News of Friday, 28th August 2026
મનપા સફાળી જાગીઃ આવાસ ફાળવણીમાં પારદર્શીતા લાવવા સોફટવેર વિકસાવ્યો
હાલમાં એક જ વ્યકિતના નામે બે આવાસ મેળવ્યાનો ઘટસ્ફોટ થયેલઃ ધોડા છુટયા બાદ તબેલાને તાળા જેવો ઘાટ : આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ નંબરના આધારે અગાઉ આવાસ મેળવ્યું છે કે નહીં તેની થઈ શકશે ત્વરિત ચકાસણી

રાજકોટ, તા. ર૮: મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા EDP શાખાના સહયોગથી આવાસ યોજનાના અરજદારોની ચકાસણી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે હેતુથી એક વિશેષ સોફટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફટવેરની મદદથી અરજદારનો આધારકાર્ડ નંબર અને/અથવા ચૂંટણીકાર્ડ નંબર દાખલ કરીને સંબંધિત અરજદારે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા પાસેથી આવાસ મેળવ્યો છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે.
હાલ આ સોફટવેર પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં હજુ વધુ પ્રમાણમાં ડેટા ફીડ કરવાનો બાકી છે. તેમ છતાં, ફોર્મ-ચેકિંગની કામગીરી તેમજ કોઈ લાભાર્થીએ એકથી વધુ આવાસ મેળવ્યા હોવાની ફરિયાદોની તપાસમાં આ સોફટવેર ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ સોફટવેરના ઉપયોગથી અત્યાર સુધીમાં ૧૧ એવા અરજદારોની ઓળખ કરવામાં આવી છે કે જેમણે પોતાના નામે બે આવાસ મેળવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આવા અરજદારો સામે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સોફટવેરમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, જો કોઈ અરજદારના આધારકાર્ડ નંબર અથવા ચૂંટણીકાર્ડ નંબરની ડુપ્લીકેટ એન્ટ્રી જોવા મળે તો તુરંત રેડ-ફલેગ અલર્ટ જનરેટ થાય છે. સાથે જ આવા ડુપ્લીકેટ રેકોર્ડની અલગ એક્સેલ-શીટ પણ આપમેળે જનરેટ થઈ શકે છે. જેના પરિણામે એક જ અરજદારે બે આવાસ મેળવ્યા હોય તેવી સંભાવના ધરાવતા કેસો ત્વરિત ધ્યાને આવી શકે છે.
આ ઉપરાંત, સોફટવેરને વધુ અસરકારક બનાવવા માટે આગામી તબક્કામાં તેમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધા ઉમેરવાનું આયોજન છે. જેમાં લાભાર્થીના પ્રથમ નામ, મધ્ય નામ અને અટક પૈકી કોઈપણ બે નામ સમાન જણાય તો પણ રેડ-ફલેગ અલર્ટ જનરેટ થશે અને આવા કેસોની અલગ એક્સેલ-શીટ તૈયાર થશે. આ વ્યવસ્થાથી પતિ-પત્ની બંનેના નામે અલગ-અલગ આવાસ ફાળવાયા હોય તેવી સંભાવના ધરાવતા કેસોની પણ વધુ સરળતાથી ઓળખ કરી શકાશે.
હાલમાં આ સોફટવેરના રાઈટ્સ આવાસ યોજના વિભાગના તમામ કર્મચારીઓ તેમજ ફોર્મ-ચેકિંગની કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને આપવામાં આવ્યા છે. સોફટવેરમાં પૂરતા પ્રમાણમાં ડેટા ફીડ થઈ ગયા બાદ તેના રાઈટ્સ રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવાનું આયોજન છે.
આ સોફટવેરના વ્યાપક ઉપયોગથી Peer Audit ±Þõ Social Auditની પ્રક્રિયા વધુ અસરકારક બનશે. આવાસની ફાળવણીમાં કોઈ ગેરરીતિ, ડુપ્લીકેટ લાભ, એકથી વધુ આવાસ મેળવવાનો પ્રયાસ અથવા માનવીય ક્ષતિ થઈ હોય તો તે ત્વરિત ધ્યાને આવી શકે અને નિયમોનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય.
(2:27 PM IST)










