<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

રાજકોટના જાળીયા ગામેથી ૧૭ વર્ષની સગીરાને અજાણ્‍યો શખ્‍સ કારમાં બેસાડી ભગાડી ગયો

મુળ અમરેલી પંથકનો પરિવાર હાલ રાજકોટ રહી પશુપાલન કરે છે રાતે બે વાગ્‍યે દિકરીએ પેટમાં દુઃખવાની ફરિયાદ કરી, અઢી વાગ્‍યે માતા જાગી ત્‍યારે દિકરી ગાયબ હતીઃ કુવાડવા રોડ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૮:  શહેરના મોરબી રોડ વિસ્‍તારમાં આવેલા જાળીયા ગામે રહેતા મુળ અમરેલીના પરિવારની ૧૭ વર્ષની દિકરીને ઘર પાસેથી કોઇ શખ્‍સ સ્‍કોર્પીયો ગાડીમાં બેસાડી અપહરણ કરી ભાગી જતાં પોલીસને જાણ કરવામાં આવતાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે જાળીયા ગામે રહેતાં મુળ અમરેલી પંથકના આધેડની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.  ફરિયાદી હાલ મોરબી રોડ પર જાળીયા ગામના જૂના રસ્‍તે, ઘનશ્‍યામ વાટીકાની પાછળ પ્‍લોટિંગમાં ગાય-ભેંસોના તબેલામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમનો પરિવાર ૨૬/૧૧/૨૬ના રોજ રાત્રે જમીને સુઈ ગયો હતો.

તેઓ વાડીમાં આવેલા મકાનના ફળિયામાં સુતા હતા, જ્‍યારે તેમની સગીર વયની પુત્રી તેની માતા સાથે રૂમમાં સુતી હતી. રાત્રે આશરે બે વાગ્‍યાની આસપાસ માતા જાગી ત્‍યારે દિકરીએ પેટમાં દુઃખાવો થતો હોવાનું અને ઊંઘ ન આવતી હોવાનું જણાવ્‍યું હતું. ત્‍યારબાદ સૌ ફરી સુઈ ગયા હતા.

આ પછી રાતે અઢી વાગ્‍યાની આસપાસ આધેડને પત્‍નિ સહિતના પરિવારજનોએ રાડો પાડીને જગાડ્‍યા હતા અને જણાવ્‍યું હતું કે દિકરી ઘરમાં નથી. આ સાંભળીને તેઓએ મકાનની બહાર આજુબાજુ જોતા એક અજાણી ફોરવ્‍હીલ ગાડી ઝડપથી જતી જોવા મળી હતી. પરિવારજનોએ આસપાસ અને સગા-વહાલામાં પૂછપરછ તેમજ શોધખોળ કરી હોવા છતાં દિકરીનો કોઈ પત્તો લાગ્‍યો નહોતો. આ પછી કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં હેડકોન્‍સ. વી. જે. ગોહેલે અજાણ્‍યા કારચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. વધુ તપાસ પીએસઆઇ એમ. આર. મકવાણા ચલાવી રહ્યા છે. કોઇ જાણભેદુ સગીરાને ફસાવી ભગાડી ગયાની શંકા વ્‍યક્‍ત થતી હોઇ પોલીસે તપાસ આદરી છે

(1:29 PM IST)