News of Monday, 21st September 2026
આવાસની ફાળવણી એકાએક કેમ રદ્દ કરી? કેબલ બ્રીજની એજન્સી ઉપર કેમ પગલાં નથી લીધાઃ સાગઠીયા-દાઉદાણી
કોંગ્રેસે મનપા શાસકોને ચિંટીયો ભર્યોઃ વશરામભાઇ તથા મકબુલભાઇની રજુઆત

રાજકોટ તા. ર૧: શહેરમાં મનપા દ્વારા નિર્માણ થતા દરેક વિકાસ કામોની વિગત અંગેના બોર્ડ મારવાનો પ્રારંભ થઇ ચૂકયો છે, ત્યારે નજીકના ભૂતકાળમાં કામમાં ક્ષતી તથા આવાસની ફાળવણી મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
વોર્ડ નં. ૧પ ના કોંગ્રેસ કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણીએ મ્યુ. કમિશનરને પત્ર લખી વિસ્તૃત વિગતો આપવા માંગ કરી છે, જયારે પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ પણ ગેરરીતિ થઇ હોય તો તંત્રવાહકોને પગલાં લેવા યાદીમાં જણાવ્યું છે.
આ અંગે મહાનગર પાલીકાના કોર્પોરેટરશ્રી મકબુલભાઇ દાઉદાણી અને પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની યાદી જણાવે છે કે, રાજકોટ મહાનગર પાલિકામાં શાસન અંગે હવે થોડી અપેક્ષા થઇ છે કે કે મેયર નેહલ શુકલ લોકો તરફી નિર્ણય લેશે.
તેમણે માંગ કરતા જણાવેલ કે, રાજકોટના ૮૦ ફુટ રોડ સોરઠીયાવાડી પાસે આવાસ યોજનામાં ડ્રો વગર કેવી રીતે મકાનો ફાળવ્યા? આવાસો ફાળવ્યા બાદ રદ કેમ કર્યા? જંગલેશ્વરનાં બાકી રહેતા લોકો માટે શું યોજના કરી હતી? ફાળવણી રદ કરવાનું કારણ શું છે?
તેવી જ રીતે કાલાવાડ રોડ ઉપર કેબલ બ્રીજ બની રહ્યો છે તેમાં કૌભાંડની બુ આવતા કમિશ્નર દ્વારા બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તો એજન્સી ઉપર કેમ કોઇ પગલાં લેવડાવ્યા નથી.
આ એજન્સીના રાજકોટમાં જેટલા કામો હાલ ચાલુ છે તે બંધ કરાવી તેની ઉપર તપાસ કરાવો અને નબળુ કામ હોય તો તેને બ્લેક લીસ્ટ કરવા માંગ કરવામાં આવી છે.
વશરામભાઇ સાગઠીયા
મકબુલભાઇ દાઉદાણી
(3:30 PM IST)










