<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

કોઠારીયામાં કારખાનામાંથી એમપીના યુવાનને બહાર ખેંચી બિહારી શખ્‍સો, મહિલાઓનો હુમલોઃ ૪ને ઇજા

રાતે બિહારી શખ્‍સે દારૂ ક્‍યાં મળે છે પુછી રોહિત નામના શખ્‍સને ગાળો દઇ ડખ્‍ખો કર્યા બાદ સવારે ફરીથી માથાકુટઃ બચાવવા આવેલા ત્રણ મિત્રો પણ ઘાયલ થયા

રાજકોટ તા. ૨૯: કોઠારીયા રોડ શ્રી હરિ સોસાયટીમાં રૂમ રાખીને રહેતાં મુળ મધ્‍યપ્રદેશના એક યુવાનને રાતે તે ઘર નજીક ફાકી ખાવા ગયો ત્‍યારે બિહારી શખ્‍સે  દારૂ ક્‍યાં મળે છે? તેમ પુછી ગાળાગાળી કરી મારકુટ કર્યા બાદ સવારે આ બિહારી શખ્‍સ તથા તેની સાથેની મહિલા, પુરૂષોએ મળી એમપીનો યુવાન જ્‍યાં કામ કરે છે તે કારખાને જઇ તેને બહાર ખેંચી જઇ ધોકા-પથ્‍થરથી માર મારતાં તેને બચાવવા વચ્‍ચે પડેલા ત્રણ મીત્રોને પણ માર મારવામાં આવતાં ચારેયને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ શ્રી હરિ સોસાયટીમાં રહેતો મુળ એમપીનો રોહિત મથુરાભાઇ પ્રસાદ (ઉ.વ.૧૮) રાતે ઘર નજીક પાન ફાકી ખાવા ગયો ત્‍યારે બિહારના શખ્‍સે આવી દારૂ ક્‍યાં મળે છે તેમ પુછતાં રોહિતે પોતે દારૂ પીતો નથી અને ખબર નથી તેમ કહેતાં આ શખ્‍સે ગાળો દઇ માથાકુટ કરી હતી. બાદમાં સવારે રોહિત બાલાજી ટ્રાન્‍સપોર્ટ નામના કારખાનામાં કામે ગયો ત્‍યારે રાતે માથાકુટ કરનાર બિહારી શખ્‍સ બીજા શખ્‍સો, મહિલાઓને લઇને ધસી આવ્‍યો હતો અને રાતે શું તું હવા કરતો હતો? કહી તેને બહાર ખેંચી ગયા હતાં અને માર મારવાનું ચાલુ કર્યુ હતું.

રોહિતને બચાવવા તેના વતનના અને સાથે કામ કરતાં ખુશીરામ ગોલીરામ ગોૈતમ (ઉ.વ.૨૦), વીર ગોલીરામ ગોૈતમ (ઉ.વ.૨૬) અને લક્ષમણ ગોલીરામ ગોૈતમ (ઉ.વ.૧૮) વચ્‍ચે પડતાં તેને પણ પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડાઇ હતી. બીજા લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. આ શખ્‍સો કારખાનામાં ઘુસી રોહિતને બહાર ખેંચી જતાં હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્‍યા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:04 PM IST)