંડો લગાવ ધરાવે છે. નિયમિત પૂજા-અર્ચના, સંગીત અને સકારાત્મક વિચારસરણી તેમને દરેક પરિસ્થિતિમાં શાંત અને પ્રસન્ન રાખે છે. નકારાત્મકતાથી દૂર રહેવું અને નવું નવું શીખવાની જિજ્ઞાસા જાળવી રાખવી એ તેમની યુવાની જાળવી રાખવાની અસલી જડીબુટ્ટી છે. ૯૨ વર્ષની ઉંમરે વૈજયંતીમાલાની જીવનશૈલી એ વાતનું ઉદાહરણ છે કે ઉંમર વધે તેમ સક્રિયતા અને શિસ્ત છોડવાની જરૂર નથી. નિયમિત કસરત, સાદો આહાર, માનસિક શાંતિ અને પોતાની પસંદગીના કામ સાથે સતત જોડાયેલા રહેવું તેમની 'ટાઇમલેસ' સ્ફૂર્તિ પાછળના મહત્વના પાસાં તરીકે જોવા મળે છે.(૪૦.૪૩)

 

વૈજયંતીમાલા અને નૃત્યઃ એક આત્મિક સાધના

વૈજયંતીમાલા માટે નૃત્ય એ માત્ર કોઈ વ્યાવસાયિક પસંદગી કે મનોરંજનનું સાધન નહોતું પરંતુ તેમના જીવનનો શ્વાસ અને ઈશ્વરીય ઉપાસના (ભકિત)નું માધ્યમ રહ્યું છે. પ્રશ્ન એ થાય કે તેમણે નૃત્ય શા માટે પસંદ કર્યું?  વૈજયંતીમાલાનો જન્મ એક પરંપરાગત તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા વસુંધરા દેવી પોતે ૧૯૪૦ ના દાયકાના અભિનેત્રી અને સંગીતપ્રેમી હતા. ઘરમાં જ શાસ્ત્રીય સંગીત અને કળાનું વાતાવરણ હોવાને કારણે બાળપણથી જ તેમનામાં નૃત્ય પ્રત્યેનો રસ કેળવાયો. તેમના દાદી (યદુગિરી દેવી) ઇચ્છતા હતા કે વૈજયંતીમાલા ભારતીય સંસ્કૃતિ અને કળા સાથે ઊંડાણપૂર્વક જોડાય. માત્ર ૪-૫ વર્ષની અતિ નાની વયે તેમણે ભરતનાટ્યમની વિધિવત તાલીમ લેવાની શરૂઆત કરી દીધી હતી. ૧૯૪૦ માં માત્ર ૭ વર્ષની ઉંમરે તેમણે વેટિકન સિટી ખાતે 'પોપ પાયસ ૧૨મા' સમક્ષ ભરતનાટ્યમની પ્રસ્તુતિ આપી હતી. આ પ્રસંગે તેમનામાં એ વિશ્વાસ દ્રઢ કર્યો કે નૃત્ય જ તેમનું સાચું જીવનધ્યેય છે. વૈજયંતીમાલાના મતે નૃત્ય તેમના માટે કોઈ વ્યવસાય નહોતો પરંતુ ભગવાનની પૂજા કરવાની એક રીત હતી. આ જ કારણે તેમણે ચલચિત્રોમાં સફળતાના શિખરે હોવા છતાં નૃત્યની શાસ્ત્ર્ીયતા સાથે કયારેય સમજૂતી કરી નહીં. વૈજયંતીમાલાનું નૃત્ય ભારતીય શાસ્ત્ર્ીય નૃત્ય અને સિનેમા બંને ક્ષેત્રે એક માપદંડ ગણાય છે. તેમણે ભરતનાટ્યમના મહાન ગુરુ વઝુવૂર રામૈયા પિલ્લાઈ પાસે નૃત્યની તાલીમ લીધી હતી. આ શૈલી તેની ગ્રેસ (લાવણ્ય), શરીરની લવચીકતા, ચહેરાના ભાવ અને અત્યંત જાટિલ પદ સંચાલન માટે જાણીતી છે. વૈજયંતીમાલાના દરેક સ્ટેપમાં આ શૈલીની છાપ સ્પષ્ટ દેખાતી હતી.

વૈજયંતીમાલા પહેલાં હિન્દી ફિલ્મોમાં શાસ્ત્ર્ીય નૃત્ય માટે અલગથી ડાન્સર્સને બોલાવવામાં આવતા હતા. પરંતુ તેમણે પ્રથમ વખત મુખ્ય અભિનેત્રી તરીકે શુદ્ધ ભરતનાટ્યમ અને શાસ્ત્ર્ીય નૃત્યને મુખ્યપ્રવાહના સિનેમામાં સ્થાન અપાવ્યું. 'નાગિન', 'દેવદાસ', 'મધુરમતિ', અને 'આમ્રપાલી' જેવી ફિલ્મોમાં તેમના નૃત્યે ભારતીય સિનેમાનો ચહેરો બદલી નાખ્યો. શાસ્ત્ર્ અનુસાર નૃત્યમાં માત્ર શારીરિક હિલચાલ જ નહીં પરંતુ 'અભિનય' (ભાવવ્યકિતકરણ) સૌથી મહત્વનો છે. વૈજયંતીમાલાની આંખો અને ચહેરાના હાવભાવ એટલા સશકત હતા કે તેઓ એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર મુદ્રાઓ અને આંખોના ઈશારાથી આખી વાર્તા કે લાગણી દર્શાવી શકતા હતા. તાલ અને સંગીતની તેમની સમજ અદભુત હતી. જાટિલ થી જાટિલ તાલ પર પણ તેમના પગના ઘૂંઘરૂનો અવાજ પરફેકટ લયમાં જ વાગતો. આ જ કારણે તેમને સિનેમા જગતમાં 'ટ્વિંકલ ટોઝ' નું બિરુદ મળ્યું હતું. ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે ભરતનાટ્યમમાં ઊંડું સંશોધન શરૂ કર્યું. તેમણે પ્રાચીન મંદિરોની પરંપરામાં ભુલાઈ ગયેલી કેટલીક દક્ષિણ ભારતીય નૃત્ય શૈલીઓ (જેવી કે તયમ, પ્રબંધમ અને મેલપ્રાપ્તિ) ને પુનર્જીવિત કરી અને તેને સ્ટેજ પર રજૂ કરી. વૈજયંતીમાલા માટે નૃત્ય એ માત્ર એક કળા નથી પરંતુ શિસ્ત, સમર્પણ અને આંતરિક શાંતિ મેળવવાનો માર્ગ છે. આજે ૯૨ વર્ષની વયે પણ તેમની અંદરનો એ નર્તક અને કળા પ્રત્યેનો પ્રેમ એટલો જ જીવંત છે. એટલેજ આજે તેઓ એકદમ ફિટ અને સ્ફૂર્તિથી ભરપૂર છે.

 

બોલિવૂડની પ્રથમ સુપરસ્ટાર ડાન્સિંગ અભિનેત્રી વૈજયંતીમાલાની અવિસ્મરણીય સફર

અભિનય, ભરતનાટ્યમ અને રાજકારણમાં સફળતા મેળવનારી વૈજયંતીમાલાએ ભારતીય સિનેમાને આપી નવી ઓળખ ર્ં 'દેવદાસ', 'સાધના', 'ગંગા જમુના', 'સંગમ', 'નયા દૌર', 'આમ્રપાલી', 'સૂરજ', 'ન્યૂ દિલ્હી' જેવી ફિલ્મોએ તેમને સુપરસ્ટારનો દરજ્જો અપાવ્યો હતો. ર્ં વૈજયંતીમાલા ઉત્તમ ગોલ્ફ ખેલાડી પણ રહ્યા છે. તેમણે નેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. ર્ં ઈન્દિરા ગાંધીના સમર્થનથી તેઓ લોકસભાના સભ્ય બન્યા હતા અને બાદમાં રાજ્યસભામાં પણ સેવા આપી હતી.

ભારતીય સિનેમાના સુવર્ણ યુગની સૌથી પ્રતિભાશાળી અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક વૈજયંતીમાલાએ પોતાના અભિનય, નૃત્ય અને વ્યકિતત્વના બળે બોલિવૂડમાં આગવું સ્થાન બનાવ્યું હતું. ૧૩ ઓગસ્ટ, ૧૯૩૬ના રોજ ચેન્નાઈમાં જન્મેલા વૈજયંતીમાલા માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ ઉત્તમ ભરતનાટ્યમ નૃત્યાંગના અને રાજકારણી તરીકે પણ જાણીતા રહ્યા છે. અભિનેત્રી અને નૃત્યાંગના વસુંધરા દેવીના પરિવારમાં જન્મેલ વૈજયંતીમાલાને બાળપણથી જ નૃત્ય પ્રત્યે ખાસ લગાવ હતો. માત્ર ચાર વર્ષની ઉંમરે તેમને પોપ સમક્ષ નૃત્ય રજૂ કરવાની દુર્લભ તક મળી હતી. શાળાના અંતિમ વર્ષ દરમિયાન પરિવારના મિત્ર એમ.વી. રામને તેમને ૧૯૪૯માં આવેલી તમિલ ફિલ્મ 'વઝહકાઈ'માં તક આપી હતી. આ ફિલ્મની સફળતા બાદ તેનું હિન્દી સંસ્કરણ 'બહાર' (૧૯૫૧) પણ ખૂબ લોકપ્રિય બન્યું.

૧૯૪૯થી ૧૯૮૯ સુધી ચાલેલી પોતાની ફિલ્મી કારકિર્દીમાં વૈજયંતીમાલાએ આશરે ૬૨ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની મોટાભાગની ફિલ્મો હિન્દી ભાષામાં હતી. 'દેવદાસ', 'સાધના', 'ગંગા જમુના', 'સંગમ', 'નયા દૌર', 'આમ્રપાલી', 'સૂરજ', 'ન્યૂ દિલ્હી' જેવી ફિલ્મોએ તેમને સુપરસ્ટારનો દરજ્જો અપાવ્યો હતો. તેમણે ત્રણ વખત ફિલ્મફેર બેસ્ટ એકટ્રેસ એવોર્ડ મેળવ્યો હતો. ઉપરાંત તેમને ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને સંગીત નાટક અકાદમી જેવા પ્રતિષ્ઠિત સન્માનોથી પણ નવાજવામાં આવ્યા હતા.

વૈજયંતીમાલા ભારતીય સિનેમાની એવી અભિનેત્રી હતા જેણે ભરતનાટ્યમને હિન્દી ફિલ્મોમાં લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમના કારણે અર્ધ-શાસ્ત્ર્ીય નૃત્ય ફિલ્મોની નાયિકાઓની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ બન્યું હતું. 'મન ડોલે મેરા તન ડોલે', 'હોઠોં પે એવી વાત', 'મૈં કા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા' અને 'મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના' જેવા ગીતોમાં તેમના નૃત્યને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમણે દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ માટે હિન્દી ફિલ્મોમાં સફળતાનો માર્ગ ખોલ્યો હતો. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને ઐશ્વર્યા રાય બચ્ચન જેવી અભિનેત્રીઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રેત બન્યા હતા.

વૈજયંતીમાલા પોતાના સિદ્ધાંતો માટે પણ જાણીતા છે. ફિલ્મ 'દેવદાસ' માં ચંદ્રમુખીની ભૂમિકા માટે મળનારો બેસ્ટ સપોર્ટિગ એકટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ તેમણે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમનું માનવું હતું કે આ ભૂમિકા મુખ્ય નાયિકા જેટલી જ મહત્વપૂર્ણ હતી. દિલીપ કુમાર, રાજ કપૂર અને કિશોર કુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે તેમની જોડી ખૂબ લોકપ્રિય બની હતી. ખાસ કરીને 'સંગમ'માં રાજ કપૂર સાથે અને 'દેવદાસ'માં દિલીપ કુમાર સાથેનો તેમનો અભિનય આજે પણ યાદગાર માનવામાં આવે છે. વૈજયંતીમાલાએ રાજ કપૂરના અંગત ડોકટર ડો. ચમનલાલ બાલી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર સૂચિન્દ્ર બાલી છે જે અભિનેતા તરીકે પણ જાણીતા રહ્યા છે.

ફિલ્મોથી નિવૃત્તિ બાદ તેમણે ડાન્સ એકેડમી શરૂ કરી, ફાર્મિગમાં રસ લીધો અને રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ઈન્દિરા ગાંધીના સમર્થનથી તેઓ લોકસભાના સભ્ય બન્યા હતા અને બાદમાં રાજ્યસભામાં પણ સેવા આપી હતી. ૧૯૯૯માં તેમણે સિદ્ધાંતના મુદ્દે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી. વૈજયંતીમાલા ઉત્તમ ગોલ્ફ ખેલાડી પણ રહ્યા છે. તેમના પતિએ તેમને ગોલ્ફ સાથે પરિચિત કરાવ્યા હતા અને તેમણે નેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. આજે પણ તેઓ ચેન્નાઈમાં રહે છે અને જાહેર જીવનથી દૂર રહીને શાંત જીવન વિતાવી રહ્યા છે. ભારતીય સિનેમામાં વૈજયંતીમાલાનું યોગદાન માત્ર એક અભિનેત્રી પૂરતું નથી. તેમણે અભિનય, નૃત્ય, શિસ્ત અને વ્યકિતત્વ દ્વારા એક એવી પરંપરા સ્થાપિત કરી છે જે આવનારી પેઢીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે.

 

(3:53 PM IST)