News of Friday, 8th May 2026
જાગનાથ પ્લોટમાં રાત્રે કિશનભાઇ બોરાણાના ઘરે તેના સાઢુ સહિતની ધમાલઃ તેના કાકાને કારની ઠોકરે લીધા
માતાને પણ ઇજાઃ સ્વબચાવમાં હુમલાખોરોની કારમાં તોડફોડઃ અંદર નશીલા પ્રવાહીના ચપલા જોવા મળ્યાઃ પ્ર.નગર પોલીસમાં મનિષ જોગેલા સહિતની વિરૂધ્ધ કિશનભાઇના ભાઇ ગોપાલભાઇ બોરાણાએ લેખિત અરજી કરતાં તપાસ : હુમલો કરનારા શખ્સો જેમાં આવ્યા હતાં તે કાર જીજે૦૩ઇએલ-૪૨૬૮માં સ્વબચાવમાં તોડફોડ થઇ હતી તે કાર જોઇ શકાય છે. તેમાં નશીલા મનાતા પીણાની અને ઠંડા પીણાની બોટલો પણ જોવા મળી હતી.

રાજકોટ તા. ૮: જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતાં બોરાણા પરિવારના ઘર ઉપર રાત્રીના સમયે કારમાં આવેલા છ સાત શખ્સોએ હુમલો કરી ધમાલ મચાવતાં દેકારો મચી ગયો હતો. કારમાં આવેલા શખ્સોએ પહેલા તો આ પરિવારના એક સદસ્યને કારની ઠોકર મારી પછાડી દીધા હતાં અને બાદમાં હુમલો કરતાં એક મહિલા સદસ્યને પણ ઇજા પહોંચી હતી. બેફામ ગાળાગાળી કરી ધમાલ મચાવાતાં આ પરિવારના લોકોએ પણ સ્વબચાવમાં કારમાં તોડફોડ કરતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કાર અંદર નશીલા પદાર્થના ચપલા પણ જોવા મળ્યા હતાં. આ માથાકુટ મામલે પોલીસમાં અરજી કરવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.
બનાવ અંગે જાગનાથ પ્લોટ શેરી નં. ૧૪માં રહેતાં ગોપાલભાઇ રાજેશભાઇ બોરાણાએ લેખિત અરજી પ્ર.નગર પોલીસમાં કરી છે. ગોપાલભાઇએ જણાવ્યું છે કે મારા નાના ભાઇ કિશનભાઇ બોરાણાના ધર્મપત્નિ દેવીકાબેન દોઢેક વર્ષથી રિસામણે છે આ મામલે કોર્ટ કેસ પણ ચાલુ છે. આ બાબતનો ખાર રાખી મારા નાના ભાઇના સાઢુભાઇ મનિષભાઇ જોગેલા, તેના ભાઇ મિલનભાઇ અને અજાણ્યા છ-સાત શખ્સો રાતે એકથી દોઢની વચ્ચે લાલ રંગની કાર લઇને અમારા ઘરે આવ્યા હતાં.
આ વખતે મારા કાકા સુનીલભાઇ રામજીભાઇ બોરાણા (ઉ.વ.૪૫) બહાર ઉભા હોઇ આ શખ્સોએ તેમને કારની ઠોકરે લઇ પછાડી દીધા હતાં. કાર માથે આવી જતાં તેમને પેટમાં ઇજા પહોંચતા સારવાર અપાવાઇ હતી. બાદમાં આ શખ્સો ધોકા સાથે ઉતર્યા હતાં અને ગાળાગાળી કરી હુમલો કરતાં મારા માતા વિજ્યાબેન રાજેશભાઇ બોરાણા (ઉ.વ.૫૫)ને પણ ઇજાઓ થઇ હતી. આ ઓચીંતા હુમલાને કારણે ભારે દેકારો મચી ગયો હતો. લત્તાવાસીઓ ભેગા થઇ જતાં સાથે મળી સ્વબચાવમાં કારમાં તોડફોડ કરવામાં આવતાં આ બધા કાર મુકીને ભાગી ગયા હતાં. બાદમાં અમે પોલીસને જાણ કરી લેખીત અરજી આપી હતી. મારા નાના ભાઇ કિશનભાઇના પત્નિ રિસામણે હોઇ તેનો કોર્ટ કેસ ચાલુ હોઇ ઉપરાણું લઇને ભાઇના સાઢુ સહિતના લોકોએ અમારા ઘરે આવી હુમલો કર્યો હતો. હાલ અમે લેખીત અરજી કરી છે. તેમ વધુમાં ગોપાલભાઇ બોરાણાએ જણાવ્યું હતું. આ અરજીને આધારે પોલીસ આગળ કાર્યવાહી કરશે. આ બનાવમાં વળતી ફરિયાદ અરજી પણ થવાની શક્યતા છે.
(3:14 PM IST)










