News of Monday, 19th October 2026
શહેરમાં ૭ દિ'માં શરદી-ઉધરસના ૯૪૦ અને સામાન્ય તાવના ૮૩૦ કેસ નોંધાયા
ડેન્ગ્યુના ૩ અને મેલેરિયાના ૨ કેસ સામે આવ્યાઃ મનપાએ ૧.૦૪ લાખથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી કરી

રાજકોટ, તા. ૧૯: શહેરમાં તા. ૧૨થી ૧૮ ઓકટોબર, ૨૦૨૬ દરમિયાન શરદી-ઉધરસના ૯૪૦, સામાન્ય તાવના ૮૩૦ અને ઝાડા-ઊલટીના ૧૮૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના ૩, મેલેરિયાના ૨, ટાઇફોઇડના ૨ અને કમળાનો ૧ કેસ નોંધાયો છે. ચિકનગુનિયા, મરડો અને કોલેરાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં શરદી-ઉધરસના કુલ ૩૨,૮૧૬, સામાન્ય તાવના ૩૧,૦૦૨, ઝાડા-ઊલટીના ૧૧,૧૦૫, કમળાના ૪૨ અને ટાઇફોઇડના ૪૦ કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કુલ ૪૧, મેલેરિયાના ૧૩ અને ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.રોગચાળાને નિયંત્રણમાં રાખવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHW મારફતે ૧,૦૪,૨૬૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે. આ ઉપરાંત ૬૪૦ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છરોની ઘનતા વધુ હોય તેવા વિસ્તારો, સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર માર્ગો અને વધુ લોકો એકઠા થતા સ્થળોને વ્હીકલ માઉન્ટેડ મશીનથી ફોગિંગ હેઠળ આવરી લેવાયા છે.આરોગ્ય વિભાગે રહેણાક સિવાયનાં બાંધકામ સ્થળો, શાળા, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રી, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત ૩૪૧ સ્થળોની તપાસ કરી હતી. મચ્છર ઉત્પત્તિ જોવા મળતાં ૩૧૪ રહેણાંક અને ૬૫ કોમર્શિયલ આસામીઓ સહિત કુલ ૩૭૯ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી
(3:32 PM IST)










