<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ખોડલધામના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો ઈતિહાસને ઉજાગર કરતો ગુજરાતી મનોરંજન જગતનો પ્રથમ ભવ્‍ય બ્રોડવે શો

ખોડલધામ દશાબ્‍દી મહોત્‍સવના આમંત્રણ અર્થે મા ખોડલના ત્રણ રથનું રાજકોટથી પ્રસ્‍થાન : ૫૦થી વધુ કલાકારો દ્વારા પાટીદાર સમાજના પંદરથી વધુ વ્‍યક્‍તિત્‍વને ઉજાગર કરતો શો, જે પાટીદાર સમાજના ભવ્‍ય ભૂતકાળને આજની પેઢી સાથે જોડશેઃ ૩ હજારથી વધુ માનવ કલાકોના રીસર્ચ પછી તૈયાર થયેલા આ બ્રોડવે શો નિહાળવો જીવનનો અમૂલ્‍ય લહાવો બનશે

રાજકોટઃ માત્ર મનોરંજન જ નહીં, પણ આખેઆખી પાટીદાર સંસ્‍કૃતિને ઉજાગર કરતો એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. પાટીદાર સમાજના ગૌરવશાળી ઇતિહાસ, બલિદાન અને સંરકાર વારસાને ઉજાગર કરતો ગુજરાતી બાપાનો સૌપ્રથમ બ્રોડવે મેગા સ્‍ટેજ શો અસરદાર પાટીદારનો પ્રિમિયર શો છઠ્ઠી જૂને રાજકોટ ખાતે ભજવાશે.

ખોડલધામના સ્‍થાપક ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેરણાથી તૈયાર થયેલો ખોડલધામ-કાગવડ આયોજિત આ શો માત્ર એક નાટક નહીં, પરંતુ એક ભવ્‍ય વિઝયુઅલ ટ્રીટ છે. જેમાં ગુજરાતના ૫૦થી વધુ તેજસ્‍વી કલાકારો પાટીદાર સમાજની વિરલ વિભૂતીઓને સ્‍ટેજ પર જીવંત કરશે. એક પણ કાલ્‍પનિક વાતોનો આશરો લેવો ન પડે એ માટે છેલ્‍લા દોઢ વર્ષથી આ શો પર રીસર્ચ કામ ચાલતું હતું, જેમાં ૩૦૦૦થી વધુ માનવ કલાકો ખર્ચાઈ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને રિસર્ચ ટીમ તરીકે શ્રી ખોડલધામ શિક્ષણ પાંખના સભ્‍યોએ જહેમત ઉઠાવી છે.

કાર્યક્રમની મુખ્‍ય સંકલન ટીમ કહે છે, એકેક તથ્‍યનો આધાર લઈને અમે આ શો ડિઝાઈન કર્યો, શો ડિઝાઈન કરતી વખતે અમારા મનમાં ક્‍લીઅર હતું કે પાટીદાર સમાજને જેન-ઝી સુધી પહોંચડવો અને તેમને સમાજના એ શૌર્ય અને પરંપરાની વાતો કહેવી જે ઇતિહાસના પાનાઓમાં પરભાઈ ગઈ છે.

ઐતિહાસિક તથ્‍યો અને અત્‍યાધુનિક LED ટેકનોલોજીના સમન્‍વય સાથે આ શો પ્રેલકોને ૧૪મી સદીના અડાલજથી લઈ આજના આધુનિક ભારત સુધીની સફર કરાવશે

દરમિયાન શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા આગામી તારીખ ૧૯ થી ૨૧ જાન્‍યુઆરી ૨૦૨૭ દરમિયાન શ્રી ખોડલધામ દશાબ્‍દી મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઐતિહાસિક મહોત્‍સવનું ગામડે ગામડે જઈને આમંત્રણ પાઠવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા મા ખોડલના ત્રણ રથ તૈયાર કરવામાં આવ્‍યા છે. ૨૩ મે ને શનિવારના રોજ રાજકોટ સ્‍થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતેથી શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્‍તે ભક્‍તિમય વાતાવરણમાં આ ત્રણેય રથને પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું.

રથ પ્રસ્‍થાન વિધિ પ્રસંગે સૌપ્રથમ રથ પ્રસ્‍થાન તથા રથ પરિભ્રમણ અંગેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષ રૂપે ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડયું હતું. ત્‍યારબાદ ત્રણેય સુશોભિત રથની પ્રસ્‍થાન વિધિ યોજાઈ હતી. રથ પ્રસ્‍થાન સ્‍થળ પર શ્રી ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા કલાત્‍મક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી અને રંગબેરંગી ફૂલોથી સુશોભન કરવામાં આવ્‍યું હતું. રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી. ત્‍યારબાદ રથની પૂજન વિધિ કરીને શ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્‍તે ફલેગ ઓફ કરીને રથનું વિધિવત પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું. રથ પ્રસ્‍થાન સમયે મા ખોડલના નાદ ગુંજી ઉઠ્‍યા હતા.

ત્રિ-દિવસીય શ્રી ખોડલધામ દશાબ્‍દી મહોત્‍સવની વાત કરીએ તો, તારીખ ૧૯ જાન્‍યુઆરી ૨૦૨૭ ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ મંદિરે દશાબ્‍દી મહોત્‍સવનો શુભારંભ થશે. જેમાં સવારે ૧૦૦૮ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ચારેય દિશાઓમાંથી શોભાયાત્રા શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે. જેના સામૈયા થશે અને પુષ્‍પવર્ષા થશે. બપોર બાદ ભવ્‍ય સાંસ્‍કૃતિક લોક ડાયરો યોજાશે. બીજા દિવસે તારીખ ૨૦ જાન્‍યુઆરી ૨૦૨૭ ને બુધવારના રોજ સવારે શાષોક્‍ત વિધિથી મહાયજ્ઞ થશે. બપોર બાદ મહારાસ યોજાશે. જેમાં દરેક જિલ્‍લા, તાલુકાઓ, શહેરો અને ગામડે ગામડેથી ભાઈઓ-બહેનો પરંપરાગત વષોમાં સજ્જ થઈ ઉપસ્‍થિત રહેશે અને મહારાસમાં જોડાશે. અંતિમ દિવસે તારીખ ૨૧ જાન્‍યુઆરી ૨૦૨૭ ને ગુરુવારના રોજ ૧૦૦૮ કુંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ થશે અને બીડું હોમવામાં આવશે.

તસ્‍વીરમાં ખોડલધામના સ્‍થાપક ચેરમેન નરેશભાઇ પટેલ સાથે બાવકુભાઇ ઉંધાડ, જીતુભાઇ વસોયા, દિનેશભાઇ કુંભાણી, નાથાભાઇ મૂંગરા, પૂર્વ ધારાસભ્‍ય ગોંવિદભાઇ પટેલ અને હરેશભાઇ પરસાણા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:03 PM IST)