<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

તારો શેરીમાં ત્રાસ વધી ગયો છે, જીવથી જઇશ...રવિ સોરાણીને વાંસામાં ગડબો ફટકારી પછાડી દઇ ધમકી

ઇમિટેશનના વેપારીને ઘર પાસે બેટરીવાળી ગાડી રાખવી હોઇ ટુવ્‍હીલરવાળાને વાહન દૂર લેવાનું કહેતાં ડખ્‍ખો થોરાળા પોલીસે શ્રમજીવીમાં જ રહેતાં દેવુ સોલંકી, પેપો સોલંકી અને અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૬: બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં રહેતાં અને લાતી પ્‍લોટમાં ઇમિટેશન કામની ઓફિસ ધરાવતાં યુવાનને પોતાની ઓફિસ પાસે બંધ પડેલી બેટરીવાળી ગાડી ઘર પાસે મુકવાની હોઇ તે કારીગર સાથે ગાડી લઇને આવતાં આ વખતે ત્‍યાં ટુવ્‍હીલર લઇને ઉભેલા શખ્‍સને તેનું વાહન દુર લેવાનું કહેતાં આ શખ્‍સે ગાડી તો અહિ જ રહેશે કહી શેરીમાંથી બીજા બે જણાને બોલાવી આ યુવાનને માર મારી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અને વાંસામાં પથ્‍થરનો છુટો ઘા મારી પછાડી દેતાં ઇજા થતાં સારવાર લેવી પડી છે.

આ બનાવમાં થોરાળા પોલીસે બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં. ૨/૫ના ખુણે રાજમોતી મીલની સામે રહેતાં રવિભાઇ મગનભાઇ સોરાણી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી તેના જ પડોશમાં રહેતાં દેવુ જીમીભાઇ સોલંકી અને  પેપુ જયસુખભાઇ સોલંકી તથા એક્‍ેસેસ નં. જીજે૦૩એમડી-૪૩૫૬ ઉપર આવેલા અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

રવિ સોરાણી પરિવાર સાથે રહે છે અને કુવાડવા રોડ પૂજારા ટેલિકોમની સામે લાતી પ્‍લોટમાં ઇમિટેશનની ઓફિસર રાખી ત્‍યાં ઇમિટેશનનું કામ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મંગળવારે ૨૫મીએ સાંજે હું મારી ઓફિસે બેટરીવાળી ગાડી બંધ પડી હોઇ જેથી મારા ઘરે મુકવાની હોઇ હું, મારો કારીગર ધરવલભાઇ ભરવાડ બંધ ગાડી મુકવા બેડીપરા શ્રમજીવી સોસાયટી ખાતે  પહોંચ્‍યા હતાં. આ વખતે જીજે૦૩એમડી-૪૩૫૬ નંબરનું એક્‍સેસ લઇને એક શખ્‍સ મારા ઘર પાસે ઉભો હોઇ મેં તેને અહિ મારે ગાડી રાખવાની છે, તમારુ વાહન દુર લઇ લો તેમ કહેતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ ગાડી તો અહિ જ રહેશે તેમ કહી ઝઘડો કર્યો હતો.

બાદમા  તેના ઓળખીતા દેવુ અને પેપુ જે મારી શેરીમાં જ રહે છે તે બંને આવી જતાં ત્રણેયએ મળીને ગાળો દીધી હતી. દેવુ અને પેપુએ ‘તારો શેરીમાં ત્રાસ વધી ગયો છે' કહી મને ગાળો ભાંડી હતી અને ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હતાં. આ દરમિયાન ત્રણમાંથી કોઇએ પથ્‍થર ઉપાડી છુટો ઘા કરતાં વાંસામાં લાગી જતાં હું પડી ગયો હતો. દેકારો થતાં મારો કારીગર દોડી આવ્‍યો હતો અને મને વધુ મારથી બચાવ્‍યો હતો. આ પછી આ ત્રણેય ભાગ્‍યા હતાં અને જતાં જતાં ધમકી આપી હતી કે-શેરીમાં શાંતીથી રહેવાનું  નહિતર જીવથી જઇશ. બાદમાં મારા મોટા ભાઇ પ્રફુલભાઇ, કાકા પ્રવિણભાઇ સહિતના આવી જતાં મને ફરિયાદ કરવા પોલીસ સ્‍ટેશને લઇ ગયા હતાં. તેમ વધુમાં રવિભાઇએ કહેતાં થોરાળા પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્‍સ. નિલેષભાઇ ડામોરે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(2:10 PM IST)