News of Friday, 29th May 2026
રાજકોટના આંગણે ભવ્ય હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન .
સૌરાષ્ટ્ર સનાતન સમિતિના ઉપક્રમે ૫-૬- ૭ જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે પૂજ્ય ધીરેન્દ્રકૃષ્ણ શાષાીજી (બાબા બાગેશ્વર)નો યોજાશે ધાર્મિક મહોત્સવ કથામાં આવતા ભક્તોને શેરીંગ સિસ્ટમ્સ અને ઈવી (ઈલેક્ટ્રીક વ્હીકલ) વાહનોનો ઉપયોગ કરવા જણાવાયું છે. મહાનગરપાલિકાના સંકલનથી ઈવી બસોના ખાસ રૂટ શરૂ કરાશે અને બાબાની એરપોર્ટથી કથા સ્થળ સુધીની સ્વાગત યાત્રામાં પણ માત્ર ઈવી વાહનો જ વપરાશે ૪ જૂને શહેરના ૧૦ ઝોનમાં નીકળશે કળશ યાત્રા; કથા શ્રવણ માટે આવતા ભક્તો માટે ઈવી વાહનોનો વિશેષ ઉપયોગ કરાશે

તસ્વીરમાં ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્ષ), વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા, વિજયભાઇ પારખીયા, કેતનભાઈ ખંભાયતા, જયેશભાઈ સંઘાણી, અરૂણભાઈ નિર્મળ, રમેશભાઈ શિંગાળા, વિનયભાઈ ગારીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ : સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી તારીખ ૫, ૬ અને ૭ જૂનના રોજ પૂજ્ય ધીરેન્દ્રકૃષ્ણ શાષાીજી (બાબા બાગેશ્વર) ની હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં વિશાળ બેઠક વ્યવસ્થા, અધ્યતન સાઉન્ડ અને એલઈડી સિસ્ટમ સાથે ભક્તો માટે સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને બીજા દિવસે દિવ્ય દરબાર પણ ભરાશે.
વિગતવાર જોઈએ તો સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આગામી તારીખ ૫, ૬ અને ૭ જૂન (શુક્રવાર, શનિવાર અને રવિવાર) એમ ત્રણ દિવસની હનુમંત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં રમેશભાઈ પારેખ ઓડિટોરિયમ, રેસકોર્સ ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આ કથાનું ભવ્ય આયોજન કરાયું છે અને બીજા દિવસે બાબાનો દિવ્ય દરબાર ભરાશે.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિના મુખ્ય આયોજક અને સમિતિના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિશોરભાઈ ખંભાયતા તથા સમિતિના સિનિયર સભ્યો સર્વશ્રી રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિહ પરમાર, રમેશભાઈ શિગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા અને વિજયભાઈ પારખીયાએ વિશેષ માહિતી આપતા જણાવે છે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રની વિવિધ જગ્યાધારી ધાર્મિક સંસ્થાઓના સાધુઓ, સંતો-મહંતો અને અગ્રણીઓએ આ કથાના માધ્યમથી હિન્દુ સમાજને સંગઠિત બનાવવાની નેમ સાથે અપીલ કરી છે. સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન, સત્સંગ કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ ભર્યો અનેરો અવસર મળ્યો છે, ત્યારે હિન્દુ ધર્મપ્રેમી ભક્તોને સહપરિવાર જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.
બાબા બાગેશ્વરનો ઉદ્દેશ્ય
હિદુઓમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, સમાજના સકારાત્મક મૂલ્યો, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થાય અને સનાતન ધર્મની ધ્વજા ફરકતી રહે તે માટે બાબા બાગેશ્વર દેશ અને દુનિયામાં ભ્રમણ કરી રહ્યા છે. પૂજ્ય શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાષીજી (બાબા બાગેશ્વર), પીઠાધીશ્વર, બાગેશ્વરધામ, જેઓનું મુખ્ય મથક છતરપુર, મધ્ય પ્રદેશ ખાતે છે. તેઓ કથાની સાથે 'દિવ્ય દરબાર'ના આયોજન માટે જાણીતા છે અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.
વિશાળ વ્યવસ્થા અને આયોજન
કથામાં ગ્રાઉન્ડની બેઠક માટે શ્રી વિજયભાઈ પારખીયા વિશેષમાં જણાવે છે કે, રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ બેઠક વ્યવસ્થાને ૨૪ ખંડમાં વિભાજિત કરવામાં આવી છે. એક ખંડમાં ભારતીય બેઠક પ્રમાણે ૧૮૦૦ લોકોનો સમાવેશ થઈ શકે તેવી સુંદર વ્યવસ્થા છે. ૧૩૦ ફૂટ સ ૪૫ ફૂટનું ભવ્ય આકર્ષક સ્ટેજ, ૬ વિશાળ એલઈડી સ્ક્રીન, ૧ લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ અને અધ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સંપૂર્ણ વીમો પણ લેવામાં આવ્યો છે. પાણીની સુંદર વ્યવસ્થા સાથે ૨૪ લાઇટિગ ટાવર ઊભા કરાયા છે. ગ્રાઉન્ડમાં ૨ કાયમી અને ૪ હંગામી યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રવેશ દ્વાર અને પાર્કિગ
ભક્તોની સુવિધા માટે અલગ અલગ ગેટ ફાળવવામાં આવ્યા છે.
ગેટ નંબર ૧ અને ૨ : ફન વર્લ્ડ ગ્રાઉન્ડની બાજુમાં (જાહેર જનતા માટે)
ગેટ નંબર ૩ : પોલીસ હેડ ક્વાર્ટર પાસે (સાધુ-સંતો અને આમંત્રિત મહેમાનો માટે)
ગેટ નંબર ૪ : મહિલા પોલીસ સ્ટેશનની સામે (પ્રોટોકોલ માટે)
ગેટ નંબર ૫ (એરપોર્ટ) અને ૬ (બાલભવન) : જાહેર જનતા માટે
પાર્કિગ માટે ચૌધરી હાઇસ્કુલ, પોલીસ હેડ ક્વાર્ટર અને રિલાયન્સ ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.
સમિતિ દ્વારા કોઈ ફાળો ઉઘરાવાશે નહીં
આ કથાના આયોજનના ખર્ચ માટે સમિતિ દ્વારા કોઈપણ પ્રકારનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં, સંપૂર્ણ ખર્ચ યજમાન કિશોરભાઈ ખંભાયતા દ્વારા પૂરો કરવામાં આવશે. જે ધર્મપ્રેમી જનતા સેવાકીય પ્રવૃત્તિઓ માટે દાન આપવા ઈચ્છતી હોય, તેઓ સીધા બાબા બાગેશ્વર ધામના બેંક ખાતામાં અથવા કથા સ્થળે મધ્યસ્થ કાર્યાલયની બાજુમાં રાખેલા કાઉન્ટર પર ફાળો જમા કરાવીને પાકી પહોંચ મેળવી શકશે તેમ આયોજકો જણાવે છે.
બાબા બાગેશ્વર ધામના પાંચ મહાસંકલ્પો
૧. વિનામૂલ્યે આધુનિક હોસ્પિટલ સેવા : વર્ષ ૨૦૨૩ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે છતરપુરમાં ૨૫ એકરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું હતું. ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામતી ૧૦૦ બેડની આ હોસ્પિટલ ૨૦૨૭ સુધીમાં કાર્યરત થશે, જ્યાં ગરીબ દર્દીઓને કેન્સર, નેત્રરોગ, ઓર્થોપેડિક અને કિડનીની મફત સારવાર મળશે.
૨. કન્યા વિવાહ મહાયજ્ઞ : દર વર્ષે આશરે ૩૦૦ ગરીબ અને નિરાધાર દીકરીઓના સંપૂર્ણ નિઃશુલ્ક સમૂહલગ્ન અને જીવનનિર્વાહ માટે સહાય.
૩. ગૌસેવા અને ગૌસંરક્ષણ : ‘એક હિન્દુ - એક ગાય' ના સંદેશ સાથે ગરીબ ગૌપાલકોને આર્થિક સહાય.
૪. વૈદિક ગુરુકુળ : ભારતીય સંસ્કૃતિ, વેદજ્ઞાન અને સંસ્કૃતના પ્રચાર માટે ગુરુકુળની સ્થાપના.
૫. અન્નપૂર્ણા ભોજનાલય : ‘કોઈ ભૂખ્યું ન રહે' ના સંકલ્પ સાથે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન.
ઈવી વાહનનો ખાસ ઉપયોગ અને કળશ યાત્રા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને પર્યાવરણ બચાવવા માટે કથામાં આવતા ભક્તોને શેરીંગ સિસ્ટમ્સ અને ઈવી વાહનોનો ઉપયોગ કરવા જણાવાયું છે. મહાનગરપાલિકાના સંકલનથી ઈવી બસોના ખાસ રૂટ શરૂ કરાશે અને બાબાની એરપોર્ટથી કથા સ્થળ સુધીની સ્વાગત યાત્રામાં પણ માત્ર ઈવી વાહનો જ વપરાશે.
પેટ્રોલ-ડીઝલની બચત કરવાના હેતુથી સમગ્ર શહેરમાં એકસાથે યાત્રા કાઢવાના બદલે, કથાના આગલા દિવસે એટલે કે ૪ જૂને રાજકોટ શહેરના ૧૦ ઝોનમાં જે તે વિસ્તારના ધાર્મિક અને સામાજીક સંગઠનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે.
આવા પવિત્ર સંકલ્પ સાથે સનાતનીઓને જગાડવાની અલખ જગાવનાર ધીરેન્દ્રકૃષ્ણ શાષીજીની કથામાં ઉપસ્થિત રહેવા લી. જયેશભાઈ સંઘાણી (મો. ૮૪૨૮૨૦૦૫૨૦) અને અરૂણભાઈ નિર્મળ (મો. ૮૮૨૪૪૧૭૮૩૮) દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહત્વની ૪ બાબતો
૧. ૫ થી ૭ જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે હનુમંત કથા યોજાશે અને બીજા દિવસે બાબાનો દિવ્ય દરબાર ભરાશે.
૨. કથા સ્થળે ૧૩૦×૪૫ ફૂટનું ભવ્ય સ્ટેજ, ૬ વિશાળ એલઈડી સ્ક્રીન, ૧ લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ અને ૨૪ ખંડોમાં બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે.
૩. સમિતિ દ્વારા આયોજન માટે કોઈ ફાળો લેવાશે નહીં, ભક્તો સીધું જ બાગેશ્વર ધામની સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી શકશે.
૪. ૪ જૂનના રોજ શહેરના ૧૦ ઝોનમાં કળશ યાત્રા નીકળશે અને પર્યાવરણના હિતમાં કથા દરમિયાન ઈવી વાહનોના ઉપયોગને જ પ્રાધાન્ય અપાશે.
(2:50 PM IST)










