News of Thursday, 4th June 2026
ભગવતીપરા પૂલ ઉપર મોડી રાતે ગોલાની રેંકડીવાળાને પેટમાં છરી ઝીંકી દઇ લૂંટ
મુળ યુપીનો હરિબચ્ચન લોધી નવાગામથી લારી લઇ ઘરે જતો'તો ત્યારે અજાણ્યા શખ્સે પહેલા બરફ માંગ્યો પછી ગાળો દઇ હુમલો કર્યોઃ યુવાન સિવિલ હોસ્પિટલના બીછાને

રાજકોટ તા. ૪: ભગવતીપરામાં વર્ષોથી રહેતાં મુળ યુપીના યુવાનને તે રાતે સાડા બારેક વાગ્યે ગોલાની લારી હંકારીને ભગવતીપરાના પૂલ ઉપરથી ઘર તરફ જતો હતો ત્યારે એક અજાણ્યા શખ્સે તેને ઉભો રાખી બરફ માંગતાં આ યુવાને બરફ ખતમ થઇ ગયો છે તેમ કહેતાં એ શખ્સે ગાળો દઇ છરીથી હુમલો કરી પેટમાં ઘા મારી દેતાં યુવાન લોહીલુહાણ થઇ ગયો હતો. હુમલો કર્યા બાદ આ શખ્સ રોકડ સાથેની નાની પેટી લૂંટીને ભાગી ગયાનું યુવાને જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ ભગવતપીરામાં રહેતો હરિબચ્ચન રામભાઇ લોધી (ઉ.વ.૩૫) નામનો યુવાન રાતે સાડા બારેક વાગ્યે ભગવતીપરા પૂલ પર હતો ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી પેટમાં છરી ભોંકી દેતાં દેકારો મચી ગયો હતો. હુમલાખોર ભાગી ગયા બાદ આ યુવાને ફોન કરી ૧૦૮ બોલાવતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
હરિબચ્ચને જણાવ્યું હતું કે હું પાંચ ભાઇ અને એક બહેનમાં નાનો છુ અને મુળ યુપીનો વતની છું. આઠેક વર્ષથી રાજકોટ ભગવતીપરામાં રહુ છું અને સીઝન મુજબ અલગ અલગ ધંધો કરુ છું. હાલ ગોલાની રેંકડી કાઢી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં ત્રણ દિકરી છે. હું મારી ગોલાની લારી લઇને નવાગામ વિસ્તારમાં ફેરી કરવા ગયો હતો. રાતે સાડા બારેક વાગ્યે ગોલા વેંચીને પરત લારી લઇ ઘરે જતો હતો ત્યારે ભગવતીપરા પૂલ ઉપરથી આગળ જતાં એક શખ્સ આવ્યો હતો અને બરફ માંગ્યો હતો. પણ મેં બરફ હવે ખતમ થઇ ગયો છે તેમ કહેતાં તે ગાળો દેવા માંડયો હતો. તેને ગાળો બોલવાની બના પાડતાં ઉશ્કેરાઇ ગયો હતો અને છરીથી હુમલો કરી મને પેટમાં ઘા મારી દીધો હતો. બાદમાં રેંકડીમાંથી રોકડની પેટી લઇ ભાગી ગયો હતો. જેમાં આખા દિવસના વકરાના ચારેક હજાર રૂપિયા હતાં. મને લોહી નીકળતાં હોઇ સ્વસ્થ થઇ ૧૦૮ને જાણ કરતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. (
(2:24 PM IST)










