News of Thursday, 9th July 2026
સિંગાપોરની એર ટિકીટ અને વિઝાના નામે ૪૦ લોકોના ૭.૫૯ લાખ સુત્રાપાડા-અમદાવાદના શખ્સો ખાઇ ગયા
રૂડાનગર સામે સદ્દગુરૂનગરમાં રહેતી ક્રિષ્નાબેન રાવલીયા અગાઉ સ્લેડીંગ હોલીડેમાં વર્ક ફ્રોમ હોમ તરીકે નોકરી કરતી હતીઃ તેના જ સંચાલકે ઓછા ભાવે ટિકીટ-વિઝાની લાલચ આપી ઠગાઇ આચરી ક્રિષ્નાબેનના માતા જે કંપનીમાં સ્ટોકીસ્ટ તરીકે કામ કરે છે તેના ૪૦ સભ્યોને સારા કામ બદલ કંપની સિંગાપોર મોકલવાની હોઇ બૂકીંગ કરાવ્યું હતું: પણ પ્રવાસ તારીખના આગલા દિવસે કહેવાયું-તમારા વિઝા રીજેક્ટ થયા છેઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો સુત્રાપાડના અજય દેવળીયા અને અમદાવાદના દીપ માલવીયા સહિતની શોધખોળ

રાજકોટ તા. ૯: શહેરમાં સિંગાપોરના પ્રવાસની એર ટિકિટ અને વિઝા કરાવી આપવાના બહાને એક યુવતી સહિત કુલ ૪૦ લોકો સાથે લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવી છે. ગીર સોમનાથના સુત્રાપાડાના શખ્સ અને અમદાવાદના શખ્સે ૪૦ લોકો પાસેથી એર ટિકીટ વિઝાના નામે સામે રૂા. ૭,૫૯,૩૫૦ મેળવી લઇ પ્રવાસના આગલા દિવસે જ તમારા વિઝા રીજેક્ટ થઇ ગયા છે તેમ કહી દેતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૂડા-૨ની સામે સદ્દગુરૂનગર-૨માં રહેતાં ક્રિષ્નાબેન ભીમશીભાઇ રાવલીયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી ગીર સોમનાથના સુત્રાપાડા ગામે કુંભારવાડામાં એસઆરકે સ્કૂલ પાસે રહેતાં અજય જગદીશભાઇ દેવળીયા અને અમદાવાદ વટકાના ઇન્દિરાનગર-૨માં રહેતાં દીપ રમેશભાઇ માલવીયા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. ક્રિષ્નાબેન માતા-પિતા સાથે રહે છે. અગાઉ તેણે વર્ષ ૨૦૨૫માં સ્લેડીંગ હોલીડે પ્રાઇવેટ લિમીટેડમાં વર્ક ફ્રોમ હોમમાં છ મહિના નોકરી કરી હતી. હાલ નોકરી કરતાં નથી.
ફરિયાદમાં જણાવાયા મુજબ ક્રિષ્નાબેન ઇન્સ્ટાગ્રામ વાપરતાં હોઇ ૨૦૨૫માં સુત્રાપાડાના અજય દેવળીયાની સ્લેડીંગ હોલીડે પ્રા.લિ. કંપનીનો સંપર્ક થયો હતો. તે ભારત તેમજ વિદેશ મુકામે ટ્રાવેલ્સ, એર ટિકીટ, હોટેલ બૂકીંગ અને વિઝાનું કામ કરતાં હોઇ તેને રાજકોટ ખાતે ટેલીકોલિંગ માટે રસ ધરાવતાં યુવક-યુવતિની જરૂર હોઇ જેથી તેણીએ મેસેજથી સંપર્ક કરતાં તેને રાજકોટમાં ટેલીકોલિંગની નોકરીની ઓફર અજયએ કરી હતી. તેમજ મહિને ૬ હજાર પગાર નક્કી થયો હતો. જો કે ક્રિષ્નાબેન રૂબરૂમાં કદી પણ અજય દેવળીયાને મળ્યા નહોતાં. તેણે ટેલીકોલિંગ માટે કંપની તરફથી જીઓ કંપનીનું સીમકાર્ડ કુરીયરથી મોકલ્યું હતું. બાદમાં તેની સુચના મુજબ તેણી ઘરે બેઠા કામ કરતી હતી.
ફરિયાદની વધુ વિગતો મુજબ ક્રિષ્નાબેનના માતા ટમુબેન ભીમશીભાઇ રાવલીયા રાજકોટમાં ‘કાયા પલટ' નામની બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીમાં સુપર સ્ટોકિસ્ટ તરીકે કામ કરે છે. આ કંપનીના ફાઉન્ડર અંજુબેન પાડલીયા દ્વારા કંપની વતી સારો સેલ્સ ટાર્ગેટ પુરો કરનાર સુપર સ્ટોકિસ્ટો અને કર્મચારીઓ સહિત કુલ ૮૦ લોકોને કંપનીના ખર્ચે સિંગાપોર પ્રવાસે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ પિક-અપ, ડ્રોપિંગ અને અન્ય ખર્ચ કંપની ભોગવવાની હતી. જ્યારે આવવા-જવાની એર ટિકિટ અને વિઝાનો ખર્ચ જે-તે વ્યક્તિએ પોતે ભોગવવાનો હતો.
કંપનીના સભ્યો પ્રવાસે જવાના હોવાની અને એ સભ્યોમાં ક્રિષ્નાબેનના માતુશ્રીની પણ પસંદગી થઇ હોઇ તેની જાણ થતાં ક્રિષ્નાબેને અજય દેવળીયાને વાત કરી હતી. કંપનીએ નક્કી કરેલા એજન્ટો વ્યક્તિદીઠ ટિકિટના ૨૪,૫૦૦ કહેતા હતા, જ્યારે અજય દેવળીયાએ સિંગાપોર ટૂરની એર ટિકિટના માત્ર રૂા.૧૭,૮૫૦ અને વિઝા ખર્ચના ૩,૬૦૦ થઈને કુલ રૂા. ૨૧,૪૫૦ માં કામ પતાવી આપવાનો વાયદો કર્યો હતો. ઓછી કિંમતમાં કામ થતું હોવાથી ક્રિષ્નાબેનના માતાએ આ ફાયદાની વાત કંપનીના ફાઉન્ડર અંજુબેનને કરી હતી. જેથી કુલ ૮૦ માંથી ૪૦ વ્યક્તિઓએ પોતાના અસલી પાસપોર્ટ સુરત રહેતાં સગા દેવાભાઈ કડોરીયાના બસ ડ્રાઈવર મારફતે અજય દેવળીયાને મોકલી આપ્યા હતા.
આ પછી ૪૦ વ્યક્તિઓના વિઝા અને એર ટિકિટ પેટે નક્કી થયેલી કુલ રકમ રૂા. ૭,૫૯,૩૫૦ મેળવવા માટે અજય દેવળીયાએ અલગ-અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટ નંબરો આપ્યા હતા. ફરિયાદી અને અન્યોએ વિશ્વાસ રાખીને અજયએ જણાવ્યા મુજબના ખાતાઓમાં ઓનલાઈન અને ફોન-પે મારફતે રકમ ટ્રાન્સફર કરી હતી. જેમાં દીપકભાઈ રમેશભાઈ માલવીયા (રહે. વટવા, અમદાવાદ)ના ફેડરલ બેંક ખાતામાં કુલ ૧,૫૨,૪૦૦, સિદ્ધાર્થ પિનાકીનભાઈ બારોટ (રહે. વેજલપુર, અમદાવાદ)ના આઇસીઆઇસીઆઇના બેંક ખાતામાં: લિમિટના ઈશ્યુના બહાના હેઠળ ક્રિષ્નાબેન, ભીમશીભાઈ, અંજનાબેન પટેલ, અરૂણાબેન પચ્ચીગર, પુષ્પાબેન પટોડીયા સહિતના લોકો પાસેથી કુલ ૫,૧૧,૧૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા.
નક્કી થયા મુજબ તમામ ૪૦ લોકોની ટ્રાવેલ તારીખ ૨૮/૦૩/૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી. અજય દેવળીયા સહિતના વારંવાર ટિકિટો અને વિઝા સમયસર પહોંચાડી દેવાનો વિશ્વાસ આપતી હતી. પરંતુ પ્રવાસના બરાબર એક દિવસ અગાઉ એટલે કે ૨૭ માર્ચ, ૨૦૨૬ના રોજ અજયે ક્રિષ્નાબેનને ફોન કરીને જણાવ્યું હતું કે-તમારા વિઝા નામંજુર-રીજેક્ટ થઈ ગયા છે. જ્યારે ક્રિષ્નાબેન અને કંપનીના હોદ્દેદારોએ વિઝા નામંજૂર થયા અંગેના એમ્બેસીના સત્તાવાર લેટર કે મેઈલની માંગણી કરી ત્યારે અજય દેવળીયા ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો અને કોઈ યોગ્ય ખુલાસો આપી શકયો નહોતો. ભોગ બનનારાઓએ પોતાની રકમ રીફંડ આપવા અથવા ટૂર પાછળ ઠેલવા દબાણ કરતા આ ભેજાબાજોએ ટૂંક સમયમાં પૈસા પાછા આપી દેવાની ખોટી ખાતરી આપી હતી.
પરંતુ ત્યાર બાદ આજ દિન સુધી ન તો એર ટિકિટ આપી ન વિઝા આપ્યા કે ન તો રકમ પરત કરી. અંતે આ ત્રણેય આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખી ભોગ બનનાર તમામ લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના એએઅસાઇ એચ. જે. જોગડાએ અજય દેવળીયા, દીપ માલવીયા અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
(1:28 PM IST)










