<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

છોટુનગર-અલ્કાપુરીમાં દારૂડીયાઓ બેફામઃ ખુલ્લેઆમ બિભત્સ હરકતોઃ પોલીસ ખરા અર્થમાં ‘કડક’ કામ કરે તેવી માંગણી

રૈયા રોડ હનુમાન મઢી પાછળના આ વિસ્‍તારોમાં પોલીસનો કોઇ ખોફ જ ન હોય તેવો માહોલઃ સવારથી રાત સુધી ઠેકઠેકાણે શેરી-ગલીઓમાં કોથળીઓ લઇ નશાખોરો બેસી જાય છેઃ કોઇ ટપારે તો ભુંડી ગાળોનો વરસાદઃ રહેવાસીઓ ત્રાહીમામઃ વારંવાર રજૂઆતો પણ પરિણામ શૂન્‍ય : છોટુનગર-અલ્‍કાપુરીના રહેવાસીઓની વધુ એક વખત પોલીસ કમિશનરને રજૂઆતઃ કેટલાક દિવસ પહેલા એક ધાર્મિક જગ્‍યામાં પણ નશાખોરે મુર્તિ ખંડીત કર્યાનો આક્ષેપ

છોટુનગર-અલ્‍કાપુરી સોસાયટીમાં દારૂડીયા, આવારા તત્‍વોનો અનહદ ત્રાસ વધી ગયો છે તેની પોલીસ કમિશનરને રજૂઆત કરનારા રહેવાસીઓ, આગેવાનોએ ‘અકિલા' કાર્યાલય ખાતે આવી પોતાની વ્‍યથા ઠાલવી હતી (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

નશાખોરો કઇ રીતે શેરીઓ ગલીઓમાં ધોળે દિવસે પડયા પાથર્યા રહે છે તેના દ્રશ્‍યો જોઇ શકાય છે. અમુકના હાથમાં કોથળીઓ પણ છે...અમુક તો જાહેરમાં પીધા પછી જાહેરમાં જ ન કરવાનું કરતાં હોય છે

રાજકોટ તા.૨૪: શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાછળની સોસાયટીઓ અલ્‍કાપુરી, છોટુનગરમાં સવારથી માંડી મોડી રાત સુધી શેરીએ ગલીએ દારૂડીયાઓ આવારા તત્‍વોના અડ્ડા જામતાં હોવાની વધુ એક વખત રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી છે. રહેવાસીઓએ વિડીયો-ફોટા સાથે પોલીસને રજૂઆત કરી આ વિસ્‍તારમાં ઘર કરી ગયેલી દારૂડીયા તત્‍વોની રંજાડની સમસ્‍યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માંગણી કરી છે. નશાખોરો ગમે તેના ઘર પાસે સરજાહેર કોથળીઓ લઇને બેસી જાય છે અને કોઇ તેને ટપારે તો કાનમાંથી કીડા ખરે તેવી ગાળો ભાંડી મારવા પણ દોડે છે. ડરના માર્યા લોકો ઘરના દરવાજા બંધ કરી પુરાઇ જાય છે. પોલીસ ખરા અર્થમાં આ વિસ્‍તારમાં કડક કામગીરી કરી દારૂડીયા આવારા તત્‍વો સામે આકરી કાર્યવાહી કરે તેવી રહેવાસીઓની માંગણી છે.

પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે છોટુનગર કો-ઓપ. હાઉસીંગ સોસાયટીની બાજુમાં છોટુનગર પાસની ઝૂપડપટ્ટી તેમજ આસપાસમાં રહેતાં અમુક આવારા તત્‍વો સવારથી સાંજ સુધી દારૂ વેંચે છે અને પીવે છે. ઝૂપડપટ્ટીમાં અમુક ખાસ જગ્‍યાએ દેશી દારૂનું વેંચાણ થાય છે. આ ઉપરાંત નોનવેજનું વેંચાણ પણ થાય છે. બહારથી પણ આવારા તત્‍વો આ ઝૂપડપટ્ટી પાસે દારૂ પીવા લેવા આવે છે. આ ઉપરાંત નશાખોરો છોટુનગર અને બાજુની અલ્‍કાપુરી સોસાયટીમાંથી બેફામ ઝડપે વાહનો લઇ નીકળતાં હોઇ રહેવાસીઓ, બાળકોને સતત અકસ્‍માતનો ભય રહે છે. બાઇકમાં એરહોર્ન વગાડાય છે તેમજ કાર રિક્ષામાં મોટા અવાજે સ્‍પીકર વગાડી શેરીઓમાંથી નીકળી રહેવાસીઓને રંજાડે છે.

રજૂઆતમાં આગળ જણાવાયું છે કે રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન સંચાલીત શાળા નં. ૬૦ની બાજુમાં સવારથી રાત સુધી દારૂડીયા બેફામ પીધેલા, સુતેલા, આળોટતા જોવા મળે છે. આ અંગે અગાઉ અમે રહેવાસીઓને ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદો કરી હતી. અસામાજીક તત્‍વો ઝૂપડપટ્ટી તરફ દારૂ પીવા લેવા આવે ત્‍યારે તેના વાહનો અલ્‍કાપુરી, છોટુનગરમાં ગમે તેના ઘર પાસે પાર્ક કરીને જતાં રહે છે. પછી પીને આવે ત્‍યારે બબાલ મચાવે છે. આવા તત્‍વો ગાળો બોલતાં હોઇ રહેવાસીઓ તેને ટપારે તો તેઓ તેમને પણ ગાળો દે છે અને ક્‍યારેક મારવા દોડે છે. શાળા નંબર ૬૦ પાસે એક મહિલા પણ સાંજે એક્‍ટીવા પર બેસી ગેરપ્રવૃતિ કરતી હોવાનું જણાય છે. આ મહિલાને રહેવાસીઓએ શાંતીથી સમજાવી હતી છતાં પોતાની પ્રવૃતિ ચાલુ રાખી છે.

રજૂઆતમાં આગળ જણાવાયું છે કે માત્ર છોટુનગર જ નહિ અલ્‍કાપુરી સોસાયટીમાં પણ આવા તત્‍વોનો રોજીંદો ત્રાસ છે. આગળ રંગ ઉપવનના ગેઇટ આસપાસ પણ અગાઉ નશેડીઓ પડયા રહેતાં હતાં તેની રજૂઆતો થઇ હતી. હવે આવો ત્રાસ છોટુનગર, અલ્‍કાપુરી વિસ્‍તારમાં શરૂ થયો છે. આ મામલે સોસાયટીના રહેવાસીઓએ મુખ્‍યમંત્રી કાર્યાલય, ધારાસભ્‍યને પણ રજૂઆત કરી છે. રોજબરોજ કે સમયાંતરે દારૂની ડ્રાઇવ યોજતી પોલીસ ખરા અર્થમાં આ વિસ્‍તારમાં ડ્રાઇવ યોજી કાગળ ઉપર નહિ પણ વાસ્‍તવમાં કડક કામગીરી કરી લોકોને રંજાડમાંથી છોડાવે તેવી માંગણી ઉઠી છે. રહેવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે થોડા દિવસ પહેલા અહિ એક મંદિરની મુર્તિ પણ નશાખોરોએ ખંડિત કરી હતી. મંદિરના ઓટે જ આવા તત્‍વો જૂગાર રમવા બેસી જાય છે.

 

 

 

 

(3:10 PM IST)