<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

રાજકોટમાં યોનેક્સ-સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઈનલ મેચો યોજાશે : વિજેતાઓને સંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલા અને મેયર ડૉ. નેહલ શુક્લના હસ્તે એનાયત કરાશે ઈનામ

ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સલાહકાર ભૂષણ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન : રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં પસંદગી માટે રવિવારે સવારે ૧૦ કલાકથી રસાકસીભર્યા ફાઈનલ મુકાબલા યોજાશે

રાજકોટ: રાજકોટ સ્થિત શ્રી અટલ બિહારી બાજપાઈ કોમ્પ્લેક્સ ખાતે યોનેક્સ-સનરાઈઝ સ્વર્ગીય ઠાકોર સાહેબ ઘનશ્યામસિંહજી ઓફ કોઠારીયા મેમોરિયલ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ ૨૦૨૬ ના ફાઈનલ મુકાબલાઓ યોજાવા જઈ રહ્યા છે. ટુર્નામેન્ટના શનિવારના રોજ રમાયેલા ચરણમાં ક્વાર્ટર ફાઈનલની ૩૨ અને સેમી ફાઈનલની ૧૬ મળીને કુલ ૪૮ રોમાંચક મેચો પૂર્ણ થઈ છે, જે સાથે સ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ ૩૦૭ સફળ મેચોનું આયોજન સંપન્ન થઈ ચૂક્યું છે.

ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સલાહકાર અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના માનદ મંત્રી ભૂષણ પંડ્યાએ સ્પર્ધાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સ્ટેટ ચેમ્પિયનશિપના આખરી અને નિર્ણયાયક ફાઈનલ મેચો રવિવાર, ૨૭ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૩૦ વાગ્યા દરમિયાન સળંગ રમાડવામાં આવશે. ભૂષણ પંડ્યાના કુશળ સંચાલન અને સુચારુ આયોજન હેઠળ આ સમગ્ર સ્પર્ધા સુચારુ રીતે આગળ વધી રહી છે.

ફાઈનલ મુકાબલાઓ પૂર્ણ થયા બાદ યોજાનારા ભવ્ય ઈનામ વિતરણ સમારોહમાં અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલા, રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ, રાજકોટના સ્થાનિક ધારાસભ્યો તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે અને વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ઈનામોનું વિતરણ કરશે.

આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામવાના હેતુથી આ સ્પર્ધા ખેલાડીઓ માટે અત્યંત મહત્વની બની રહે છે. સહ-આયોજકો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન અને માનદ મંત્રી ભૂષણ પંડ્યા દ્વારા રાજકોટની તમામ રમતપ્રેમી જનતાને આ રસાકસીભરી ફાઈનલ મેચો નિહાળવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(10:20 PM IST)