News of Monday, 24th August 2026
ત્રંબાના કુંવારા યુવાન પાર્થએ પારકી પરિણીતા સાથે મૈત્રીકરાર કરતાં કારમાં ઉઠાવી જવાયો
અણીયારાના પાટીયેથી દડવા તરફ લઇ જવાયોઃ આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. એલ. ગોહિલ અને ટીમે મુક્ત કરાવ્યોઃ બે શકમંદની પુછતાછ

રાજકોટ તા. ૨૪: ત્રંબા ગામે રહેતાં કુંવારા ત્રેવીસ વર્ષના યુવાને નજીકના એક ગામની પરિણીતા સાથે મૈત્રીકરાર કરી લીધા હોઇ આ બાબતનો ખાર રાખી પરિણીતાના કોઇ સગાએ કારમાં આવી આ યુવાનનું અપહરણ કરી લેતાં દોડધામ મચી ગઇ હતી. જો કે આજીડેમ પોલીસને જાણ થતાં ગુનો દાખલ કરી કલાકોમાં આ અપહૃત યુવાનને મુક્ત કરાવ્યો હતો. બે શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લીધા છે. પારકી પરણેતર સાથે કરેલા મૈત્રીકરારને કારણે આ બનાવ બન્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ બનાવમાં આજીડેમ પોલીસે ત્રંબા ગામ કલ્યાણ પાર્ક રાધીકા સ્કૂલ પાસે રહેતાં ગોૈતમ સવજીભાઇ લીંબાણી (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી બે અજાણ્યા તથા તપાસમાં ખુલે તેની સામે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ કરી અપહૃતને મુક્તક રાવી બે શખ્સને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી હતી.
ગોૈતમ પરિવાર સાથે રહે છે અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૩મીએ રવિવારે સવારે અગીયારેક વાગ્યા આસપાસ હું મારી આઇશર ગાડીનો ફેરો કરવા શાપર ગયો હતો. બાદમાં અગીયારેક વાગ્યે મારા મોટા ભાઇ પાર્થને મેં ફોન કરી હું શાપર ફેરો નાખવા આવ્યો છું તેવી વાત કરી હતી. આ વખતે પાર્થએ પોતે સ્પ્લેન્ડર બાઇક લઇને અણીયારા ગામના પાટીયે આઇમા હોટેલ ખાતે કામ માટે આવ્યાની વાત કરી હતી.
ત્યારબાદ બપોરે સવાર બારેક વાગ્યે મારા બહેન હેતલબેને મને ફોન કરી કહ્યુ઼ હતું કે પાર્થભાઇ ફોન ઉપાડતો નથી. આથી મેં તેને ફોન કરતાં પાર્થનો ફોન બંધ આવતો હતો. જેથી હું તરત જ શાપરથી અણીયારાના પાટીયે હોટેલ ખાતે પહોંચ્યો હતો. પણ ત્યાં મારો ભાઇ પાર્થ નહોતો. આથી હું ઘરે ત્રંબા જવા નીકળ્યો હતો. મેં રસ્તામાં જોયુ તો ભવદીપ પેટ્રોલ પંપ નજીક સાઇડમાં મારા ભાઇનું હોન્ડા રેઢુ પડેલુ દેખાયુ હતું. જેથી હું ત્યાં ઉભો રહી ગયો હતો અને આસપાસ તપાસ કરી હતી. આ વખતે વાડીમાં કામ કરતાં ભાઇને આ બાઇક બાબતે પુછતાં તેણે કહેલું કે-થોડીવાર પહેલા આ બાઇકવાળા ભાઇને એક કારમાંથી ઉતરેલા બે શખ્સો ઝઘડો કરી બળજબરીથી બાઇકમાં બેસાડી લઇ ગયા છે. આ શખ્સો આશરે પચ્ચીસથી ત્રીસ વર્ષના હતાં.
આથી હું તરત ઘરે ગયો હતો અને મારા માતા-પિતા-બહેનને વાત કરી હતી. બાદમાં સરધાર પોલીસ ચોકી ખાતે પઅમે પહોંચ્યા હતાં. એ પછી સાંજે છ આસપાસ એક નંબર પરથી ફોન આવતાં મેં ઉપાડતાં તેમાં મારો ભાઇ વાત કરતો હતો. આ વખતે મારા ભાઇ પાર્થએ કહ્યું હતું કે-તું ક્રિષ્નાને લઇને દડવા આવી જા, આ લોકો મને બળજબરીથી દડવા લાવ્યા છે. આ વખતે મેં ક્રિષ્નાને ફોન આપતાં તેણીએ દડવા જવાની ના પાડતાં સામેથી ફોન કટ થઇ ગયો હતો. મારા ભાઇ પાર્થએ દડવા ગામની ક્રિષ્ના નામની પરિણીતા સાથે મૈત્રીકરાર કર્યા હોઇ જેનો ખાર રાખી આ યુવતિના સગાએ મારા ભાઇનું અપહરણ કરી લીધાની અમને જાણ થઇ હતી.
આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલ અને ટીમે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી અપહૃત પાર્થને મુક્ત કરાવી બે શખ્સને પુછતાછ માટે ઉઠાવી લીધા છે.
(3:56 PM IST)










