<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટના અંગે રાજ્ય સરકાર લાલઘૂમ : ઘટનામાં સંડોવાયેલા ડો. અશ્વિન રામાણીની પંચમહાલના વાવકુંડલી PHC ખાતે તાત્કાલિક બદલી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ફોન પર વાત કરી ન્યાય અને સુરક્ષાની ખાતરી આપી : મહિલા કર્મચારીઓનું સન્માન અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું સ્પષ્ટ કર્યું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણ માટે કટિબદ્ધ છે. આ ઘટનાના સંદર્ભમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગને તાત્કાલિક અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સ્પષ્ટ આદેશો આપ્યા છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની હિંમત વધારી હતી અને ન્યાય સહિત સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

આરોગ્ય મંત્રીના આદેશથી રાજકોટની આર.ઝેડ. હોસ્પિટલના ડો. અશ્વિન રામાણીની પંચમહાલ જિલ્લાના વાવકુંડલી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.

 

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની આરોગ્ય સેવાઓમાં કાર્યરત દરેક મહિલા કર્મચારી અને તબીબની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. કાર્યસ્થળે અયોગ્ય વર્તન કે ગેરવર્તણૂકને સહેજ પણ સહન કરવામાં આવશે નહીં. આ ઘટનામાં સંડોવાયેલા સિનિયર તબીબ સામે નિયમો અનુસાર જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રીની સૂચનાથી આરોગ્ય વિભાગે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ જાળવી રાખવા માટે જરૂરી દિશાનિર્દેશો જાહેર કર્યા છે.

(9:18 PM IST)