News of Monday, 31st August 2026
ત્યક્તા સાથે ગોંડલ નવાગામના બે સંતાનના પિતા કારખાનેદારનું લગ્નની લાલચ દઇ વારંવાર દૂષ્કર્મ
છુટાછેડા બાદ મહિલા બીજા લગ્ન માટે પાત્ર શોધતી હતી ત્યારે પોતે કુંવારો હોવાનું કહી સંજય કંડોલીયાએ લગ્નની તૈયારી બતાવી હતી : રાજકોટમાં, રિસોર્ટમાં અને અલગ અલગ જગ્યાએ લઇ જઇ દેહસંબંધ બાંધ્યાઃ એક વખત ગર્ભપાત કરાવડાવી નાંખ્યોઃ છેલ્લે ધાકધમકી દઇ લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધીઃ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો : રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ આર. જી. પઢીયાર, રાઇટર અરૂણાબેને ગુનો નોંધી આરોપીની અટકાયત કરી

રાજકોટ તા. ૩૧: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમા એક ત્યકતા મહિલાને લગ્નની લાલચ આપી ગોડલના નવાગામના પરણેલા શખ્સે ફસાવી અવાર-નવાર રાજકોટ તેમજ રિસોર્ટ, હોટેલમાં લઇ જઇ દૂષ્કર્મ આચરી છેલ્લે લગ્નની ના પાડી દેતાં તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે. તે બે સંતાનનો પિતા છે. આરોપીએ છેલ્લે ભોગ બનનારને ગર્ભ રહી ગયો હતો તે પણ ધાકધમકી આપીને પડાવી નાંખ્યો હતો.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશના દ્વારા ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે ગોંડલના નવાગામમાં રહેતાં કારખાનેદાર સંજય મનસખુભાઇ કંડોલીયા (ઉ.વ.૩૮) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ફરિયાદની વિગત મુજબ ભોગ બનનાર મહિલાના વર્ષ ૨૦૨૦મા છુટાછેડા થઇ ગયા હતાં. તેમને એક સંતાન હોઇ જેના ઉછેર માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. આ દરમિયાન પરીચીતને વાત કરી કોઇ સારો યુવાન હોય તો જાણ કરવા કહ્યું હતું.
તપાસનીશ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ આર. જી. પઢારીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨માં આ મહિલાનો સંપર્ક ગોંડલ નવાગામના સંજય કંડોલીયાએ કર્યો હતો અને પોતે કારખાનેદાર હોવાનું અને લગ્ન કરવા ઇચ્છુક હોવાનું તેમજ અપરિણીત હોવાનું કહ્યું હતું. મહિલાને તેના પર વિશ્વાસ બેસી જતાં શરૂઆતમાં એક બીજા સાથે વાતચીત કરી હતી. બાદમાં સંજયએ તેણીને પોતે ખુબ જ પ્રેમ કરે છે અને ટુંક સમયમાં જ લગ્ન કરી લેશે તેવુ કહી તેણી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી તે અવાર-નવાર લગ્ન કરી જ લેવાના છે તેમ કહી રાજકોટમાં તેમજ રિસોર્ટમાં અને હોટેલમાં તથા અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધી લેતો હતો.
ભોગ બનનાર મહિલા જ્યારે પણ લગ્ન કરવાનું કહે ત્યારે તે અલગ અલગ બહાના બતાવી દેતો હતો. આ દરમિયાન તેણીને બે મહિનાનો ગર્ભ રહી જતાં ધાકધમકી આપીને ગર્ભપાત કરાવડાવી નાંખ્યછ હતો. આ પછી તેણીને શંકા જતાં તપાસ કરતાં સંજય પરણેલો અને બે સંતાનનો પિતા હોવાની ખબર પડી હતી. ત્યારે પણ સંજયએ લગ્ન કરી લેશે તેવુ કહ્યું હતું. પણ છેલ્લે ગાળો દઇ ડરાવી ધમકાવી તરછોડી દીધી હતી અને લગ્નની ના પાડી દીધી હતી.
આથી પોતાની સાથે ઠગાઇ થયાનું અને શારીરિક શોષણ થયાનું જણાતાં તેણી મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પીઆઇ આર. જી. પઢીયાર તથા રાઇટર અરૂણાબેને ગુનો દાખલ કર્યો હતો. આરોપી સંજય કંડોલીયાની ધરપકડ કરી લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(11:53 AM IST)










